રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે.

રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ

મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના શરીરની અંદર પરોપજીવી જીવન પસાર કરે છે અને તેઓ ટાઇફસ ફીવર, રિકેટી માઉન્ટન સ્પૉટેડ ફીવર, સ્ક્રબ ફીવર અને રિકેટ્સિયા-પૉક્સ જેવા રોગો પેદા કરે છે. સામાન્યપણે રિકેટ્સિયાજન્ય રોગોની અસર હેઠળ માનવદર્દી ટાઢ (chill), તાવ (fever), માથાનો દુખાવો અને ફોલ્લી(rash)થી પીડાય છે. યોગ્ય ઉપચારના અભાવમાં આ રોગ જીવલેણ બની શકે છે. જોકે પ્રતિજૈવિક (antibiotic) સારવાર વડે આ રોગોને સહેલાઈથી કાબૂમાં લઈ શકાય છે.

જૂ, ઇતરડી જેવા સંધિપાદો ટાઇફસ રોગનો, જ્યારે ઉંદર જેવાં સસ્તનો મ્યૂરિન ટાઇફસ, તેમજ રિકેટ્સિયા-પૉક્સનો ફેલાવો કરે છે. આવાં યજમાન પ્રાણીઓનો નાશ કરીને ઉપર્યુક્ત રોગથી મુક્ત થઈ શકાય છે. ઉપરાંત દૂષિત પર્યાવરણ અને દૂધ દ્વારા ‘Q’ ફીવરનો ફેલાવો થાય છે. રસી, રોગજન્ય યજમાનોનો વિનાશ, પર્યાવરણનું શુદ્ધીકરણ જેવા ઉપાયો વડે રિકેટ્સિયા પ્રકારના રોગો ટાળી શકાય છે. હોવર્ડ ટેલર રિકેટ્સ નામના અમેરિકાના રોગનિદાન-વિજ્ઞાની (pathologist)એ 1909માં રિકેટ્સ સૂક્ષ્મજીવનું સંશોધન કર્યું હતું.

હોસંગ ફરામરોજ મોગલ

મ. શિ. દૂબળે