રા (સૂર્યદેવ) : પ્રાચીન ઇજિપ્તના એક દેવ. સર્વ દેવોમાં તે સૌથી વધુ મહત્વના હતા. તેઓ દરરોજ આકાશમાં પોતાની હોડીમાં પ્રવાસ કરે છે.

‘રા’ નામના સૂર્યદેવની પ્રાચીન ઇજિપ્તમાં પૂજા થતી હતી. પ્રાચીન ઇજિપ્તમાં ઘણા રાજવંશોએ રાજ્ય કર્યું હતું. તેમાં પાંચમા રાજવંશના શાસન દરમિયાન ‘રા’ અથવા ‘રે’ (Ra or Re) નામના સૂર્યદેવની પૂજા અને મહત્તામાં ઘણો વધારો થયો. ઇજિપ્તમાં આ વંશનું શાસન ઈ. પૂ. 2494માં શરૂ થયું હતું. પાંચમા રાજવંશના પ્રથમ ત્રણ રાજવીઓ પોતે સૂર્યદેવના પુત્રો હતા એવો દાવો કરતા હતા. આ વંશના રાજાઓએ ‘રાના પુત્ર’ (સૂર્યપુત્ર) એવો વિધિસરનો રાજવંશીય ખિતાબ ધારણ કર્યો હતો.

રાનું પ્રાચીન મંદિર મેમ્ફિસથી થોડા કિલોમિટર દૂર નાઇલ નદીની પૂર્વ બાજુએ હેલિયાપોલિસ નામના સ્થળે હતું. પાંચમા વંશના પ્રથમ રાજવી ઉસેરકાફે ગીઝાની દક્ષિણમાં થોડા કિલોમિટર દૂર અબૂ જિરાબ નામના સ્થળે રાનું નવું વિશિષ્ટ મંદિર બંધાવ્યું. એના પાંચ અનુગામી રાજવીઓએ પણ એના અનુકરણ રૂપે રાનાં આવાં મંદિરો બંધાવ્યાં. આમ, પ્રાચીન ઇજિપ્તમાં રાની પૂજા થતી હતી. પાંચમા વંશના શાસન દરમિયાન એને વધારે પ્રોત્સાહન મળ્યું. પાંચમા વંશના શાસન પછી પણ ઇજિપ્તમાં રાની પૂજા ચાલુ રહી હતી. દુનિયાની મોટાભાગની પ્રાચીન સંસ્કૃતિઓમાં સૂર્યની એક યા બીજા નામે પૂજા થતી જોવા મળે છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી