‘રા’ અભિયાન : રાડાંથી બનાવેલા જહાજમાં આટલાન્ટિક મહાસાગર પાર કરવા માટેનું અભિયાન. આ અભિયાનના 1969 તથા 1970માં થૉર હેરડાલના નેતૃત્વ હેઠળ બે વાર પ્રયાસ કરાયા હતા. આ અભિયાન પાછળ, પ્રાચીન ઇજિપ્તના નાવિકો નવા વિશ્વ(New World)માં પહોંચ્યા હશે તેવું પ્રતિપાદિત કરવાનો અભિગમ હતો. પ્રાચીન ઇજિપ્તના સૂર્યદેવનું નામ રા હતું. તેથી આ નૌકાનું નામ ‘રા’ રાખવામાં આવ્યું હતું. તે માટે બે વર્ષ સુધી સંશોધન કરવામાં આવ્યું હતું તથા રૂ. 96,00,000નું ખર્ચ કરાયું હતું.
પ્રથમ નૌકા ચાડના આફ્રિકન નૌકા-નિષ્ણાતોએ બનાવી હતી. તેમાં 2,80,000 રાડાં ઉપયોગમાં લેવાયાં હતાં અને તેનું વજન 12 ટન ઉપરાંત હતું. 25 મે, 1959ના રોજ ‘રા’ અને તેમાંના 7 નાવિકોએ મોરૉક્કોના પ્રાચીન બંદર સફી ખાતેથી સાગરપ્રવાસ આરંભ્યો. આ નૌકાએ કેનેરી પ્રવાહનો માર્ગ અપનાવ્યો અને ત્યારબાદ નાવિકો ઉત્તર ઇક્વેટરિયલ પશ્ચિમતરફી પ્રવાહના માર્ગે આટલાન્ટિકની પેલે પાર વળ્યા. તેમને અનેક દુર્ઘટનાઓનો સામનો કરવો પડ્યો. પણ આ નૌકા તાત્કાલિક સાગરપ્રવાહમાં અટવાઈ ન પડી કે ડૂબી પણ ન ગઈ; પરંતુ કૅરિબિયનમાં ઉગ્ર વાવાઝોડું આવવાથી, ‘રા’ને ભારે નુકસાન થયું. 16 જુલાઈ, 1969ના રોજ આ નૌકાના પ્રવાસીઓને ઉગારી લેવાયા હતા.
હેરડાલે બોલિવિયાના ઇન્ડિયનો પાસે મોરૉક્કોમાં બીજી નૌકા બંધાવડાવી. ‘રા’ II પહેલી નૌકા કરતાં પ્રમાણમાં ટૂંકી, પાતળી, ગોળાકાર અને વધારે મજબૂત હતી. તેમાં 8 પ્રવાસીઓની મોકળાશ હતી. બોલિવિયાના નૌકા બાંધનારાઓએ પ્રયોજેલી ડિઝાઇન બધી રીતે સંપૂર્ણ હતી. 17 મે, 1970ના રોજ ‘રા’ II નૌકાએ સફી બંદરેથી પ્રયાણ કર્યું. 12 જુલાઈની સાંજે આ નૌકા બાર્બાડૉસમાં બ્રિજટાઉન બંદરમાં પ્રવેશી. આ બંદર સફીથી 5,260 કિમી. દૂર હતું.
આમ છતાં પ્રાચીન ઇજિપ્તથી આટલાન્ટિક પાર કરીને નવા વિશ્વમાં પ્રવાસીઓ આવ્યા હશે એવી વાતની મોટાભાગના પુરાતત્વવિદોને, આ અભિયાનની સફળતા છતાં, પ્રતીતિ થઈ નથી.
મહેશ ચોકસી