રિડક્શન-ઑક્સિડેશન
પરમાણુ અથવા પરમાણુસમૂહ સાથે સંલગ્ન ઇલેક્ટ્રૉનની સંખ્યામાં વધારો-ઘટાડો થતો હોય તેવી સમક્ષણિક (simultaneous) રાસાયણિક પ્રક્રિયાઓ પૈકીની એક. જો ઇલેક્ટ્રૉનની સંખ્યામાં વધારો થતો હોય તો રિડક્શન (અપચયન) અને જો ઘટાડો થતો હોય તો ઑક્સિડેશન (ઉપચયન) કહેવાય છે. બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોવાથી પ્રક્રિયા દરમિયાન એક પદાર્થનું ઑક્સિડેશન અને બીજાનું રિડક્શન થાય છે. શરૂઆતમાં ઑક્સિડેશન એટલે પદાર્થની ઑક્સિજન સાથેની પ્રક્રિયા અને રિડક્શન એટલે પદાર્થમાંથી ઑક્સિજનનું દૂર થવું એવો અર્થ થતો હતો. હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાને પણ રિડક્શન ગણવામાં આવતી હતી. પાછળથી ઇલેક્ટ્રૉનની આપલે અંગેની ઉપરની વિસ્તૃત વ્યાખ્યા અસ્તિત્વમાં આવી. તેમાં શરૂઆતની વ્યાખ્યાનો પણ સમાવેશ થઈ જતો હતો; દા.ત. નીચેની પ્રક્રિયામાં સોડિયમ પરમાણુઓ ઇલેક્ટ્રૉન ગુમાવી Na+ આયનમાં ફેરવાઈ ઑક્સિડેશન પામે છે :
4Na(s) + O2(g) → 2Na2O(s)
સાથે સાથે ઑક્સિજન-પરમાણુઓ ઇલેક્ટ્રૉન મેળવીને રિડક્શન પામે છે. રિડક્શન અને ઑક્સિડેશનની આ વ્યાખ્યા ઑક્સિજનનો સમાવેશ થતો ન હોય તેમને પણ લાગુ પડે છે; દા.ત., નીચેની પ્રક્રિયામાં
2Na(s) + Cl2(g) → 2NaCl(s)
સોડિયમનું ઑક્સિડેશન અને ક્લોરીનનું રિડક્શન થાય છે. વિદ્યુતકોષોમાં વીજધ્રુવો આગળ પણ ઑક્સિડેશન-રિડક્શનની પ્રક્રિયાઓ થાય છે. ઑક્સિડેશન-રિડક્શનની આ વ્યાખ્યા જે પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રૉનનું સ્થાનાંતર (transfer) થતું હોય તેમને એટલે કે આયનો સાથે સંકળાયેલી પ્રક્રિયાઓને લાગુ પડે છે. આ વ્યાખ્યા સહસંયોજક સંયોજનો વચ્ચે થતી પ્રક્રિયાઓને પણ લાગુ પાડી શકાય. આવે વખતે ઑક્સિડેશન-આંક (oxidation number) અથવા અવસ્થા(state)ના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે. તે શુદ્ધ તત્વના પરમાણુની સરખામણીમાં સંયોજનમાં રહેલ પરમાણુ કેટલું ઇલેક્ટ્રૉન-નિયંત્રણ ધરાવે છે તેનું માપ દર્શાવે છે. ઑક્સિડેશન-આંક બે ભાગનો બનેલો છે : (i) તેની સંજ્ઞા, જે એમ સૂચવે છે કે નિયંત્રણ વધ્યું છે (ઋણ સંજ્ઞા) કે ઘટ્યું છે (ધન સંજ્ઞા). (ii) તેનું મૂલ્ય. તે ઇલેક્ટ્રૉનની કેટલી સંખ્યા ઉપર નિયંત્રણ બદલાયું છે એ સૂચવે છે.
