રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ નોંધાવ્યા. 1976ના ઓલિમ્પિક રમતોત્સવ પૂર્વે 3 તરણખેલાડી આ 200 મી.નો વિક્રમ પાર કરી શક્યા, પણ ઓલિમ્પિક રમતોત્સવ ખાતે રિક્ટરે એ તમામને હાર આપી અને 100 મી. અને 200 મી.ની બંને સ્પર્ધાઓ જીતીને 61.83  સે. અને 2 મિ. 13.43 સે.ના ઓલિમ્પિક વિક્રમો સ્થાપ્યા. મેડલે રિલે સ્પર્ધામાં પોતાના તત્કાલીન દેશ જીડીઆરની ટીમનો વિશ્વવિક્રમ સ્થાપીને તેમણે ત્રીજો સુવર્ણચન્દ્રક પણ મેળવ્યો. 1973ની વિશ્વ ચૅમ્પિયન સ્પર્ધામાં 2 વખતનાં ઓલિમ્પિક ચૅમ્પિયન મેલિસા બૅલટ(યુ.એસ.)ને હાર આપીને તેઓ 100 મી.ની સ્પર્ધામાં વિજેતા બન્યાં અને 64.99 સે.ના પોતાના બીજા વિશ્વવિક્રમ સાથે તેમણે પોતાના દેશ જીડીઆરની મેડલે રિલે સ્પર્ધામાં વિશ્વવિક્રમ નોંધાવી યુ.એસ. સામે અણધારી જીત મેળવી. 1974ના યુરોપિયન રમતોત્સવ પ્રસંગે પોતાના દેશ જીડીઆર માટે આ વિક્રમ સુધારવામાં તેઓ સહાયભૂત થયાં. એ સ્પર્ધામાં તેઓ બૅકસ્ટ્રોક સ્પર્ધાના 2 સુવર્ણચન્દ્રકો સહિત 3 સુવર્ણચન્દ્રકોનાં વિજેતા નીવડ્યાં. 1975માં 100 મી. તથા મેડલે રિલેમાં તેઓ પોતાનાં વિશ્વવિજય પદક (world titles) જાળવી રાખી શક્યાં; પણ 200 મી. બૅકસ્ટ્રોકમાં તેઓ ત્રીજા સ્થાને રહ્યાં. 1976માં જીડીઆરની અજમાયશી સ્પર્ધામાં તેમણે બૅકસ્ટ્રોકમાં નોંધાવેલો 2 મિ. 13.27 સે.નો સમય બૅકસ્ટ્રોક સ્પર્ધા માટેનો તેમનો સર્વોત્તમ સમય હતો. 1973થી ’76 સુધી 100 મી. માટે અને 1974 તથા 1976માં 200 મી. માટે તેઓ જીડીઆરનાં બૅકસ્ટ્રોક ચૅમ્પિયન રહ્યાં.

મહેશ ચોકસી