રિબેરા, જોઝ (જ. 1591, વાલેન્ચિયા પાસે હેટિવા, સ્પેન; અ. 1652, નેપલ્સ, ઇટાલી) : સ્પેનના બરૉક ચિત્રકાર. વાલેન્ચિયામાં ફ્રાન્ચિસ્કો રિબૅલ્ટા પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. 20 વરસની ઉંમરે ઇટાલી જઈ નેપલ્સમાં તેઓ સ્થિર થયા. અહીં તેમણે સ્થાનિક ચર્ચો, સ્પૅનિશ વાઇસરૉય અને માડ્રિડના રાજદરબાર માટે ચિત્રકામ કર્યું. કાપડના સળ, બાળકો અને સ્ત્રીઓની નમણી-કોમળ ત્વચા અને એ ત્વચા પર પડેલી કરચલીના આલેખનમાં તેમણે અદભુત નિપુણતા પ્રાપ્ત કરેલી. આ ઉપરાંત છાયા-પ્રકાશના મનોરમ આલેખનમાં પણ તેમનું પ્રભુત્વ ઊંચી કક્ષાનું હતું. ચિત્રશૈલીની આટલી પકડ વડે તેમણે ખ્રિસ્તી ધર્મની ઊંડી શ્રદ્ધાનાં ચિત્રો સર્જ્યાં; જેમાં ખ્રિસ્તી સાધુ, સાધ્વીઓ, મેડૉનાસમૂહ, ફિલસૂફો અને ફકીરોની રજૂઆત જોવા મળે છે. તેમનાં ચિત્રોમાં સામાન્ય રીતે શાંત વાતાવરણ નજરે પડે છે. ‘ઇલ સ્પૅનોલેત્તો’ (Il Spagnoletto) ઉપનામથી તેઓ જાણીતા થયા હતા.
અમિતાભ મડિયા