રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા

January, 2004

રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા : ભારતની મધ્યસ્થ બૅંક. તેની સ્થાપના રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અધિનિયમ 1934 હેઠળ 1935માં થઈ હતી. ભારતના બૅંકિંગ-ક્ષેત્રમાં તે ટોચની બકનું બિરુદ ધરાવે છે.

દરેક દેશ પોતાની નાણાકીય વ્યવસ્થા માટે તથા તેનું સંચાલન કરવા માટે એક મધ્યસ્થ બૅંકની સ્થાપના કરે છે. આ બૅંકનાં મહત્વનાં કાર્યોમાં ચલણ બહાર પાડવું, નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરવું, સરકારની સોનાની અને અન્ય અસ્કામતોની જાળવણી કરવી, સરકારના બૅંકર તરીકે કામગીરી કરવી, બૅંકોની બૅંક તરીકે ફરજ બજાવવી વગેરેનો સમાવેશ થાય છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં આર્થિક પ્રગતિ માટે આવશ્યક ખેતી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ બૅંક યોગ્ય ધિરાણનીતિ ઘડે છે. તે વેપાર-ઉદ્યોગને ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે અને દેશમાં સક્ષમ બૅંકપ્રણાલી સ્થપાય તે માટે પણ સક્રિય હોય છે.

આ બૅંકની સ્થાપના એક ખાનગી જૉઇન્ટ સ્ટૉક કંપની તરીકે રૂ. 100ની કિંમતના 5 લાખ શૅર સાથે, રૂ. 5 કરોડની મૂડીથી થઈ હતી. શૅરનો મોટાભાગનો જથ્થો ખાનગી શેરધારકો પાસે હતો. ભારતની તત્કાલીન કેન્દ્ર સરકારનું રોકાણ ફક્ત રૂ. 2,22,000 હતું. કેન્દ્ર સરકારને એક ગવર્નર અને બે નાયબ ગવર્નરોની નિમણૂક કરવાની અને ડિવિડન્ડનો દર નિયત કરવાની સત્તા આપવામાં આવી હતી.

1949માં રિઝર્વ બૅંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારથી તેનું સંચાલન 20 સભ્યોના કેન્દ્રીય નિયામક મંડળને સોંપવામાં આવ્યું, જેમાં એક ગવર્નર, ચાર નાયબ ગવર્નરો, નાણાવિભાગના એક પ્રતિનિધિ, વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ધરાવતા સરકારે નિમેલ દશ સભ્યો અને કેન્દ્ર સરકારે મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને નવી દિલ્હીમાં સ્થાપેલાં ચાર સ્થાનિક મંડળોના નિયામકોનો સમાવેશ થતો હતો. આ મંડળોમાં સ્થાનિક હિતોની જાળવણી માટે પ્રાદેશિક, નાણાકીય, સરકારી અને સ્થાનિક નાની બૅંકોનું પ્રતિનિધિત્વ ધરાવતા પાંચ સભ્યોની સરકાર દ્વારા ચાર વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી.

રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાનું પ્રતીક

1934ના અધિનિયમ અનુસાર ઊંચા મૂલ્યવાળી ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર ફક્ત રિઝર્વ બૅંકને જ આપવામાં આવ્યો છે અને તદનુસાર હવે તે રૂપિયા 2થી રૂપિયા 1,000 સુધીની ચલણી નોટો બહાર પાડે છે. જ્યારે 1 રૂપિયાની નોટ અને સિક્કાઓ તથા તેનાથી ઓછી કિંમતના સિક્કાઓ ચલણમાં મૂકવાનું કાર્ય ભારત સરકાર વતી આ બક કરે છે.

