રાસાયણિક સૂત્ર (chemical formula) : રાસાયણિક સંયોજનનું સંઘટન [તેમાં હાજર રહેલાં તત્વો અને તેમનું પ્રમાણ (પરમાણુઓની સંખ્યા)] દર્શાવવાની વિવિધ રીતો પૈકીની એક. સંયોજન માટે વપરાતાં સૂત્રોનાં વિવિધ સ્વરૂપોમાં પ્રમાણસૂચક (empirical), આણ્વિક (molecular), બંધારણીય (structural) અને પ્રક્ષેપણ (projection) સૂત્રોને ગણાવી શકાય. તત્વનો અણુ એક કરતાં વધુ પરમાણુઓ ધરાવતો હોય તો તેના આણ્વિક સૂત્રને દર્શાવવા જે તે તત્વની સંજ્ઞાના નિમ્નાંક તરીકે પરમાણુઓની સંખ્યા દર્શાવવામાં આવે છે. દા.ત., H2, S8 વગેરે. સંયોજનના સૂત્ર માટે તે જે તત્વોનું બનેલું હોય તે તત્વોની સંજ્ઞા અને પરમાણુઓની સંખ્યા દર્શાવવા નિમ્નાંકોનો ઉપયોગ થાય છે. દા.ત., પાણી માટે H2O સૂત્ર એમ સૂચવે છે કે તેમાં ઑક્સિજનના એક પરમાણુ દીઠ હાઇડ્રોજનના બે પરમાણુઓ હોય છે. સામાન્ય રીતે સૂત્રમાં ધનવિદ્યુતીય (electropositive) તત્વ પ્રથમ દર્શાવવામાં આવે છે. દા.ત., આર્સાઇન, AsH3. કેટલાક પદાર્થોમાં પરમાણુઓનો સમૂહ એક એકમ તરીકે વર્તે છે અને તેને દર્શાવવા કૌંસનો ઉપયોગ થાય છે. દા.ત., એમોનિયમ સલ્ફેટ, (NH4)2SO4.
રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનના સૂત્રની આગળ કોઈ અંક હોય તો તે પ્રક્રિયામાં ભાગ લેતા અથવા પ્રક્રિયા દ્વારા બનતા પદાર્થના અણુઓની સંખ્યા સૂચવે છે. જેમ કે
2H2 + O2 → 2H2O
NaCl + H2SO4 → NaHSO4 + HCl
છેલ્લું સમીકરણ એમ દર્શાવે છે કે સોડિયમ ક્લોરાઇડ(NaCl)ની સલ્ફ્યુરિક ઍસિડ (H2SO4) સાથે પ્રક્રિયા થતાં સોડિયમ બાઇસલ્ફેટ (સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ) અને હાઇડ્રોજન ક્લોરાઇડ (HCl) બને છે.
પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાંનાં તત્વોનું સાપેક્ષ પરમાણુપ્રમાણ દર્શાવે છે અને તે તત્વોની સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. દા.ત., બેન્ઝીન (C6H6) માટેનું પ્રમાણસૂચક સૂત્ર CH છે, જે એમ સૂચવે છે કે તેમાં કાર્બનના એક પરમાણુ દીઠ હાઇડ્રોજનનો એક પરમાણુ રહેલો છે. અજ્ઞાત અણુ-બંધારણવાળાં સંયોજનો માટે પ્રથમ પ્રમાણસૂચક સૂત્ર નક્કી થાય છે અને તે પછી તેનું અણુસૂત્ર કે આણ્વિક સૂત્ર નક્કી થાય છે.