ઇલેક્ટ્રૉન-નિયંત્રણનો ફેરફાર સંપૂર્ણ (આયનિક સંયોજનોની બાબતમાં) અથવા આંશિક (સહસંયોજક સંયોજનોમાં) હોઈ શકે છે; દા.ત., સલ્ફર ડાયૉક્સાઇડમાં સલ્ફર +4 ઉપચયનાંક ધરાવે છે, કારણ કે શુદ્ધ સલ્ફરની સાપેક્ષતામાં તેણે 4 ઇલેક્ટ્રૉન ઉપર આંશિક નિયંત્રણ મેળવ્યું હોય છે. આ સંયોજનમાં ઑક્સિજનનો ઑક્સિડેશન-આંક 2 છે, કારણ કે વાયુરૂપ ઑક્સિજનમાંના ઑક્સિજન-પરમાણુઓની સરખામણીમાં સંયોજનમાંના દરેક ઑક્સિજને 2 ઇલેક્ટ્રૉન ઉપરનું આંશિક નિયંત્રણ ગુમાવ્યું હોય છે. આમ ઑક્સિડેશન એટલે ઑક્સિડેશન-આંકમાં વધારો કરતી પ્રક્રિયા જ્યારે રિડક્શન એટલે તેમાં ઘટાડો કરતી પ્રક્રિયા; દા.ત., નીચેની પ્રક્રિયામાં
2H2 + O2 → 2H2O
પાણીમાંના હાઇડ્રોજનનો ઑક્સિડેશન-આંક +1 અને ઑક્સિજનનો –2 છે. એટલે કે હાઇડ્રોજનનું ઑક્સિડેશન થયું છે અને ઑક્સિજનનું રિડક્શન.
અકાર્બનિક સંયોજનોના નામકરણમાં ઑક્સિડેશન-આંકનો ઉપયોગ થાય છે; જેમ કે H2SO4 સલ્ફ્યુરિક(VI) ઍસિડમાં, સલ્ફરનો ઑક્સિડેશન-આંક +6 છે. જે સંયોજનો સહેલાઈથી રિડક્શન (અપચયન) પામે છે તેમને ‘ઉપચાયકો અથવા ઉપચયનકારકો’ (oxidizing agents) અને જેઓ ઑક્સિડેશન પામે છે તેમને ‘અપચાયકો’ (reducing agents) કહે છે.
રિડક્શન (અપચયન) : રિડક્શનના વિવિધ પ્રકારો નીચે દર્શાવ્યા છે :
(1) ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ.
(2) દ્રાવ્ય (ઓગાળેલી) ધાતુ દ્વારા અપચયન.
(3) હાઇડ્રાઇડ-સ્થાનાંતરણ પ્રક્રિયા દ્વારા.
(4) અન્ય રીતો – વુલ્ફ-કીશનર, થાયોકિટલ તથા થાયોઍસિટલનું વિ-સલ્ફરીકરણ, ડાઇ-ઇમાઇડ દ્વારા અપચયન વગેરે.
(1) ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ : લગભગ બધાં જ અસંતૃપ્ત સંયોજનોમાં સૂક્ષ્મ ચૂર્ણ સ્વરૂપના ધાતુ ઉદ્દીપકો–Pt, Pd, Ni–ની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરી શકાય છે. અહીં ધાતુની સપાટી ઉપર પ્રથમ હાઇડ્રોજન પરમાણુઓ બંધ બનાવે છે, જે કાર્બનિક અસંતૃપ્ત સંયોજનોના p (પાઇ) ઇલેક્ટ્રૉનને ઉત્તેજિત હાઇડ્રોજન પૂરો પાડે છે.
હાઇડ્રોજન ઉમેરાવાનો ક્રમ નીચે મુજબનો રહે છે :
R –COCl > R –NO2 > RC ≅ CR > R–CHO >
RCH = CHR´ > R–CN > R–CO–R´ > નેપ્થેલીન > બેન્ઝીન
આ પ્રક્રિયા માટે Pt તથા Pd ખૂબ ક્રિયાશીલ ઉદ્દીપકો તરીકે વપરાય છે. પેલેડિયમ ધાતુ પેલેડિયમ ક્લોરાઇડમાંથી મેળવવામાં આવે છે. રિડક્શન (અપચયન) ચારકોલના નિલંબન(suspen-sion)માં થાય છે.
