રિયોબામ્બા (Riobamba) : ઇક્વેડોરના ચિમ્બોરાઝો પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 1° 45´ દ. અ. અને 78° 30´ પ. રે. . તે માઉન્ટ ચિમ્બોરાઝો નજીક દક્ષિણ તરફ રિયોબામ્બા નદીના થાળામાં મધ્યના ઊંચાણવાળા પ્રદેશ પર આશરે 2,700 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગર પૂર્વ-ઇન્કા અને ઇન્કા સંસ્કૃતિકાળથી અસ્તિત્વ ધરાવે છે. 1534માં સ્પેનના લોકો અહીંથી 19 કિમી. દૂરના કાજાબામ્બા સ્થળે આવીને વસેલા. 1797માં અહીં થયેલા ભૂપાત(landslide)ને કારણે ઘણા નિવાસીઓ મરણ પામેલા. આ દુર્ઘટનામાંથી બચી ગયેલા લોકો ત્યાંથી ખસીને આજના સ્થળે આવીને વસ્યા. 1830માં ઇક્વેડોરની પ્રથમ બંધારણીય પરિષદ આ રિયોબામ્બાના સ્થળે મળેલી અને આ સ્થળને પ્રજાસત્તાક જાહેર કરેલું. 1863માં રિયોબામ્બાને રોમન કૅથલિક બિશપની દેખરેખ હેઠળના પ્રદેશ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું.

રિયોબામ્બા વિસ્તાર ફળદ્રૂપ છે તથા કૃષિ અને પ્રક્રમિત પેદાશોના વેપારનું કેન્દ્ર છે. આ નગરમાં સુતરાઉ અને ઊની કાપડ, ગાલીચા-શેતરંજીઓ, સિમેન્ટ, સિરૅમિક્સ અને પગરખાં તૈયાર કરતા નાના પાયા પરના એકમો આવેલા છે. પ્રક્રમિત કરેલી ખાદ્યપેદાશો આ શહેરને આર્થિક લાભ મેળવી આપે છે. અહીં ત્રણ જગાએ (એક જગાએથી ખસીને બીજી અને તે પછીથી ત્રીજી જગાએ) અઠવાડિક મેળો ભરાય છે. આજુબાજુના ઇન્ડિયન ખેડૂતો જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અહીં આવે છે. આ શહેર સ્થાનિક હસ્તકારીગરીની ચીજો બનાવવા માટેનું મહત્વનું મથક છે. ગ્વાયાક્વિલ-ક્વિટો રેલમાર્ગનું પણ તે મુખ્ય મથક છે. 1969માં અહીં એક પૉલિટૅકનિક સ્કૂલ સ્થાપવામાં આવેલી છે. વસ્તી 1996 મુજબ 94,505ની છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા