રિચર્ડ્ઝ, થિયોડૉર વિલિયમ (Richards, Theodore William)
January, 2004
રિચર્ડ્ઝ, થિયોડૉર વિલિયમ (Richards, Theodore William) (જ. 31 જાન્યુઆરી 1868, જર્મન ટાઉન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 2 એપ્રિલ 1928, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : માત્રાત્મક (quantitative) રાસાયણિક વિશ્લેષણ દ્વારા સાપેક્ષ પરમાણુભારના ચોક્કસ (accurate) નિર્ધારણ માટેના પ્રખ્યાત યુ.એસ. વૈશ્લેષિક રસાયણવિદ. 60 જેટલાં તત્વોના પરમાણુભાર અંગેના સંશોધન અને સમસ્થાનિકોના અસ્તિત્વ માટેના સૂચન બદલ તેમને 1914ના વર્ષનો રસાયણશાસ્ત્ર વિષય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ અમેરિકન હતા. 14 વર્ષની ઉંમરથી રિચર્ડ્ઝને ખગોળશાસ્ત્ર(astronomy)માં ઊંડો રસ હતો, પણ નબળી દૃષ્ટિ(eyesight)ને કારણે કૉલેજકાળમાં તેઓ રસાયણશાસ્ત્ર તરફ વળ્યા.
1885માં હૅવરફર્ડ કૉલેજમાંથી સ્નાતક બન્યા બાદ 1888માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઑક્સિજનના પરમાણુભારના પરિમાપન અંગે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવી. તે પછી તેમણે છેલ્લામાં છેલ્લી રાસાયણિક પદ્ધતિઓ અંગે માહિતી મેળવવા યુરોપની મુલાકાત લીધી. ગાટિંજન યુનિવર્સિટીમાં તક મળવા છતાં તેઓ હાર્વર્ડ પરત આવ્યા અને પ્રાધ્યાપકપદ સ્વીકારી ત્યાં સ્થાયી થયા.
તેમણે ઉષ્માગતિશાસ્ત્રમાં સંશોધન કરી ઉષ્મારાસાયણિક (thermochemical) પરિમાપનો પરિપૂર્ણ (perfect) બનાવ્યાં અને સમોષ્મી કૅલરીમિટર(adiabatic calorimeter)ની શોધ કરી. તેમણે વિભિન્ન રાસાયણિક તત્ત્વોના ભૌતિક ગુણધર્મો અને તેમનાં સંયોજનો વચ્ચેના સંબંધ ઉપર પણ સંશોધન કર્યું હતું.
તેમને તત્વોના ચોક્કસ પરમાણુભાર (atomic weights) અથવા સાપેક્ષ પારમાણ્વિક દળ (relative atomic masses)ના નિર્ધારણમાં ખાસ રસ હતો અને આ કાર્ય દરમિયાન તેમણે પ્રશિષ્ટ (classical) ભારમાપક (gravimetric) પૃથક્કરણની રીતોને ઉચ્ચ અધિશોધનમાત્રા (high degree of refinement) સુધી વિકસાવી. તેમણે ક્વાર્ટ્ઝનાં સાધનો અને નેફેલૉમિટર(nephelometer)નો ઉપયોગ કરેલો. 25 તત્વોના પરમાણુભારનાં ચોક્કસ મૂલ્યો તેમણે મેળવેલાં, જ્યારે તેમના સહકાર્યકરોએ બીજાં 40નાં મૂલ્યો પ્રાપ્ત કરેલાં.
1913માં રિચર્ડ્ઝે દર્શાવ્યું કે સામાન્ય (કુદરતી) સીસાનો પરમાણુભાર યુરેનિયમના વિકિરણધર્મી ક્ષયથી મળતા સીસાના પરમાણુભારથી જુદો પડે છે. આ સંશોધને વિકિરણધર્મી ક્ષય શ્રેઢી(radioactive decay series)ના ખ્યાલને તથા સમસ્થાનિકોના અસ્તિત્વ અંગેની સોડીની આગાહીને સાચાં ઠરાવ્યાં. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સાપેક્ષ પારમાણ્વિક દળનાં વધુ સારાં મૂલ્યો આપતી દળ-સ્પેક્ટ્રમિકી (mass spectrometry) જેવી આધુનિક પદ્ધતિઓ પ્રચલિત બની ત્યાં સુધી રિચર્ડ્ઝનાં મૂલ્યો સ્વીકૃત ગણાતાં હતાં. પાછલાં વર્ષોમાં તેમનું સંશોધન ઘન તત્વોના ભૌતિક ગુણધર્મો સાથે સંકળાયેલું હતું અને તેમાં પારમાણ્વિક કદ (atomic volume) અને દબનીયતા (compressibilities) ઉપરનાં મૌલિક સંશોધનોનો સમાવેશ થતો હતો.
જ. પો. ત્રિવેદી