રિચર્ડસન, રિચી (જ. 7 માર્ચ 1952, ફાઇવ આઇલૅન્ડ્ઝ, ઍન્ટીગ્વા, વેસ્ટ ઇંડિઝ) : ઍન્ટીગ્વાના ક્રિકેટ-ખેલાડી. તેઓ અત્યંત પ્રભાવશાળી જમણેરી બૅટ્સમૅન બન્યા. તેઓ તેમના સાથી વિવિયન રિચડર્ઝના પગલે વેસ્ટ ઇંડિઝના કપ્તાન બન્યા. તેઓ દૃઢ નિર્ણયશક્તિ ધરાવતા હતા અને તેમણે વેસ્ટ ઇંડિઝનાં રાષ્ટ્રોમાં કપ્તાન તરીકેની કારકિર્દીનો સફળતાપૂર્વક આરંભ કર્યો.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1983–93 : 71 ટેસ્ટ; 46.70ની સરેરાશથી 5,231 રન; 15 સદી; સૌથી વધુ જુમલો 194; 77 કૅચ. (2) એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ 185; 34.23ની સરેરાશથી 5,307 રન; 5 સદી; સૌથી વધુ જુમલો 122; 65 કૅચ. (3) પ્રથમ કક્ષાની મૅચ. 1982–92 : 43.25ની સરેરાશથી 9,863 રન; 29 સદી : સૌથી વધુ જુમલો 194; 40.80ની સરેરાશથી 5 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 5–40; 144 કૅચ.
મહેશ ચોકસી