રાસાયણિક અવક્ષેપન (chemical precipitation)
January, 2003
રાસાયણિક અવક્ષેપન (chemical precipitation) : દ્રાવણમાં રહેલા એક પદાર્થને અદ્રાવ્ય રૂપમાં ફેરવીને અલગ પાડી શકાય તેવા ઘન પદાર્થ રૂપે મેળવવાની વિધિ અથવા ઘટના. ઘણી વાર અવક્ષેપનની વિધિનો ઉપયોગ જલીય દ્રાવણોમાંથી ધાતુ-આયનોને દૂર કરવા માટે થાય છે; દા. ત., સિલ્વર નાઇટ્રેટ જેવા દ્રાવ્ય ક્ષારના દ્રાવણમાં રહેલા સિલ્વર આયનો(Ag+)ને દ્રાવણમાં ક્લોરાઇડ આયનો (સોડિયમ ક્લોરાઇડ રૂપે) ઉમેરવાથી અવક્ષિપ્ત કરી શકાય છે.
AgNO3 + NaCl → AgCl ↓ + NaNO3
તે જ પ્રમાણે બેરિયમ આયનોને સલ્ફેટ આયનો વડે અવક્ષિપ્ત કરી શકાય છે. અવક્ષેપન એ ભારમિતીય (gravimetric) પૃથક્કરણનો પાયો છે. અવક્ષેપનની ઘટના દ્રાવ્યતા ગુણાકાર પર આધારિત છે.
જો ઉદભવતો ઘન પદાર્થ મોટા કણો રૂપે અવક્ષિપ્ત થાય તો અવક્ષેપ પાત્ર(અથવા કસનળી)ના તળિયે નીચે બેસી જાય છે. જો બનતા ઘન પદાર્થના કણો બહુ નાના હોય તો તે કલિલીય (colloidal) અવક્ષેપ રૂપે નિલંબન(suspension)માં જ રહે છે.
લેક (lakes) તરીકે ઓળખાતા કાર્બનિક વર્ણકો(pigments)ના એક વર્ગને મેળવવા માટે કાર્બનિક રંગક(dye)ને અકાર્બનિક અવસ્તર (કાર્યદ્રવ, substrate) ઉપર અવક્ષિપ્ત કરવામાં આવે છે.
પ્રહલાદ બે. પટેલ