રિપ્લે, રૉબર્ટ (જ. 1893, સાન્ટા રૉસા, કૅલિફૉર્નિયા; અ. 1949) : અમેરિકાના સુખ્યાત ચિત્રાંકનકાર, કાર્ટૂનિસ્ટ અને લેખક. કબરોના પથ્થરોને પૉલિશ કરવાની કામગીરીથી તેમણે જીવનની શરૂઆત કરી. 1909થી 1913 દરમિયાન તેમણે સાનફ્રાન્સિસ્કોમાં જુદાં જુદાં અખબારોમાં બહુવિધ કામગીરી બજાવી. 1913માં ‘ગ્લોબ’ અખબારની કામગીરી સંભાળવા તેઓ ન્યૂયૉર્ક શહેરમાં આવ્યા. પોતાનું મૂળ નામ ‘લૅરૉય રિપ્લે’ હતું તે બદલી ‘રૉબર્ટ રિપ્લે’ રાખ્યું. જગતભરની જાતભાતની અનેક વિચિત્રતાઓ વિશેની રસપ્રદ કાર્ટૂનમાળા તેમ ચિત્રશ્રેણી ‘બિલીવ ઇટ ઑર નૉટ’ નામે 1918માં શરૂ કરી. તે શ્રેણી ખૂબ લોકભોગ્ય નીવડી, કારણ કે તેમાંની સચિત્ર માહિતી મનોરંજક અને જ્ઞાનવર્ધક હતી. અખબારી સિન્ડિકેટ દ્વારા આ શ્રેણીનું વ્યાપક વેચાણ થયું અને તેના પરિણામે રિપ્લે અત્યંત શ્રીમંત બની ગયા. તેઓ લાગ આઇલૅન્ડ સાઉન્ડ પર રહેવા લાગ્યા અને ‘બિલીવ ઇટ ઑર નૉટ!’ના ટૂંકાક્ષર રૂપે તે ટાપુને તેમણે ‘બિયૉન’ (BION) નામ આપ્યું.

મહેશ ચોકસી