રાષ્ટ્રીય સલામતી રક્ષક દળ (National Security Guards)
January, 2003
રાષ્ટ્રીય સલામતી રક્ષક દળ (National Security Guards) : દેશમાં આતંકવાદનો અસરકારક સામનો કરવા અને તેને ખાળવા માટે ઊભું કરવામાં આવેલ પ્રમુખ સશસ્ત્ર દળ. તેની સ્થાપના નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ ઍક્ટ, 1986 હેઠળ કરવામાં આવી છે. આ દળ દેશની મહત્ત્વની વ્યક્તિઓ(VIPS)ને સંરક્ષણસુરક્ષા કવચ પૂરું પાડે છે, ભાંગફોડિયા પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે છે અને દેશનાં મહત્ત્વનાં પ્રતિષ્ઠાનોને આતંકવાદી હુમલાઓથી રક્ષણ આપે છે. વળી તે અપહરણ કરનારાઓ, ચાંચિયાઓ સામે સશસ્ત્ર અભિયાન ચલાવે છે તથા બાનમાં લેવામાં આવેલા નાગરિકોને મુક્ત કરવા માટેની કામગીરી પણ કરે છે. આતંકવાદીઓ સામે ઝૂઝવા માટે આ દળના જવાનોને વિશેષ પ્રકારની સખતાઈપૂર્વકની તાલીમ આપવામાં આવે છે. તે રાજ્ય-સ્તરના કમાન્ડોને પણ પોતપોતાના પ્રદેશોમાં આતંકવાદી હુમલાઓનો સામનો કરવાની તથા વિસ્ફોટના હેતુથી મૂકવામાં આવેલા બૉમ્બને નકામા કરવાની (defuse) તાલીમ પણ આપે છે.
આ દળના આશરે 7,500 જવાનોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે : (1) સ્પેદૃશ્યલ ઍક્શન ગ્રૂપ (SAG) અને (2) સ્પેદૃશ્યલ રેન્જર્સ ગ્રૂપ (SRG). તેમાંથી પ્રથમ વિભાગના જવાનો ભારતીય લશ્કરના જવાનોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમને આક્રમણાત્મક (offensive) પ્રકારની કાર્યવહી માટે તૈયાર કરવામાં આવે છે; જ્યારે બીજા વિભાગના જવાનોનું કાર્ય સ્પેદૃશ્યલ આર્મ્ડ ફૉર્સ(SAF)ને તેની કાર્યવહીમાં મદદ કરવાનું હોય છે. બીજા વિભાગના જવાનો કેન્દ્રીય પોલીસ સંગઠનોમાંથી પસંદ કરવામાં આવતા હોય છે.
રાષ્ટ્રીય સલામતી દળની સ્થાપના અમૃતસર ખાતે 1984માં ભારતીય લશ્કરની દેખરેખ હેઠળ કરવામાં આવેલ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ની કાર્યવહીમાંથી મળેલ અનુભવને આધારે કરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન સુવર્ણમંદિરને ઘણું નુકસાન થયું હતું અને તેથી ભવિષ્યમાં જરૂર પડે ત્યારે આવી કાર્યવહી દરમિયાન ઓછામાં ઓછું નુકસાન થાય તેવી તાલીમ પામેલા જવાનો તૈયાર કરવા માટે આ સલામતી દળની રચના કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં ભારત સરકાર વતી જે લશ્કરી દળો મોકલવામાં આવ્યાં છે તેમાં રાષ્ટ્રીય સલામતી દળના જવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈ. સ. 2000ના વર્ષ સુધી (1986-2000) આ દળના નેજા હેઠળ કુલ આશરે 85 જેટલાં અભિયાનો (operations) હાથ ધરવામાં આવ્યાં હતાં.
24 સપ્ટેમ્બર, 2002માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેના વિશ્વવિખ્યાત અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિર પર આતંકવાદીઓ ત્રાટક્યા હતા ત્યારે તેમને ઝબ્બે કરવા માટે આ રક્ષક દળના જવાનોની એક બાહોશ ટુકડી દિલ્હીથી ખાસ વિમાન દ્વારા ગાંધીનગર બોલાવવામાં આવી હતી. આ ટુકડીએ આખી રાતની કાર્યવહીને અંતે વહેલી સવાર સુધી, મંદિરને જરા પણ નુકસાન કર્યા વગર, સિફતથી બંને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. આ કાર્યવહી દરમિયાન આ ટુકડીનો એક જવાન શહીદ થયો હતો.
કેન્દ્ર સરકારના ગૃહખાતાએ ફેબ્રુઆરી, 2003માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આતંકવાદીઓના ભય સામે રક્ષણ આપવા માટે આ દળનું સુરક્ષા-કવચ આપવાનો નિર્ણય કર્યો છે.
આ દળનો મુદ્રાલેખ છે : ‘સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા’. તેના જવાનોને ‘બ્લૅક કમાન્ડો’ નામથી પણ ઓળખવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે