રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ – ભારત

January, 2003

રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ – ભારત : ભારતમાં પ્રકાશિત થતા વિવિધ ગ્રંથોની કરવામાં આવતી શાસ્ત્રીય સૂચિ.

રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ એટલે જે તે રાષ્ટ્રમાંથી પ્રકાશિત થયેલા ગ્રંથોની સુવ્યવસ્થિત યાદી. રાષ્ટ્રીય વાઙ્મયસૂચિનો જન્મ ઈ. સ. 1550માં પહેલી રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ ‘લા લાઇબ્રેરિયા’ નામે વેનિસ (ઇટાલી) ખાતે ઍન્ટૉન ફ્રાન્સેસ્કો ડોની દ્વારા થયો. ત્યારપછી ઈ. સ. 1811માં બિબ્લિયૉથૅકે નૅશનાલે દ્વારા ફ્રેન્ચ સરકારે ‘બિબ્લિયૉગ્રાફી દ લા ફ્રાન્સ’ નામે રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ પ્રકાશિત કરી. આજે વિશ્વના અનેક દેશોનાં રાષ્ટ્રીય ગ્રંથાલયો દ્વારા ગ્રંથસૂચિ પ્રકાશિત થાય છે. અંગ્રેજીભાષી દેશોમાં યુ.એસ.ની લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ દ્વારા ‘નૅશનલ યુનિયન કૅટલૉગ’ અને બ્રિટનના રાષ્ટ્રીય ગ્રંથાલય દ્વારા ‘બ્રિટિશ નૅશનલ બિબ્લિયૉગ્રાફી’ 1950થી નિયમિત રૂપે પ્રકાશિત થાય છે. ઑસ્ટ્રેલિયા, કૅનેડાનાં રાષ્ટ્રીય ગ્રંથાલયો દ્વારા રાષ્ટ્રીય વાઙ્મયસૂચિઓ પ્રકાશિત થાય છે.

બીજાં રાષ્ટ્રોની માફક ભારતને રાષ્ટ્રીય વાઙ્મયસૂચિનું મહત્ત્વ ધ્યાનમાં આવતાં 1955માં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘ઇન્ડિયન નૅશનલ બિબ્લિયૉગ્રાફી કમિટી’ રચવામાં આવી. આ સમિતિના અધ્યક્ષપદેથી બી.એસ. કેશવને રાષ્ટ્રીય વાઙ્મયસૂચિ તૈયાર કરવા માટેનાં ઉદ્દેશ, કાર્યક્ષેત્ર, વ્યાપ્તિ અને તાંત્રિકી વિગતો રજૂ કરતો મુસદ્દો તૈયાર કર્યો. આ રાષ્ટ્રીય વાઙ્મયસૂચિની યોજનાના મુસદ્દાને સમિતિએ અનેક બેઠકોની ચર્ચાને અંતે મંજૂરી આપી. આ યોજના આ પ્રમાણેની હતી : (1) ભારત સરકારના બંધારણમાં માન્ય રાખેલી બધી જ ભાષાઓમાં પ્રકાશિત થતાં પ્રકાશનો આ વાઙ્મયસૂચિમાં સમાવવાં જોઈએ. (2) આ યાદી દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધ જળવાઈ રહે તે માટે દરેક ભાષાના ગ્રંથોની વાઙ્મયસૂચિગત વિગતોનું રોમન લિપ્યંતર આપવું અને પુસ્તક કે લેખક અંગેનું ટિપ્પણ અંગ્રેજી ભાષામાં આપવું. (3) રાષ્ટ્રીય વાઙ્મયસૂચિમાં સમાવેશ કરેલ ગ્રંથોને ડ્યૂઈ ડેસિમલ ક્લાસિફિકેશન (19મી આવૃત્તિ) પ્રમાણે વર્ગીકૃત કરવા અને પ્રત્યેક ગ્રંથનું સૂચિવર્ણન ઍંગ્લો-અમેરિકન કેટલૉગિંગ રુલ્સ II પ્રમાણે આપવું. તે સાથે પ્રત્યેક ગ્રંથનો કોલન ક્લાસિફિકેશન(6ઠ્ઠી આવૃત્તિ)થી વર્ગાંક સૂચિવર્ણનમાં અવદૃશ્ય રજૂ કરવો.

