રિટ્સન, જોસેફ (જ. 1752, સ્ટૉક્સ્ટન-ઑન-ટીઝ, ઇંગ્લૅન્ડ; અ. 1803) : જૂની અંગ્રેજી(old English)માં લખાયેલા સાહિત્યના અઠંગ અભ્યાસી–સંગ્રહકર્તા. ચુસ્ત શાકાહારી, પ્રજાસત્તાક રાજ્યના પ્રખર હિમાયતી; પરંતુ મગજના અસ્થિર. જૂની અંગ્રેજી કવિતા એકઠી કરીને સાચવવા તેમણે અથાગ પ્રયત્ન કર્યો. તેમની સર વૉલ્ટર સ્કૉટ અને સર્ટીસ સાથેની મૈત્રી અખંડ રહેલી. સ્કૉટે પોતાના ‘બૉર્ડર મિન્સ્ટ્રેલસી’ના પ્રકાશન વેળાએ જોસેફનાં સલાહસૂચનને માન્ય રાખેલાં. ‘અ સિલેક્ટ કલેક્શન ઑવ્ ઇંગ્લિશ સૉંગ્ઝ’ (1783) અને ‘એન્શિયન્ટ ઇંગ્લિશ મેટ્રિકલ રોમાન્સિઝ’ (1802) તેમનાં નોંધપાત્ર સંપાદનો છે. ‘અ સિલેક્ટ કલેક્શન ઑવ્ ઇંગ્લિશ સૉંગ્ઝ’માં કવિ પર્સીના ‘રૅલિક્સ’માં છપાયેલી કાવ્યરચનાઓના પાઠની અશુદ્ધિને તેમણે અક્ષમ્ય ગણાવી હતી. પર્સીએ સંગ્રહ કરેલાં કેટલાંક કાવ્યોમાં મારીમચડીને નવાં કાવ્યોને જૂનાં ગણાવાયાં છે તેવો તેમનો આરોપ હતો. જે તે વાચનાનું ઝીણવટથી પાલન કરવાના આગ્રહ માટે ઝઘડી પડે તેવી તેમની પ્રકૃતિ હતી. એમના ઉગ્ર, કઠોર સ્વભાવને લીધે ડૉ. જ્હૉન્સન, વૉર્ટન, પર્સી જેવા સાહિત્યકારો સાથે તેઓ વાતવાતમાં બાખડી પડતા હતા. ટી. વૉર્ટનના ‘હિસ્ટરી ઑવ્ ઇંગ્લિશ પોએટ્રી’ (1782), ડૉ. જૉન્સન અને સ્ટીવન્સની શેક્સપિયરની સંશોધિત આવૃત્તિઓની તેમણે સખત ટીકા કરી હતી.
1795માં તેમણે ‘રૉબિનહુડ : અ કલેક્શન ઑવ્ ઑલ ધી એન્શિયન્ટ પોએમ્સ, સૉંગ્ઝ ઍન્ડ બૅલડ્ઝ નાઉ એક્સ્ટન્ટ રિલેટિવ ટુ ધેર આઉટ લૉ’ પ્રસિદ્ધ કર્યું. તે માટે બિવિકે ચિત્રો દોરી આપેલાં. નાની નાની બાબતોમાં પણ શુદ્ધ-અશુદ્ધ અને ખરા-ખોટાનો વિચાર કરનાર અને તમામ વિગતોની સહેજ પણ ઉપેક્ષા ન કરતાં અતિસાવધ શુદ્ધ દાનતવાળા પણ નિષ્કારણ ભીતિવાળા સંપાદનને તેમણે આવકાર્યું હતું. લોકભોગ્ય ગીતસંગ્રહો, બાળકો માટેની કાવ્યરચનાઓ, પરીકથાઓ વગેરેનું પણ તેમણે સંપાદન કરેલું.
મૅન્ડવિલના ‘ફેબલ ઑવ્ ધ બીઝ’ પુસ્તકની અસર તળે તેઓ શાકાહારી બની ગયેલ. તેમનો શાકાહાર વિશેનો ખ્યાલ લગભગ જડ કહેવાય તેવા બિંદુએ પહોંચી ગયો હતો. છેલ્લે છેલ્લે મગજની અસ્થિરતાની પળોમાં તેમનું અવસાન થયેલું.
વિ. પ્ર. ત્રિવેદી