રિફેક્ટરી : ખ્રિસ્તી સાધુઓના ધર્મપ્રવચન માટેની પીઠિકા. તેનો શાબ્દિક અર્થ ખ્રિસ્તી મૉનેસ્ટરી (સાધુઓનો મઠ) અને કૉન્વેન્ટ (સાધ્વીઓનો મઠ) સાથે સંકળાયેલ ભોજનખંડ એવો થાય છે. તેમાં એમ્બ્લો (બે કે ચાર પગથિયાં પર ઊભું કરેલું સ્ટૅન્ડ) હોય છે. ભોજન દરમિયાન એમ્બ્લોએ જઈને સંતોના જીવનચરિત્રનું અને અન્ય ધાર્મિક વાંચન થતું હોય છે. રિફેક્ટરી સામાન્ય રીતે ક્લૉઇસ્ટર(મઠનો ખુલ્લો ચોક)ની દક્ષિણ બાજુએ હોય છે. આ સ્થાનને લીધે રિફેક્ટરી ચર્ચથી અલગ પડે છે અને રસોડાની સાથે સંકળાય છે. રિફેક્ટરીની એક બાજુએ રસોડું અને તેની સામેની બાજુએ ઉષ્ણગૃહ (warm house) હોય છે.

થૉમસ પરમાર