1935થી 1956 સુધી ભારતમાં ‘પ્રમાણસર અનામત પ્રથા’ અમલમાં હતી. તે મુજબ રિઝર્વ બકે જેટલા મૂલ્યની ચલણી નોટો બહાર પાડી હોય તેના ઓછામાં ઓછા 40 % મૂલ્યની અસ્કામતો (લઘુતમ રૂ. 40 કરોડની કિંમતનું સોનું, સોનાના સિક્કા અને સ્ટર્લિંગ ચલણ અને જામીનગીરીઓ) રાખવી જરૂરી હતી. પાછળથી તેમાં તમામ વિદેશી ચલણોનો સમાવેશ કરવામાં આવ્યો. બાકીના 60 % હિસ્સામાં રૂપિયાના સિક્કાઓ, રૂપિયાની જામીનગીરીઓ, વિનિમય પાત્ર હૂંડીઓ અને ભાવિમાં વટાવવા યોગ્ય હૂંડીઓનો સમાવેશ થતો હતો.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન અને ત્યારબાદ વિદેશી ચલણની કટોકટી સર્જાતાં અન્ય દેશોને અનુસરીને ભારતમાં પણ ‘લઘુતમ અનામત પ્રથા’ અપનાવવામાં આવી. 1957માં કરેલ સુધારા મુજબ રૂ. 115 કરોડના સોનાના જથ્થા સહિત રૂ. 200 કરોડનું વિદેશી ભંડોળ સંઘરવું આવશ્યક હતું. આ સુધારાથી ભારતમાં ‘નિયંત્રિત કાગદી ચલણ પ્રથા’ (Managed paper currency standard) અમલમાં આવી. તેને પરિણામે સરકાર જ્યારે ઇચ્છે ત્યારે રિઝર્વ બૅંકને નોટો બહાર પાડવાની ફરજ પાડી શકે છે. તે પોતાની જામીનગીરીઓ રિઝર્વ બૅંકને વેચીને ચલણ મેળવી શકે છે. આ રીતે જોતાં રિઝર્વ બૅંક હવે સરકારની ખાધનું નાણાંમાં રૂપાંતર કરતી સંસ્થા બની ગઈ છે.

સરકારની બૅંક : રિઝર્વ બૅંક (જમ્મુ-કાશ્મીર રાજ્ય સિવાય) કેન્દ્ર અને રાજ્ય સરકારોની બૅંકર, પ્રતિનિધિ અને સલાહકાર તરીકે કાર્ય કરે છે. સરકારની નાણાંની થાપણો, તેની આવકજાવકનો વ્યવહાર અને લેવડદેવડનો હિસાબ તે રાખે છે. તે સરકાર તરફથી નવી લોનો બહાર પાડે છે. ચાલુ લોન પર વ્યાજની ચુકવણી કરે છે. પાકતી મુદતે મુદ્દલની ચુકવણી કરે છે તથા નવી જામીનગીરીઓ બહાર પાડવા માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરે છે. તે સરકારને નીચા વ્યાજના દરે ધિરાણ મેળવી આપે છે. કેન્દ્ર સરકાર બૅંક પાસેથી ઇચ્છે તેટલું ધિરાણ મેળવવાને હકદાર છે.

ભારતીય રિઝર્વ બૅંક કાર્યાલય, મુંબઈ

બૅંક કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે. રાજ્ય સરકારોને આપેલ ધિરાણને ‘આકસ્મિક ધિરાણ’ (ways and means advance) કહે છે. ચોક્કસ ધોરણોને અનુસરીને રાજ્યોને ધિરાણ કરવાની મર્યાદા મુકરર કરવામાં આવી છે.

બૅંકોની બૅંક : બૅંકોની હવાલા બૅંક (Clearing House) તરીકે તેઓ વચ્ચે પરસ્પર થતી રોજિંદી લેવડદેવડનો તે હિસાબ રાખે છે. અનુસૂચિત બૅંકોએ તેમની ચાલુ થાપણોના 5 % અને મુદતી થાપણોના 2 % રોકડ રકમ રિઝર્વ  બૅંકમાં જમા રાખવી પડતી હતી. 1962માં કરવામાં આવેલ સુધારા મુજબ બૅંકોએ તેમની કુલ થાપણોના 3 % રકમ જમા કરાવવી પડે છે. રિઝર્વ બૅંક થાપણના દરમાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. થાપણોના ભંડોળમાંથી બૅંકો ટૂંકા ગાળાનું ધિરાણ મેળવી શકે છે. બૅંકો જરૂરિયાત મુજબ જામીનગીરીઓના વટાવ અને હૂંડીના પુન:વટાવ પર પણ રિઝર્વ બૅંક પાસેથી ધિરાણ મેળવી શકે છે. સંકટમાં મુકાયેલી બૅંકોને આ રીતે તે ધિરાણ આપે છે. તેની આ કામગીરી ‘અંતિમ સહાયક’ અથવા વિશ્વસનીય શાહુકાર (lender of the last resort) તરીકે ઓળખાય છે.

શાખનિયંત્રણ : રિઝર્વ બૅંકનું દેશની મધ્યસ્થ બૅંક તરીકેનું એક મુખ્ય કાર્ય નાણાંનો પુરવઠો, વ્યાજનો દર, ફુગાવો તથા હૂંડિયામણના દરનું નિયંત્રણ કરી દેશના આર્થિક વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરવાનું છે. 1949ના બૅંકિંગ-નિયમન ધારા અન્વયે બક શાખનું નિયંત્રણ કરવા માટે પરિમાણાત્મક અને ગુણાત્મક સ્વરૂપના ધિરાણ-અંકુશો મૂકી શકે છે. નિશ્ચિત જામીનગીરીઓ અને નિર્દિષ્ટ હેતુઓ માટે વ્યાજનો ખાસ નીચો દર નક્કી કરી શકે છે. ગુણાત્મક અંકુશો ખાસ કરીને જીવનજરૂરિયાતની વસ્તુઓના સંગ્રહ તથા સંગ્રહખોરીને નિયંત્રિત કરવા માટે હોય છે; પરંતુ તે ઉત્પાદનક્ષમતા, પરિવહન અને નિકાસમાં અવરોધરૂપ ન બની રહે તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે.