આદમ(Adam)નો ઉદ્દીપક : ક્લોરોપ્લેટિનિક ઍસિડને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પિગાળીને ભૂખરો પ્લેટિનિક ઑક્સાઇડ (PtO2) બનાવવામાં આવે છે. જરૂર પડે ત્યારે તેની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા દ્વારા ખૂબ બારીક Pt ધાતુનું શ્યામ નિલંબન મેળવાય છે. આ પ્રક્રિયક એસેટિક ઍસિડ, ઈથેનૉલ અથવા ઇથાઇલ ઍસિટેટ દ્રાવકમાં વપરાય છે. પ્રત્યેક 10 ગ્રા. કાર્બનિક પદાર્થના રિડક્શન માટે 0.2 ગ્રા. ઉદ્દીપક વપરાય છે.
મોટાભાગના ઓલિફિનિક બંધો ઉપર દર્શાવેલા બંને ઉદ્દીપકો દ્વારા 100° સે.થી નીચા તાપમાને તથા સામાન્ય વાતાવરણ-દબાણે અથવા સાધારણ ઊંચા દબાણે અપચયન પામે છે :
આ રીત બંધારણીય સંશોધનોમાં ખૂબ ઉપયોગી છે. દા.ત., β -કૅરોટીન 11 અણુ H2 શોષે છે જેથી તેમાં 11 દ્વિબંધ હોવા જોઈએ; ઉપરાંત આ દ્વારા મળતી નીપજનું સૂત્ર C40H78 હોઈ તેમાં બે વલયો પણ હોવાં જોઈએ તેમ સાબિત થઈ શક્યું.
રાની નિકલ (Raney Ni) : ઉપરના બંને ઉદ્દીપકોને મુકાબલે આ થોડો ઓછો ક્રિયાશીલ ઉદ્દીપક છે. નિકલ-ઍલ્યુમિનિયમ મિશ્રધાતુ તથા કૉસ્ટિક સોડા દ્વારા તે મેળવાય છે. અહીં નિકલ કાળા નિલંબનમાં હાઇડ્રોજનથી સંતૃપ્ત બને છે. આલ્કિન સંયોજનો 100° સે. તથા 1થી 3 વાતાવરણ દબાણે આ ઉદ્દીપક દ્વારા અપચયન પામે છે. Ni મિશ્રધાતુ સસ્તી હોવાથી આ રીત વધુ વપરાશમાં છે.
હાઇડ્રોજનીકરણ દરમિયાન જો એક બંધનું ખંડન થતું હોય તો તેને હાઇડ્રોજિનૉલિસિસ (hydrogenolysis) કહે છે. હેલાઇડોનું હાઇડ્રોજિનૉલિસિસ Pt કે Pd ઉદ્દીપકની હાજરીમાં થાય છે. ઍરાઇલ હેલાઇડ આનો પ્રતિકાર કરે છે જ્યારે ઍલાઇલિક તથા બેન્ઝિલિક હેલાઇડ ખૂબ સક્રિય હોય છે. કાર્બન-સલ્ફર બંધના હાઇડ્રોજિનૉલિસિસને વિ-સલ્ફીકરણ (desulphurization) કહી શકાય, જે રાની-નિકલ વડે કરી શકાય છે. અન્ય ઉદ્દીપકો સલ્ફર-સંયોજનો દ્વારા વિષાળુ અસર પામી નિષ્ક્રિય બની જતાં હોઈ તેઓ હાઇડ્રોજિનૉલિસિસ કરી શકતાં નથી.
(2) ઓગાળેલી દ્રાવ્ય ધાતુ દ્વારા રિડક્શન : ધાતુઓ તેમનાં ઇલેક્ટ્રૉન કાર્બનિક અસંતૃપ્ત સંયોજનનીπ-પ્રણાલીને આપી શકતી હોવાને કારણે પ્રખર અપચયનકારકો છે. સંયુગ્મી ઍલ્કિન સંયોજનો તથા ઍરોમૅટિક વલયો સોડિયમ અથવા લિથિયમ દ્વારા અપચયન પામે છે, જ્યારે છૂટાછવાયા દ્વિબંધ ઉપર તેઓ ભાગ્યે જ અસર કરે છે.
