રિબેરો, જુલિયો ફ્રાન્સિસ

January, 2004

રિબેરો, જુલિયો ફ્રાન્સિસ (જ. 5 મે 1929, મુંબઈ) : ભારતના બાહોશ પોલીસ અધિકારી અને રોમાનિયા ખાતેના પૂર્વ એલચી. પિતાનું નામ ફ્રેડરિક અને માતાનું નામ મારિયા લુસિયા. બી.કૉમ., એલએલ.બી. સુધીનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1953માં ભારતીય પોલીસ-સેવા(IPS)માં દાખલ થયા અને ત્યારથી 1989 સુધી પોલીસ ખાતામાં વિવિધ પદો પર રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી; દા.ત., 1955–58ના ગાળામાં ભરૂચ, નાસિક અને જળગાવ ખાતે આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑવ્ પોલીસ; 1958–73 દરમિયાન પરભણી, નાંદેડ, સોલાપુર અને પુણે ખાતે સુપરિન્ટેન્ડન્ટ ઑવ્ પોલીસ; 1973 –79 દરમિયાન ક્રમશ: હૈદરાબાદ અને દિલ્હી ખાતે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પોલીસ; 1980માં રેલવેમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પોલીસ, 1981–82ના ગાળામાં ઠાણે ખાતે કમિશનર ઑવ્ પોલીસ; 1982–85 દરમિયાન મુંબઈ શહેરના કમિશનર ઑવ્ પોલીસ; 1985માં ગુજરાતના ડિરેક્ટર જનરલ ઑવ્ પોલીસ; 1985–86માં કેન્દ્ર સરકારના ગૃહ ખાતામાં વિશેષ સચિવ; 1986–88ના ગાળામાં પંજાબના ડિરેક્ટર જનરલ ઑવ્ પોલીસ અને 1988–89માં પંજાબના રાજ્યપાલના સલાહકાર જેવાં વિવિધ પદો પર તેમણે કામ કર્યું અને લોકચાહના મેળવી.

ઠાણે અને મુંબઈના પોલીસ કમિશનર-પદ પર જે ગાળામાં તેઓ કાર્ય કરતા હતા (1981–85) તે દરમિયાન દાણચોરો, દારૂનો ધંધો કરનાર ગુનેગારો, પોલીસ-કર્મચારીઓનાં સંગઠનો તથા કેટલાક રાજકીય વગ ધરાવતા લોકો સામે પણ તેમણે કડક હાથે કામ કર્યું હતું.

જુલિયો ફ્રાન્સિસ રિબેરો

શીખિસ્તાન માટેની માગણીના અનુસંધાનમાં પંજાબ રાજ્યમાં ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ પછીના ગાળામાં વકરેલ આતંકવાદ જ્યારે અત્યંત તીવ્ર સપાટી પર પહોંચી ગયો હતો ત્યારે (1986–89) તેને ઝબ્બે કરવા રાજ્યના પોલીસ-નિદેશક તરીકે તેમણે લીધેલાં કડક પગલાંઓ ખૂબ જ અસરકારક નીવડ્યાં હતાં. કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકાર રચાઈ ત્યારે તેમને જમ્મુ અને કાશ્મીર રાજ્યના રાજપાલ-પદની ઑફર કરવામાં આવી હતી, જે તેમણે નકારી કાઢી હતી.

પોલીસ ખાતામાં તેમણે કરેલ સુદીર્ઘ કામગીરીથી એક નીડર, પ્રામાણિક અને તટસ્થ પોલીસ અધિકારી તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી છે.

1986માં ભારતીય પોલીસ સેવામાંથી ઔપચારિક રીતે નિવૃત્ત થયા પછી પણ પંજાબ રાજ્યના રાજ્યપાલના સલાહકાર તરીકે તેમને નીમવામાં આવ્યા હતા, જે તેમની ઉચ્ચ કક્ષાની કામગીરીનું દ્યોતક ગણાય.

ત્યારબાદ તેમની રોમાનિયા ખાતે ભારતના એલચી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યાં શીખ આતંકવાદીઓએ તેમની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

1972માં પોલીસ-મેડલથી તથા 1978માં રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકથી તેમને નવાજવામાં આવ્યા હતા. તેમની પ્રશસ્ય સેવાઓની કદરરૂપે તેમને 1987માં ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા.

તાજેતરનાં વર્ષો દરમિયાન કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં તેમણે લખેલા લેખોથી પણ તેમની ખ્યાતિમાં વધારો થયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે