રિઝ, આદમ જી. (Riess, Adam G.) (જ. 16 ડિસેમ્બર 1969, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઓલ પર્લમટર તથા બ્રાયેન શ્મિટ વચ્ચે વિભાજિત થયો હતો.

આદમ જી. રિઝ

ઍડમ રિસનો ઉછેર ન્યૂજર્સીમાં થયો. પિતા માઇકલ રિઝે તેમના કુટુંબ સાથે 1936માં જર્મનીથી અમેરિકા સ્થળાંતર કર્યું હતું. તેઓ ઇજનેર હતા અને ન્યૂજર્સીમાં શીત ખાદ્યપદાર્થો(Froaen foods)ના વિતરણનો ધંધો કરતા હતા. ઍડમ રિઝનાં માતા મનોવિજ્ઞાની હતાં. આદમ રિઝે 1992માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની પદવી તથા 1996માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આદમ રિઝે, ભૌતિકશાસ્ત્રી બ્રાયેન શ્મિટ સાથે સંયુક્ત રીતે ‘હાઈ-Z સુપરનોવા સર્ચ ટીમ’ની મદદથી સંશોધનો કર્યાં અને પ્રથમ વખત બ્રહ્માંડના વિસ્તરણ અંગેના પુરાવાઓ મેળવ્યા. તે પછી 1999માં તેઓ બાલ્ટિમોરમાં સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. 2005થી તેઓ જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સક્રિય છે.

બ્રહ્માંડમાં રહેલા તારાઓ અને આકાશગંગાઓ એકબીજાથી દૂર ને દૂર ગતિ કરે છે, તેથી બ્રહ્માંડ વિસ્તરતું જાય છે. અત્યાર સુધી મોટા ભાગના ખગોળશાસ્ત્રીઓ માનતા હતા કે બ્રહ્માંડની વિસ્તૃત થવાની પ્રક્રિયા ગુરુત્વાકર્ષણ-બળને કારણે ક્રમશઃ અંત પામશે. સાઓલ પર્લમટર, બ્રાયેન શ્મિટ અને આદમ રિઝે વિસ્ફોટ પામતા સુપરનોવા તારાઓનો અભ્યાસ કર્યો. તેમાંથી ઉત્પન્ન થતા પ્રકાશના રંગ પરથી તેઓએ તારાની ગતિનું અનુમાન કર્યું અને એવા તારણ પર આવ્યા કે તે દૂર ને દૂર ગતિ કરે છે. 1998માં તેમણે નિશ્ચિત રૂપે દર્શાવ્યું કે બ્રહ્માંડ પ્રવેગાત્મક રીતે (વધતી જતી ગતિથી) વિસ્તાર પામે છે.

1999માં આદમ રિઝેને હાવર્ડ યુનિવર્સિટીનું ‘બૉક ઇનામ’ તથા 2003માં અમેરિકન ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીનું ‘હેલન વૉર્નર’ ઇનામ પ્રાપ્ત થયાં. 2012માં તેઓ ‘ગોલ્ડન પ્લેટ’ પુરસ્કારથી સન્માનિત થયા. 2020માં તેમને ‘ફેલો ઑવ્ અમેરિકન ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટી’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પૂરવી ઝવેરી