ઍરોમૅટિક વલયોનું સોડિયમ અથવા લિથિયમના પ્રવાહી એમોનિયા કે ઍમાઇનમાં બનાવેલા દ્રાવણ વડે અપચયન કેટલાંક ઍલિસાઇક્લિક સંયોજનો મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. તેને બર્ચ (Birch) અપચયન કહે છે :
પ્રવાહી એમોનિયામાંનો સોડિયમ આલ્કાઇન સંયોજનોનું વિપક્ષ આલ્કિનોમાં અપચયન કરે છે :
કાર્બોનિલ સંયોજનોનું ધાતુ + આલ્કોહૉલ દ્વારા થતું અપચયન એસાઇલોન સંઘનન કહેવાય છે. પિનાકોલ અપચયન આવું ઉદાહરણ છે :
આ પ્રક્રિયક વડે ઍસ્ટરનું આલ્કોહૉલમાં તથા કીટોનનું દ્વિતીયક આલ્કોહૉલમાં અપચયન થાય છે.
સંયુગ્મી દ્વિબંધોના અપચયન માટે આલ્કલી ધાતુઓ ખૂબ વપરાશમાં છે. ઍરોમૅટિક વલયો અપચયનમાં ધીમાં હોય છે.
ઝિંક ધાતુ દ્વારા કીટોન-સમૂહનું મિથિલીન સમૂહમાં અપચયન ક્લેમેન્સન (Clemmenson) અપચયન તરીકે ઓળખાય છે.
(3) હાઇડ્રાઇડ સ્થાનાંતરણ પ્રક્રિયા દ્વારા અપચયન :
સંકીર્ણ હાઇડ્રાઇડો LiAlH4, NaBH4 અથવા બોરેનો (B2H6 તથા R2BH) દ્વારા હાઇડ્રાઇડ આયન (H–) મેળવી શકાય. આ અંગેની માહિતી સારણીમાં દર્શાવી છે. હાઇડ્રાઇડ દ્વારા અપચયનની પસંદગી (selectivity) નીચે મુજબ હોય છે :
(i) LiAlH4 આલ્કિન તથા આલ્કાઇન સિવાયનાં લગભગ બધાં જ અસંતૃપ્ત સમૂહોનું રિડક્શન કરે છે.
(ii) NaBH4 વધુ સૌમ્ય (mild) હોઈ માત્ર આલ્ડિહાઇડ તથા કીટોનનું જ અપચયન કરે છે.
(iii) RCOClમાંથી RCHO પરિવર્તન સામાન્ય પ્રક્રિયકો દ્વારા થતું નથી અને માત્ર બિનક્રિયાશીલ (deactivated) બનાવેલા હાઇડ્રાઇડ, જેમાં ત્રણ હાઇડ્રોજનનું મોટા (bulky) t-બ્યુટૉક્સિ- સમૂહથી વિસ્થાપન થયું હોય છે {LiAlH[OC(CH3)3]3} તેના દ્વારા જ થઈ શકે છે.
(iv) નાઇટ્રાઇલ(–CN)માંથી આલ્ડિહાઇડમાં પરિવર્તન બિનક્રિયાશીલ બનાવેલા LiAlH(OC2H5)3 દ્વારા થઈ શકે છે.
(v) BH3 અથવા વિસ્થાપિત R2BH વ્યુત્પન્નો ક્રિયાશીલતામાં વિપરીત (inverted) રીતે વર્તે છે, જેથી RCOOHનું અપચયન ઝડપથી કરે છે; પરંતુ RCOClનું અપચયન કરતા નથી.
(vi) આલ્કિન તથા આલ્કાઇનના અપચયન માટે BH3 દ્વારા પ્રથમ હાઇડ્રોબોરેશન પ્રક્રિયા થાય છે. એસેટિક ઍસિડ દ્વારા પ્રક્રિયા પૂર્ણ થાય છે.
(vii) જો હેલાઇડો તથા ટોસાઇલેટ સંયોજનોની SN2 વિસ્થાપન-પ્રક્રિયા શક્ય હોય તો જ LiAlH4 દ્વારા અપચયન થશે. બધાં જ હેલાઇડોનું અપચયન Bu3SnH દ્વારા સહેલાઈથી થાય છે.