બૅંકદર : વ્યાજના જે દરે રિઝર્વ બૅંક ધિરાણ આપે છે તેને બૅંક-દર (Bank rate) કહેવામાં આવે છે. અર્થતંત્રની પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બૅંક બૅંક-દરમાં ફેરફાર કરી શકે છે. બૅંક-દરમાં ઘટાડો-વધારો કરવાથી ધિરાણ સોંઘું-મોંઘું થાય છે; જેની અસર ધિરાણની માગ પર થતી હોય છે.

રોકડ અનામત ગુણોત્તર : ધિરાણ પર અંકુશ રાખવાનું બીજું સાધન પરિવર્તનશીલ રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) છે. 1934ના રિઝર્વ બૅંક અધિનિયમ મુજબ, બૅંકોએ ચાલુ ખાતાંની થાપણના 2 % અને મુદતી થાપણોના 5 % રકમ રિઝર્વ બૅંકમાં જમા કરાવવી પડતી હતી. 1962માં રિઝર્વ બૅંકને બૅંકોની કુલ થાપણના 3 %થી 15 % સુધી રકમ જમા કરાવવાની સત્તા આપવામાં આવી હતી. રોકડ અનામતના ગુણોત્તરમાં ફેરફાર દ્વારા રિઝર્વ બૅંક બૅંકોની ધિરાણ આપવાની ક્ષમતામાં ફેરફાર નિપજાવે છે.

વૈધાનિક તરલતા ગુણોત્તર : 1949ના બૅંકિંગ અધિનિયમ ધારા મુજબ દરેક બૅંકે તેની જવાબદારીઓ અદા કરવા માટે કુલ થાપણના લઘુતમ 25 % રકમ (રોકડ, સોનું અને મુક્ત જામીનગીરીઓથી બનેલ) તરલ મૂડીના સ્વરૂપમાં રાખવી ફરજિયાત છે. તેને વૈધાનિક તરલતા ગુણોત્તર (statutory liquidity ratio) કહેવામાં આવે છે. રિઝર્વ બૅંક જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકે છે. તરલતાનો ઊંચો ગુણોત્તર બૅંકની ધિરાણ આપવાની ક્ષમતા પર અંકુશ મૂકે છે. તે ફુગાવાવિરોધી છે. જ્યારે આ જ અંકુશ બૅંકને સરકારી અને બીજી જામીનગીરીઓમાં રોકાણ કરવા પ્રેરે છે અને સરકારને વધુ નાણાં પૂરાં પાડે છે.

ખુલ્લા બજારની નીતિ (open market operations) વડે જામીનગીરીઓનાં ખરીદ-વેચાણ દ્વારા દેશનાં નાણાંના કુલ જથ્થાને અંકુશમાં રાખવામાં આવે છે. તે બૅંકોની તરલતા પર નિયંત્રણ લાવીને તેમની ધિરાણક્ષમતા પર પ્રભાવ પાડે છે.

શાખ અધિકારપત્ર યોજના : નવેમ્બર 1965માં શરૂ કરેલ શાખ અધિકારપત્ર યોજના અનુસાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને રૂ. 1 કરોડથી વધુ રકમના ધિરાણ માટે રિઝર્વ બૅંકની પૂર્વમંજૂરી મેળવવી જરૂરી હતી. આ અવધિ પાછળથી રૂ. 7 કરોડ સુધી લંબાવવામાં આવી હતી. આ યોજનાનો હેતુ આંતરસંસ્થાકીય ધિરાણ અને મૂડીરોકાણ, માલસામાનનો વધુ પડતો સંગ્રહ, મિલકત-ખરીદી માટે ટૂંકા ગાળાની લોનનો ઉપયોગ વગેરે પર અંકુશ મૂકવાનો અને પૂરી ચકાસણી બાદ ધિરાણ આપવાનો હતો. આ યોજના ઑક્ટોબર 1988માં રદ કરવામાં આવી. પરંતુ બકો નાણાકીય શિસ્ત જાળવે તે ઉદ્દેશથી તેને બદલે ધિરાણ નિરીક્ષણ વ્યવસ્થા (credit monitoring arrangment) દાખલ કરવામાં આવી. તે મુજબ બૅંકોએ કાર્યકારી મૂડી માટે રૂ. 5 કરોડ અને મુદતી લોન માટે રૂ. 2 કરોડથી વધુ ધિરાણની અરજીઓ રિઝર્વ બૅંકની આગોતરા ચકાસણી માટે મોકલવાની હતી.

વિદેશી ચલણનું સંચાલન : કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, વ્યાપારી અને ઔદ્યોગિક પેઢીઓ, સંસ્થાઓ તથા અન્ય નાગરિકોને કોઈ પણ સ્રોત દ્વારા પ્રાપ્ત થયેલ સઘળું વિદેશી ચલણ રિઝર્વ બૅંકને હસ્તક રાખવામાં આવે છે. તેનો સઘળો વ્યવહાર રિઝર્વ બૅંક દ્વારા જ કરવામાં આવે છે. આ બૅંક હૂંડિયામણના દરનું નિયંત્રણ કરે છે. તે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે પણ કામગીરી બજાવે છે.

વિકાસપોષક પ્રવૃત્તિઓ : ભારત જેવા વિકાસશીલ દેશની આર્થિક પ્રગતિ ઝડપી બનાવવા રિઝર્વ બૅંકે વિવિધ વિકાસપોષક કાર્યો હાથ ધર્યાં છે. તેણે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં  બૅંકિંગ પ્રણાલી શરૂ કરવા, તેને સુદૃઢ પાયા પર મૂકવા, લોકોને બચતની આદત પાડવા અને શરાફી પેઢીઓને બદલે સરકારી બૅંકો દ્વારા ખેડૂતોને ધિરાણ પૂરું પાડવા સઘન પ્રયાસો હાથ ધર્યા છે.

ખેતીને ધિરાણ પૂરું પાડવા 1937માં ખેતી ધિરાણ ખાતાની શરૂઆત કરી હતી. 1963માં ખેતી પુન:ધિરાણ અને વિકાસ કૉર્પોરેશનની સ્થાપના કરી હતી. 1982માં રચવામાં આવેલી નૅશનલ બૅંક ફૉર ઍગ્રિકલ્ચર ઍન્ડ રુરલ ડેવલપમેન્ટ(NABARD)માં તેમને સમાવી લેવામાં આવ્યાં હતાં.

ઉદ્યોગોને પ્રોત્સાહન અને લાંબા ગાળાની નાણાકીય સહાયની જરૂરિયાત સંતોષવા વિદેશી મૂડીના સહકારથી 1955માં ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ લિમિટેડ(Industrial Credit and Investment Corporation of India Ltd.)ની શરૂઆત કરી હતી. વળી ભારતીય ઔદ્યોગિક નાણા નિગમ લિ. (Industrial Finance Corporation Ltd.) અને રાજ્ય નાણાકીય નિગમોની સ્થાપના કરી હતી. 1962માં તેણે ડિપૉઝિટ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશનની રચના કરી. 1964માં ભારતીય ઔદ્યોગિક વિકાસ બૅંક (Industrial Development Bank of India) અને યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના માટે તેણે કામગીરી બજાવી. 1972માં ઇન્ડસ્ટ્રિયલ રિકન્સ્ટ્રક્શન કૉર્પોરેશન, 1982માં ભારતીય આયાત-નિકાસ બૅંક (Exim Bank), 1988માં સિક્યોરિટી ઍન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑવ્ ઇન્ડિયા(SEBI)ની વહીવટી શરૂઆત થઈ. તે જ વર્ષમાં નૅશનલ હાઉસિંગ ફાઇનાન્સ બૉર્ડની સ્થાપના કરવામાં આવી હતી. 1989માં લઘુઉદ્યોગોને વિકાસમાં પ્રોત્સાહન અને નાણાકીય સહાય માટે ભારતીય લઘુઉદ્યોગ વિકાસ બૅંક(Small Industries Development Bank of India)ની શરૂઆત કરવામાં આવી. અગાઉ શાહુકારો પર પરાવલંબી રહેતા નબળા વર્ગોને ઓછા વ્યાજના દરે ધિરાણ આપવા માટે પ્રાદેશિક ગ્રામીણ બક(Regional Rural Bank)ની સ્થાપના કરી હતી. તેનો હેતુ ગ્રામીણ વિસ્તારોની બચતને ઉત્પાદનક્ષેત્ર તરફ વાળવાનો હતો. રિઝર્વ  બૅંકે પાછળથી તેને અન્ય હેતુઓ માટે ધિરાણ કરવાનો અને વ્યાજનો દર નિયત કરવાની મંજૂરી પણ આપી હતી.

જિગીશ દેરાસરી