રિબેન્ટ્રોપ, જોઆકિમ ફોન

January, 2004

રિબેન્ટ્રોપ, જોઆકિમ ફોન (જ. 30 એપ્રિલ 1893, વેઝલ જર્મની; અ. 16 ઑક્ટોબર 1946, નુરેમ્બર્ગ) : જર્મન નાઝી રાજકારણી અને મુત્સદ્દી. પિતા લશ્કરી અધિકારી હતા. દૂરના સગાએ તેમને દત્તક લીધા હોવાથી ‘ફોન’ અટક સાંપડી હતી.

શાલેય અને કૉલેજશિક્ષણ જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને કૅનેડા એમ વિવિધ દેશોમાં મેળવ્યું હોવાથી તેઓ અનેક ભાષાઓ અને દેશો વિશે સમૃદ્ધ જ્ઞાન અને માહિતી ધરાવતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) ફાટી નીકળતાં તેઓ જર્મની પાછા ફર્યા અને જર્મનીની સીમા પર સૈનિક તરીકે અને પછી તુર્કી ખાતે જર્મન લશ્કર વતી કામગીરી બજાવી. યુદ્ધ બાદ દેશમાં મદ્યવિક્રેતા તરીકે કામગીરી કરી અને મદ્ય-ઉત્પાદકની પુત્રી સાથે લગ્ન કરતાં આર્થિક સમૃદ્ધિ પણ સાંપડી.

1932માં હિટલર સાથેની પ્રથમ મુલાકાત દરમિયાન તેમની વિદેશી ભાષાઓ અને દેશોની જાણકારીએ આ નાઝી નેતાને પ્રભાવિત કર્યો. આ પછી તેઓ નાઝી પક્ષમાં જોડાયા. જર્મનીમાં સત્તાનાં સૂત્રો નાઝી પક્ષને હસ્તક આવતાં હિટલરે તેમને વિદેશ બાબતોના મુખ્ય સલાહકાર નીમ્યા. ત્યારબાદ અત્યંત ટૂંકા ગાળામાં તેઓ વિદેશનીતિના નિષ્ણાત બની ગયા. હિટલરના અત્યંત વફાદાર અનુયાયી અને આજ્ઞાંકિત વિદેશમંત્રી તરીકે તેઓ ઘણી વાર જર્મન વિદેશ મંત્રાલયના નિર્ણયોની ઉપરવટ જવા લાગ્યા. 1934માં થર્ડ રીચ(નાઝી હકૂમત હેઠળનું જર્મની)ના નિ:શસ્ત્રીકરણ અંગેના કમિશનર નિમાયા. હિટલરની સરકારમાં મોટાભાગની નાઝી વિદેશનીતિની બાબતો અંગે તેમણે પહેલ કરીને તે નીતિઓનો અમલ કર્યો હતો. 1935માં ઍંગ્લો-જર્મન નેવલ એગ્રીમેન્ટ આ પહેલનું પ્રથમ ચરણ હતું. 1936માં રોમ–બર્લિન–ટોકિયો ધરીની રચનામાં તેમણે પ્રભાવક ભૂમિકા ભજવી. આ કરાર અનુસાર જો યુરોપમાં યુદ્ધ થાય તો આ બે (જર્મની–ઇટાલી) એકહથ્થુ સત્તાવાદી સરમુખત્યારશાહીઓ વચ્ચે જોડાણ કરવાની બાબત અગ્રિમ સ્થાને હતી. 1936–38માં ગ્રેટબ્રિટન ખાતે તેમની એલચી તરીકે નિમણૂક થઈ અને બ્રિટન ખાતેના બે વર્ષના વસવાટ બાદ અંગ્રેજો પ્રત્યેના તિરસ્કારની હિંસક મનોરુગ્ણતા સાથે જર્મની પાછા ફર્યા. 1938માં જર્મનીના વિદેશમંત્રી બન્યા. 1939માં તેમના નેતૃત્વ હેઠળ નાઝી–સોવિયેત કરાર  જે રિબેનટ્રોપ–મોલોટોવ કરાર તરીકે પણ ઓળખાયેલો થયો હતો જે દ્વારા જર્મન નૌકાદળના પુન:શસ્ત્રીકરણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કરાર બાદ તુરત 1939માં જર્મનીએ તેમની સલાહથી પોલૅન્ડ પર આક્રમણ કરવાનો નિર્ણય કર્યો. આ સાથે બીજા વિશ્વયુદ્ધ(1939–45)નો પ્રારંભ થયો.

બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં જર્મનીના રાજકીય જીવનમાં તેમનો પ્રભાવ ઓસરવા માંડ્યો. 20 જુલાઈ, 1944ના રોજ હિટલરની હત્યાના પ્રયાસ બાદ તેઓ કોરાણે ધકેલાઈ ગયા. હિટલરના અવસાન બાદ ઍડમિરલ કાર્લ ડૉનિત્ઝે તેમને મંત્રીમંડળમાંથી બાકાત કર્યા. 14 જૂન, 1945ના રોજ હૅમ્બર્ગ ખાતે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને નુરેમ્બર્ગની આંતરરાષ્ટ્રીય લશ્કરી અદાલત સમક્ષ યુદ્ધ-ગુનાઓની તપાસમાં તકસીરવાર ઠેરવવામાં આવ્યા અને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી.

જેલવાસ દરમિયાન તેમણે લખેલા ગ્રંથો ‘ઝેશ્ર્ચેન લંડન ઍન્ડ મૉસ્કા’ (1953) અને ‘રિબેન્ટ્રોપ મેમ્વાર્સ’ (1954) પ્રકાશન પામ્યા હતા.

રક્ષા મ. વ્યાસ