(4) પ્રકીર્ણ રીતો
વુલ્ફ-કિશ્નર (Wolff-Kishner) અપચયન :
હાઇડ્રેઝીન હાઇડ્રેટ તથા આલ્કલી સાથે કીટોનની પ્રક્રિયા દ્વારા હાઇડ્રેઝોન મળે છે (જેને અલગ પાડવો આવશ્યક નથી). દ્રાવક તરીકે ડાઇઇથિલીન ગ્લાયકોલ વપરાય છે. વધુ સૌમ્ય પરિસ્થિતિમાં પ્રક્રિયામાં ડાઇમિથાઇલ સલ્ફૉક્સાઇડ તથા બેઝ તરીકે તૃ. પોટૅશિયમ બ્યુટૉક્સાઇડ વપરાય છે :
ડાઇ-ઇમાઇડ દ્વારા અપચયન :
ઍરોમૅટિક આલ્ડિહાઇડ તથા કીટોનનું અપચયન થાય, પરંતુ એલિફેટિક કાર્બોનિલ સંયોજનો ખૂબ ઓછાં ક્રિયાશીલ હોય છે. હાઇડ્રેઝીન સાથેની પ્રક્રિયામાં ખરેખર અપચયનકારક ડાઇ-ઇમાઇડ HN = NH હોય છે, જે હાઇડ્રેઝીન ઉપચયનકારક સાથેની પ્રક્રિયા દ્વારા બને છે. આ જ રીતે NH2OSO3H સાથેની પ્રક્રિયામાં મધ્યવર્તી બને જે દ્વિલકમાં ફેરવાઈ જાય છે. અહીં ડાઇ-ઇમાઇડનાં બંનેસમપક્ષ તથા વિપક્ષસ્વરૂપો બને છે; પરંતુ અપચયન તો માત્ર સમપક્ષ સ્વરૂપ દ્વારા ચક્રીય પ્રક્રમ દ્વારા થાય છે.
આમાંનો બીજો પ્રક્રમ વધુ શક્ય છે; કારણ કે સમમિત (symmetrical) બહુગુણિત બંધો (C = C, C ≡ C, N = N, O = O) સાથે ડાઇ-ઇમાઇડ અપચયન બહુ સફળ રહ્યું છે.
ઑક્સિડેશન (ઉપચયન) :
કાર્બનિક રસાયણમાં આગળની વ્યાખ્યાઓ તકનીકી રીતે સાચી હોવા છતાં તે રીતે જ ઉપયોગમાં લેવાનું સરળ નથી. કેટલીક કાર્બનિક ઉપચયન તથા અપચયન પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રૉન સીધા ફેરબદલ (transfer) કરી શકાય છે. તોપણ મોટાભાગની આ પ્રક્રિયાની ક્રિયાવિધિઓ(mechanisms)માં ઇલેક્ટ્રૉન સીધા જ સ્થાનાંતરણમાં સંડોવાતા નથી.
કેટલાંક ઉદાહરણમાં ઉપચયન માટે આ રીત વાપરવી સરળ હોય છે [દા.ત., મિથેન(CH4)માં કાર્બનનો ઉપચયનાંક –4 છે]; તેમ છતાં મોટાભાગનાં ઉદાહરણોમાં કાર્બનના ઉપચયનાંક અપૂર્ણાંક સંખ્યામાં અથવા દેખીતી અસંગતિ(absurdity)થી ભરેલા હોય છે. આમ પ્રોપેનમાં કાર્બનનો ઉપચયનાંક –2.67 તથા બ્યુટેનમાં તે –2.5 થશે. કાર્બનિક રસાયણજ્ઞો આ બેઉ સંયોજનોના ઉપચયનાંક જુદા જુદા હોય છે તેવું ભાગ્યે જ વિચારી શકે.
આ માટે કાર્બનિક રસાયણજ્ઞોએ વ્યવહારુ ઉકેલ શોધ્યો છે, જેમાં ક્રિયાશીલ સમૂહોની શ્રેણીને વધતા જતા ઉપચયનાંકમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ ઉપચયનની વ્યાખ્યા કરી છે. તે મુજબ અણુમાંના ક્રિયાશીલ સમૂહની, એક પ્રકાર(category)માંથી તેનાથી ઉચ્ચ પ્રકારમાં જવાની ક્રિયાને ઉપચયન કહેવામાં આવે છે.
આ રીતે 1, 3-ડાઇક્લોરોપ્રોપેન તથા ક્લોરોમિથેન એક જ ઉપચયનાંક ધરાવે છે, પરંતુ 1, 2-ડાઇક્લોરોપ્રોપેન તેનાથી ઉચ્ચ સ્થિતિમાં છે.
