રાસ્પુતિન, ગ્રિગરી યેફિમૉવિચ (જ. 1872, પ્રોક્રોવસ્કી, સાઇબીરિયા; અ. 30 ડિસેમ્બર 1916, સેંટ પીટર્સબર્ગ) : રશિયાની ઝારશાહીનાં છેલ્લાં વરસો દરમિયાન સામ્રાજ્ય માટે વિનાશક ભાગ ભજવનાર સાધક. તે સાઇબીરિયાના ખેડૂત પરિવારમાં જન્મ્યો હતો. તે અભણ, વ્યભિચારી, સ્વાર્થી તથા લોભી હતો; પરંતુ લોકો માનતા હતા કે તે સંમોહનવિદ્યા તથા અલૌકિક શક્તિ ધરાવે છે. 1904માં પોતાના કુટુંબનો ત્યાગ કરીને તે પ્રવાસે નીકળ્યો. તેણે રશિયાનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. તેણે જેરૂસલેમની બે વાર યાત્રા કરી અને કેટલાક મઠોમાં પણ રહ્યો. 1905માં ઝાર નિકોલસ બીજાના દરબારમાં તેને પ્રવેશ આપવામાં આવ્યો. ઝારનો ગાદીવારસ પુત્ર હીમોફિલિયાના દર્દથી પીડાતો હતો. પુષ્કળ ખર્ચ કરવા છતાં, તે સાજો થયો નહિ. પરંતુ રાસ્પુતિને તેને સાજો કર્યો. તેથી સમ્રાજ્ઞી એલેક્ઝાન્ડ્રા(ઝરીના)ને તેનામાં અપૂર્વ તથા અમર્યાદિત શ્રદ્ધા પેદા થઈ. ઝાર તેનાથી પ્રભાવિત થઈને તેને દૈવી પુરુષ માનતો હતો.
રાસ્પુતિને રાજકારણમાં પણ રસ લેવા માંડ્યો. તેણે મંત્રીઓની નિમણૂકો તથા રાજકીય નિર્ણયોમાં ભાગ લેવા માંડ્યો. તેણે બધા ઉદારમતવાદી મંત્રીઓને બરતરફ કરાવી, પોતાની ભલામણ મુજબના મંત્રીઓની નિમણૂક કરાવી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઝાર નિકોલસ બીજો યુદ્ધના મેદાનમાં હતો ત્યારે રાસ્પુતિન મંત્રીઓ દ્વારા બધી વાસ્તવિક સત્તાઓ ભોગવીને શાસન કરતો હતો. તેથી વ્યાપક પ્રમાણમાં લોકોની લાગણી દુભાઈ અને રાસ્પુતિનને સત્તાથી વિમુખ કરવાના સર્વ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ પુરિશકેવિચ તથા ફેલિક્સ યુસુપૉવ નામના ‘બ્લૅક હંડ્રેડ્ઝ’ નામની સંસ્થા સાથે જોડાયેલા માણસોએ, એક કાવતરું કરીને, રાજકુટુંબના નજીકના સગા પ્રિન્સ યુસુકૉવના નિવાસસ્થાને રાસ્પુતિનને નિમંત્રણ પાઠવીને બોલાવ્યો. ત્યાં તેને ઝેરી દારૂ પિવરાવવામાં આવ્યો; પરંતુ તેના ઉપર કોઈ અસર ન થવાથી, ગોળી છોડીને મારી નાખી પાસેની નદીમાં ફેંકી દીધો. તેના મૃત્યુથી ઝાર અને ઝરીના સિવાય કોઈને દુ:ખ થયું નહિ; પરંતુ ઘણાં લોકોને રાહત થઈ.
જયકુમાર ર. શુક્લ