રિચર્ડ-2 (જ. 6 જાન્યુઆરી 1367, બોરડોક્સ, અ. ફેબ્રુઆરી 1400, પોન્ટિફ્રેક્ટ, યૉર્કશાયર) : 1377થી 1399 સુધી ઇંગ્લૅન્ડનો રાજા. તે એડવર્ડ ધ બ્લૅક પ્રિન્સનો પુત્ર અને રાજા એડવર્ડ ત્રીજાનો પૌત્ર હતો. રિચર્ડ તેના દાદાની ગાદીએ જૂન 1377માં બેઠો ત્યારે તે 10 વર્ષનો એટલે સગીર હતો. તેથી તેના કાકા જૉન ઑવ્ ગોન્ટ અને કેટલાક ઉમરાવો શાસન કરતા હતા. ફ્રાંસ સાથે ‘સો વર્ષનું યુદ્ધ’ (1337–1453) થવાને કારણે દેશની આર્થિક સ્થિતિ ઘણી નબળી થઈ હતી. તેથી ગોન્ટે વધુ પડતા કરવેરા લાદ્યા. તેને પરિણામે 1381માં ખેડૂતોએ બળવો કર્યો. રિચર્ડે સલાહકારોની સૂચના મુજબ બળવાખોરોને ભ્રામક વચનો આપીને શાંત કર્યા. થોડાં વર્ષો બાદ કેટલાક ઉમરાવો તેના વિરોધી થયા. ગોન્ટે રાજાના વફાદારો તથા વિરોધીઓ વચ્ચે શાંતિ જાળવી. પરંતુ જુલાઈ 1386માં પોતાની અંગત મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા ગોન્ટ સ્પેન ગયો ત્યારે તે રિચર્ડને તેના દુશ્મનોની દયા ઉપર છોડીને ગયો હતો. તેમની ઉશ્કેરણીથી પાર્લમેન્ટે રાજાના ચાન્સેલર ઉપર કામ ચલાવ્યું અને રાજાની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવા અગિયાર સભ્યોનું એક કમિશન નીમ્યું. રિચર્ડે જાહેર કર્યું કે આ કમિશન નીમવાથી રાજાના વિશેષાધિકારોનો ભંગ થાય છે. ત્યારે તેના વિરોધીઓએ તેના મિત્રોને દેશનિકાલ કરીને કે હત્યા કરીને બદલો લીધો. રાજા છેવટે તેના વિરોધીઓના શરણે ગયો. તે પછી મે 1389માં તેણે સ્વતંત્ર રાજા તરીકે પોતે શાસન કરશે એવી જાહેરાત કરી. રિચર્ડના કાકા જૉન ઑવ્ ગોન્ટ સ્પેનથી પાછા ફર્યા બાદ તેમણે પરિસ્થિતિ થાળે પાડી અને આશરે આઠ વર્ષ સુધી રાજાએ ગોન્ટ
અને ઉમરાવો સાથે સહકારથી શાસન કર્યું. આ બધા સમય દરમિયાન રાજા તેના અગાઉના વિરોધીઓ પર વેર વાળવાની તક શોધતો હતો. તેમણે ધીમે ધીમે પોતાના વફાદારોનો મજબૂત પક્ષ તૈયાર કર્યો અને વિરોધીઓને સખત સજાઓ કરી.
રિચર્ડ આપખુદ રાજા હતો. તે અતિખર્ચાળ અને પક્ષપાતી પણ હતો. તેના વિચિત્ર સ્વભાવને કારણે બધા વર્ગોના લોકો તેને ધિક્કારતા હતા. તેણે જૉન ઑવ્ ગોન્ટના પુત્ર એટલે કે પોતાના પિતરાઈ ભાઈ હેન્રી બોલિંગબ્રોકની જાગીરો ખૂંચવી લીધી. તેથી બોલિંગબ્રોકે 1399માં લશ્કર સહિત આક્રમણ કર્યું અને રિચર્ડને ગાદીત્યાગ કરવાની ફરજ પાડી. બોલિંગબ્રોક હેન્રી ચોથો નામથી ઇંગ્લૅન્ડનો રાજા બન્યો. રિચર્ડને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં તે મરણ પામ્યો. ઘણું કરીને તેનું ખૂન કરવામાં આવ્યું હતું.
જયકુમાર ર. શુક્લ