અણુસૂત્ર એ સંયોજનનું સંઘટન દર્શાવે છે. દા.ત., ઇથિલીન માટે C2H4; પ્રૉપિલીન માટે C3H6 બંને માટે પ્રમાણસૂચક સૂત્ર CH2 છે. કેટલીક વખત એક જ અણુસૂત્ર બે ભિન્ન ભિન્ન સંયોજનો સૂચવે છે. જેમ કે C2H6O એ ઇથેનોલ અને ડાઇમિથાઇલ ઈથર એમ બે પ્રકારનાં સંયોજનો માટેનું અણુસૂત્ર છે. આ બે સંયોજનોને અલગ દર્શાવવા બંધારણીય સૂત્રની જરૂર પડે છે. આમ બંધારણીય સૂત્ર એ અણુમાંના પરમાણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે દર્શાવે છે. દા.ત., ઈથેનોલનું બંધારણીય સૂત્ર છે, જ્યારે ડાઇમિથાઇલ ઈથરનું સૂત્ર છે. બંધારણીય સૂત્ર સંયોજનના રાસાયણિક ગુણધર્મો સમજવામાં મદદરૂપ થાય છે.
પ્રક્ષેપણ-સૂત્ર એ ત્રિપરિમાણી (three-dimensional) અણુને દ્વિપરિમાણી રીતે દર્શાવતું સૂત્ર છે. ત્રિપરિમાણી સમાવયવીઓ-(stereoisomers)ના અભ્યાસમાં તેનો ઉપયોગ થાય છે; કારણ કે આવાં સંયોજનોનું સંઘટન એકસરખું હોય છે, પણ તેમના અણુમાં રહેલા પરમાણુઓની અવકાશી (spatial) ગોઠવણી વિભિન્ન હોય છે. આ સૂત્રો દોરવા માટે કેટલીક પરંપરા સ્વીકારવામાં આવી છે, જેથી ત્રિપરિમાણી સમાવયવીઓને એકબીજાથી અલગ ઓળખી શકાય.
આ માટેની ફિશરની પદ્ધતિમાં મુખ્ય કાર્બન શૃંખલાને ઉપરથી નીચે તરફ જતી દર્શાવવામાં આવે છે. ઊર્ધ્વ (લંબ) (vertical) રેખાઓ એવા બંધોનું નિરૂપણ કરે છે કે જે કાગળની (અથવા બ્લૅકબૉર્ડની કે કમ્પ્યૂટરના પડદાની) પાછળ અથવા કાગળના તલ(plane)માં પ્રક્ષેપિત થયેલા હોય, જ્યારે અનુપ્રસ્થ અથવા ક્ષૈતિજ (horizontal) રેખાઓ કાગળના તલમાંથી બહાર આવતા બંધો દર્શાવે છે. લંબ અને ક્ષૈતિજ રેખાઓના પ્રતિચ્છેદ(intersection)નું સ્થાન કાર્બન પરમાણુ દર્શાવે છે. ફિશરના પ્રક્ષેપણમાં કાર્બન પરમાણુ ન દર્શાવવાનો અર્થ એ કે આપણે અણુના ત્રિપરિમાણી પાસાનું સૂચન કરીએ છીએ (જો કાર્બન પરમાણુ દર્શાવાય તો તે ફિશરનું પ્રક્ષેપણ-સૂત્ર નથી).
આવાં સૂત્રો માટેનો આધુનિક અભિગમ બંધોને ફાચર (wedge) અને અસતત (dashed) ફાચર અથવા અસતત રેખાઓ વડે દર્શાવવાનો હોય છે. કાગળ (અથવા બ્લૅકબૉર્ડ કે કમ્પ્યૂટરના પડદા)ના સમતલમાંના બંધો સાદી રેખાઓ (−) વડે દર્શાવાય છે, ફાચર રેખાઓ (wedged lines) એ કાગળની સામેના સમતલ(plane)માં પ્રક્ષેપિત થતા બંધો દર્શાવે છે, જ્યારે અસતત ફાચરો સમતલની પાછળના અવકાશમાં પ્રક્ષેપી (projecting) બંધો દર્શાવે છે. દા.ત.,
જ. પો. ત્રિવેદી