રિબેલ્ટા, ફ્રાંચિસ્કો

January, 2004

રિબેલ્ટા, ફ્રાંચિસ્કો (જ. 1565, સ્પેન; અ. 12 જાન્યુઆરી 1628, વાલેન્ચિયા, સ્પેન) : સ્પેનના મુખ્ય બરૉક ચિત્રકાર. માડ્રિડમાં અલ ઍસ્કૉરિયલ કળાશાળામાં નૅવેરેટે અલ મુડો પાસે ચિત્રકલાની તાલીમ લીધી. ઇટાલિયન બરૉક ચિત્રકાર કારાવાજિયોની સીધી અસર રિબેલ્ટા ઉપર પડી, તેથી તેમનાં ચિત્રોમાં પડછાયાનું આલેખન પ્રકાશિત સપાટી કરતાં પણ વધુ વિગતે થવું શરૂ થયું.

1598માં તે વાલેન્ચિયામાં સ્થિર થયા. અહીંના આર્ચબિશપ જુઆન દ રિબેરોની મદદથી એમણે અહીં વિશાળ સ્ટુડિયોની સ્થાપના કરી. તેમનાં મહત્વનાં ચિત્રોમાં  ‘ધ સિંગર’, ‘ક્રાઇસ્ટ એમ્બ્રેસિન્ગ સેંટ બર્નાર્ડ’ તથા ‘પોર્તાકોએલી રિબાલ્તે’નો સમાવેશ થાય છે. આ ચિત્રો માડ્રિડના ‘પ્રાડો’ મ્યુઝિયમમાં તથા વાલેન્ચિયાના ‘મ્યુઝિયો પ્રોવિન્ચિયલ દ બેલા આર્તેસ’માં સંઘરાયેલાં છે. તેમનાં ચિત્રોમાં તેમના પછીના સ્પેનિશ ચિત્રકારો વેલાસ્કવેથ, ઝુર્બારાન તથા જોઝે દ રિબેરોનો પૂર્વ અણસાર જોવા મળે છે.

અમિતાભ મડિયા