રિચિયો, આન્દ્રેઆ (Riccio, Andrea)

January, 2004

રિચિયો, આન્દ્રેઆ (Riccio, Andrea) (જ. આશરે 1470, પાદુઆ, ઇટાલી; અ. 1532, પાદુઆ, ઇટાલી) : કાંસામાં નાનકડાં શિલ્પ બનાવવા માટે જાણીતો રેનેસાંસ શિલ્પી અને સોની.

મૂળ નામ આન્દ્રેઆ બ્રિયોસ્કો. આન્દ્રેઆ ક્રિસ્પસ નામે પણ તે ઓળખાતો. શિલ્પી બેલાનોની પાસે તેણે તાલીમ લીધેલી. પાદુઆના કલાકારોનું લાક્ષણિક માનવતાવાદી વલણ રિચિયોનાં નાનકડાં શિલ્પોમાં પણ જોવા મળે છે. તે વિપુલ સર્જક હતો. મોટેભાગે તેનો વિષય ગ્રેકોરોમન પુરાકથાઓમાંથી લીધેલો છે. આ ઉપરાંત તેનાં શિલ્પોમાં ચોક્કસ પ્રકારની રંગદર્શિતા, વ્યક્તિગતતા અને અભિવ્યક્તિની શક્તિ પણ છે.

પાદુઆ ખાતેના સેંટ ઍન્તોનિયો ચર્ચ માટે તેણે કૅન્ડલ સ્ટિક રચી. તેનાં કાંસાનાં અર્ધમૂર્ત શિલ્પો હાલમાં લુવ્રમાં સંગ્રહાયાં છે. તેની શ્રેષ્ઠ પૂર્ણમૂર્ત શિલ્પકૃતિઓમાં બાર્જેલો (Bargello) ખાતેનું ‘બૉય મિલ્કિંગ અ ગોટ’, વિક્ટૉરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ ખાતેનું ‘વૉરિયર ઑન હૉર્સબૅક’ અને લુવ્ર ખાતેનું ‘એરિયૉન’ સમાવેશ પામે છે.

અમિતાભ મડિયા