રિચર્ડસન, ટૉમ (જ. 11 ઑગસ્ટ 1870, બાઇફ્લીટ, સરે; અ. 2 જુલાઈ 1912, સેંટ ઝાં દ આર્વે, ફ્રાન્સ) : ઇંગ્લૅન્ડના કુશળ ક્રિકેટ-ખેલાડી. તેઓ સુદૃઢ બાંધો ધરાવતા ઝડપી ગોલંદાજ હતા. 1890ના દાયકામાં તેઓ કારકિર્દીની ટોચે હતા, ત્યારે તેઓ વિશ્વના સુંદર ગોલંદાજ લેખાતા હતા. 1892માં તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને પછીના જ વર્ષે 15.40ની સરેરાશથી 174 વિકેટો ઝડપી. એમાં પણ વધારે આગળ વધીને 1894માં તેમણે 10.33ની સરેરાશથી 196 વિકેટ ઝડપી; 1895માં તો  14.38ની સરેરાશથી 290 વિકેટ ઝડપી. આ આંકડો 1928 સુધી સીઝન માટેનો વિક્રમ બની રહ્યો. 200 ઉપરાંત વિકેટ ઝડપવાનું તેમનું સાતત્ય તેમણે જાળવી રાખ્યું અને 1896માં તેમણે 246 વિકેટ અને 1897માં 273 વિકેટ ઝડપી.

ત્યારબાદ જોકે બીજી 5 સીઝન દરમિયાન તેમણે 100 ઉપરાંત વિકેટ ઝડપી ખરી, પણ તેમના રમત-કૌશલ્યમાં ઓટ આવવા માંડી. છેવટે વધતા જતા વજનને કારણે તેમણે તેમની કાઉન્ટીમાંથી સ્થાન ગુમાવ્યું. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે 1,000 વિકેટ કેવળ 174 મૅચમાં ઝડપી. દેખીતી રીતે જ આ એક સર્વકાલીન વિક્રમ હતો.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1893–98  : 14 ટેસ્ટ; 11.06ની સરેરાશથી 177 રન; સૌથી વધુ જુમલો 25 (અણનમ); 25.22ની સરેરાશથી 88 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 8–94; 5 કૅચ.

(2) 1892–1905 : પ્રથમ કક્ષાની મૅચ; 9.65ની સરેરાશથી 3,424 રન; સૌથી વધુ જુમલો 69; 18.43ની સરેરાશથી 2,104 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 10–45; 125 કૅચ.

મહેશ ચોકસી