રિટ્વેલ્ડ, ગેરીટ ટૉમસ

January, 2004

રિટ્વેલ્ડ, ગેરીટ ટૉમસ (જ. 1888, યૂટ્રેક્ટ, નેધરલૅન્ડ્ઝ; અ. 1964) : સ્થપતિ અને ફર્નિચર-ડિઝાઇનર. સુથારના પુત્ર. પિતા પાસેથી તાલીમ લીધી. પછી તે કૅબિનેટ રચવામાં ગૂંથાયા. કાષ્ઠ-કારીગર તરીકે કામગીરી શરૂ કરીને 1911માં યૂટ્રેક્ટમાં તેની કાર્યશાળા સ્થાપી. સ્થાપત્યવિષયક અભ્યાસ કર્યા બાદ 1918માં તેમણે ‘રેડ-ઍન્ડ-બ્લૂ’ ખુરસી તરીકે જાણીતા તેમના પોતાના ફર્નિચરની ડિઝાઇન શરૂ કરી. 1919માં તે દ સ્ટિગ્લના સંપર્કમાં આવ્યા. ઇમારત અંગેની તેમની સૌથી પ્રસિદ્ધ ડિઝાઇન યૂટ્રેક્ટ ખાતેના શ્રૉડર હાઉસની છે (1924). તેમાં સીધી લીટીવાળી રચનાની ખાસિયત અને દ સ્ટિગ્લ આંદોલન સાથે સંકળાયેલ રંગોનો ઉપયોગ જોવા મળે છે. સ્થાપત્યમાં બુદ્ધિવાદનો વિકાસ થતાં તે ઝાંખા પડ્યા, પરંતુ 1950ના દસકામાં તેમને વધુ એક વાર કામ મળ્યું ત્યારે 1920ના દસકાની શૈલી તેમણે પુનર્જીવિત કરી. ઍમ્સ્ટર્ડૅમ ખાતે વાન ગૉફ મ્યુઝિયમ તેમના મૃત્યુ બાદ પૂરું થયું હતું.

સ્નેહલ શાહ

અનુ. બળદેવભાઈ કનીજિયા