રિયો દ લાપ્લાટા : દક્ષિણ અમેરિકાના અગ્નિકોણમાં પારાના અને ઉરુગ્વે નદીઓ દ્વારા રચાતો નદીનાળપ્રદેશ (ગળણી આકારનો અખાતી વિભાગ). ભૌગોલિક સ્થાન : આશરે 34° 00´ દ. અ. અને 58° 00´ પ. રે.. આ અખાતી વિભાગ ઍટલૅંટિક મહાસાગરથી આશરે 270 કિમી.ના અંતર સુધી વાયવ્ય તરફ વિસ્તરેલો છે. આ બંને નદીઓ તેમનાં જળ આ અખાતમાં ઠાલવે છે, તેથી તેમાં વેગવાળો પ્રવાહ ઉદભવે છે. નદીનાળ અને તેના ઉપરવાસ તરફ નદીતળમાં જમાવટ થવાથી ઠેકઠેકાણે જળભાગો છીછરા બની રહેલા છે; તેથી ક્યારેક વહાણવટા માટે અવરોધરૂપ બની રહે છે. આ અખાતના મથાળા નજીક ઉરુગ્વેના મૉન્ટેવિડિયોનું આશરે 225 કિમી. પહોળાઈવાળું કુદરતી બારું આવેલું છે. તેની આર્જેન્ટીના બાજુ પર લાપ્લાટા અને બ્યુએનૉસ આઇરિસ ખાતે વિશાળ ગોદીઓનું નિર્માણ કરવામાં આવેલું છે. અહીંની ઊંડી નાળમાં જમા થતો કાંપકાદવ અવારનવાર ડ્રેજરોની મદદથી કાઢી નાખવામાં આવે છે.

રિયો દ લાપ્લાટાનો હાર્દભાગ

1516માં જુઆન ડિયાઝ દ સોલિસ નામના પ્રથમ ગોરાએ આ અખાતમાં પ્રવેશ કરેલો. તે વખતે આ પ્રદેશના ઇન્ડિયન નિવાસીઓ ચાંદીનાં ઘરેણાં પહેરતા હોવાથી, તે જોઈને ઇટાલિયન નૌકાયાત્રી સેબેસ્ટિયન કૅબૉટે તેને રિયો દ લાપ્લાટા (અર્થાત્ ચાંદીવાળી નદી) નામ આપેલું.

જાહ્નવી ભટ્ટ