એક જ કક્ષાનાં સંયોજનોનાં પરિવર્તન, ઉપચયન કે અપચયન નથી પામતાં. આમ કાર્બનિક સંયોજનનું ઉપચયન થયું છે કે અપચયન તે અનુસાર પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરવામાં આવે છે.
કોઈ એકલ કાર્બન માટે ઑક્સિડેશન-સ્થિતિ મેળવવા માટે તેના ચારમાંના પ્રત્યેક બંધનાં મૂલ્યો ઉમેરવાં જોઈએ : –1 પ્રત્યેક –H માટે; 0 પ્રત્યેક –C માટે તથા +1 પ્રત્યેક વિષમ પરમાણુબંધ માટે. આ રીતે કાર્બનિક સંયોજનોમાં કાર્બનની ઉપચયન-સ્થિતિ નક્કી કરી શકાય છે.
કાર્બનિક રસાયણમાં સામાન્ય ઉપચયનકારકો નીચે મુજબ વપરાશમાં લેવાય છે :
આ ઉપરાંત વિહાઇડ્રોજનીકરણ (–2H) માટે Pt, Pd, S, Se (ઉષ્મા સાથે) તેમજ વિસ્થાપિત ક્વિનૉન (ક્લૉરાનિલ), (t–BuO)3 Al/R2CO પણ ઉપયોગમાં છે.
હવે કેટલીક ઉપચયન-પ્રક્રિયાઓ સંક્ષેપમાં જોઈએ :
એકલ કાર્બન ઉપરના ઉપચયનને ત્રણ પ્રકારના ફેરફારમાં ગણાવી શકાય : (1) હાઇડ્રોકાર્બન સ્થળ(site)માંથી (i) આલ્કોહૉલ અથવા હેલાઇડ્ઝ. (ii) આલ્કોહૉલમાંથી આલ્ડિહાઇડ/કીટોન. (iii) આલ્ડિહાઇડમાંથી ઍસિડ.
(2) ઍરોમૅટિક વલયમાંની એલિફેટિક શૃંખલાનું ઉપચયન KMnO4, CrO3 દ્વારા કરવામાં આવે છે.
(3) આલ્કોહૉલ, એમાઇન તથા હેલાઇડના ઉપચયન માટે (i) આલ્કોહૉલ માટે H2Cr2O7 અથવા Cu (ઉષ્મા સાથે), પરંતુ આલ્ડિહાઇડ મેળવવો હોય તો p-CH3C6H4SO2Cl (પીરિડીન સાથે) વડે ઉપચયન કરાય છે. (ii) એમાઇનનું ઉપચયન સંકીર્ણ મિશ્રણ આપે છે.
(4) ઉપચયનકારક આલ્ડિહાઇડ તથા કીટોનનું સરળતાથી ઍસિડમાં ઉપચયન કરે છે. વિહાઇડ્રોજનીકરણ પણ ઉપચયન જ છે. ઉદ્યોગમાં ખાસ પ્રકારે બનાવેલા ઉદ્દીપકો જેવા કે Cr2O3–Al2O3 (500° સે.); Pd-ચારકોલ (200° સે.); સલ્ફર (230° સે.) વગેરે આ માટે વપરાય છે.
અન્ય પરમાણુઓ ઉપર ઉપચયન : અગાઉ જણાવ્યું તેમ એમાઇન સંયોજનોનું સીધું જ ઉપચયન સંકીર્ણ નીપજો આપે છે, પરંતુ પરઍસિડ તથા હાઇડ્રોજન પેરૉક્સાઇડ તૃતીયક એમાઇનને એમાઇન ઑક્સાઇડમાં ફેરવે છે. પ્રાથમિક ઍરોમૅટિક એમાઇનનું નાઇટ્રોસંયોજનમાં પરિવર્તન પેરૉક્સિટ્રાઇફ્લોરો એસેટિક ઍસિડથી કરી શકાય.
ચોક્કસ ઉપચયનકારકોથી કરાતી ઉપચયન-પ્રક્રિયાઓ તેમના સંશોધકોનાં નામ ઉપરથી ઓળખવાની પદ્ધતિ પણ અમલમાં છે.
જ. પો. ત્રિવેદી