આ યોજનાને પાર પાડવા ભારત સરકારે ‘સેન્ટ્રલ રેફરન્સ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા’ને ‘ઇન્ડિયન નૅશનલ બિબ્લિયૉગ્રાફી’નાં સંપાદન અને પ્રકાશનની કામગીરી સોંપી. રાષ્ટ્રીય ગ્રંથાલયમાં 1867ના ગ્રંથનોંધણી અધિનિયમ હેઠળ, સ્વાતંત્ર્ય પછીના 1954 અને 1956ના ‘ડિલિવરી ઑવ્ બુક્સ ઍક્ટ’ અનુસાર પુસ્તકો અને સામયિકો ભારતના બધા પ્રકાશકો જમા કરાવતા રહ્યા. આ અધિનિયમથી રાષ્ટ્રીય ગ્રંથાલયના સેન્ટ્રલ રેફરન્સ લાઇબ્રેરી વિભાગમાં બંધારણે માન્ય કરેલી ભાષાઓમાં પ્રકાશિત થતી વાચનસામગ્રીનો વિશાળ ગ્રંથસંગ્રહ ઊભો થયો. આ ગ્રંથસંગ્રહને આધારે રાષ્ટ્રીય ગ્રંથાલયના સેન્ટ્રલ રેફરન્સ લાઇબ્રેરી વિભાગે રાષ્ટ્રીય વાઙ્મયસૂચિનો પ્રથમ ત્રૈમાસિક અંક 1957માં પ્રકાશિત કર્યો. ત્યારપછી 1958થી 1962 દરમિયાન દર ત્રણ મહિને આ સૂચિ પ્રકાશિત થતી રહી અને વર્ષને અંતે સંકલિત વાર્ષિક સૂચિ પ્રકાશિત થવા લાગી.

રાષ્ટ્રીય વાઙ્મયસૂચિમાં નકશા, સંગીતરચનાઓ, સામયિકો અને વર્તમાનપત્રો (ફક્ત નવા પ્રકાશિત પહેલા અંક સિવાયનાં), ગાઇડ બુક, વેપારીઓનાં સૂચિપત્રકો, ટેલિફોન ડિરેક્ટરી, કંપનીના રિપૉર્ટો, અંદાજપત્રો, સસ્તી નવલકથાઓ અને પ્રચાર માટેનાં ચોપાનિયાંનો સમાવેશ કરવામાં આવતો નથી.

ઈ. સ. 1957થી 1972 સુધી આ સૂચિ સામાન્ય પ્રકાશનો અને સરકારી પ્રકાશનો – એમ બે અલગ વિભાગમાં એક જ ગ્રંથમાં પ્રકાશિત થતી હતી; પરંતુ 1973 પછી બન્ને વિભાગોમાં આ સૂચિ વર્ગીકૃત સૂચિ અને કર્તાસૂચિ, ગ્રંથનામસૂચિ અને વિષયસૂચિઓમાં વર્ણાનુક્રમે સંકલિત કરીને એક જ ગ્રંથમાં આપવામાં આવે છે.

રાષ્ટ્રીય વાઙ્મયસૂચિમાંના પ્રત્યેક સૂચિસંલેખમાં નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે : ડીડીસી વર્ગાંકની સાથે વિષયમથાળું, લેખકનું પૂરું નામ, જન્મવર્ષ, મૃત્યુસાલ (જો અવસાન પામ્યા હોય તો), ગ્રંથનામ, અનુવાદ, સંપાદક, ગૌણ કર્તા, આવૃત્તિ-ઉલ્લેખ પ્રકાશન-સ્થળ, પ્રકાશકનું નામ અને પ્રકાશનવર્ષ, પુસ્તકની પૃષ્ઠસંખ્યા, કદ, દૃષ્ટાંત, ચિત્રો વગેરે વિગતોનો અને ગ્રંથશ્રેણી જો હોય તો તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ગ્રંથ-બંધામણીનો પ્રકાર, પુસ્તકની કિંમત, ભાષા-પ્રતીક અને છેલ્લે કોલન ક્લાસિફિકેશન પ્રમાણે વર્ગાંક રજૂ કરવામાં આવે છે. વર્ગીકૃત વિભાગમાં વિશિષ્ટ વિષય-મથાળા હેઠળ કર્તાના કક્કાવારી-ક્રમે સંલેખ ગોઠવવામાં આવે છે. રાષ્ટ્રીય વાઙ્મયસૂચિના વર્ગીકૃત ભાગનો સરળતાથી ઉપયોગ થઈ શકે માટે કર્તાસૂચિ, ગ્રંથનામસૂચિ અને વિષયસૂચિ સાથે ડીડીસી વર્ગાંક આપવામાં આવે છે. સેન્ટ્રલ રેફરન્સ લાઇબ્રેરીએ 1992માં ભારતમાં પ્રકાશિત થયેલાં પુસ્તકોની સંકલિત યાદી 1999માં પ્રકાશિત કરી છે.

ચન્દ્રકાન્ત નટવરલાલ રાવલ