રાષ્ટ્રીય રમતોત્સવ : ભારતનો સૌથી જૂનો અને સૌથી મોટો રમતોત્સવ. 1924માં પૅરિસ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની નોંધણી કરીને તેને માન્યતા આપવામાં આવી હતી અને એ જ વર્ષે ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયો હતો. એ સમયે રાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ દર બે વર્ષે આ રમતોત્સવ યોજવાનો નિર્ણય લીધો હતો. 1927માં ભારતીય ઑલિમ્પિક સંઘ(ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન)ની સ્થાપના કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય રમતોત્સવ 1924થી ભારતનાં વિવિધ શહેરોમાં યોજાતો રહ્યો. 1924, 1926, 1928, 1930 અને 1932ના રાષ્ટ્રીય રમતોત્સવો યોજનારાં યજમાન-સ્થળોની ક્યાંયે નોંધ નથી !

1924માં સૌપ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયા બાદ, 1928માં ભારતે હોલૅન્ડ ઑલિમ્પિક્સમાં પ્રથમ વાર ભાગ લીધો હતો અને હૉકીની રમતમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.

1948માં લખનૌ ખાતે 13મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયા બાદ, 1951માં દિલ્હી ખાતે સૌપ્રથમ વાર યોજાનારા પ્રથમ એશિયાઈ રમતોત્સવની પૂર્વતૈયારીના કારણે, 4 વર્ષ બાદ, 14મો રાષ્ટ્રીય રમતોત્સવ ચેન્નાઈ ખાતે યોજાયો હતો.

1970માં કટક ખાતે 24મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયા બાદ, કેટલીક કુદરતી આફતો અને આપત્તિઓના કારણે 9 વર્ષ સુધી આ રમતોત્સવ મુલતવી રહ્યો હતો અને 1979માં હૈદરાબાદ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ તમામ 25 રાષ્ટ્રીય રમતોત્સવો ઑલિમ્પિક રમતોત્સવ કે એશિયાઈ રમતોત્સવના બંધારણ કે માળખા મુજબ યોજાયા ન હતા. એ રમતોત્સવો કેવળ વિવિધ મહાસંઘોની રાષ્ટ્રીય સ્પર્ધાઓ સ્વરૂપે જ યોજાયા હતા.

એટલે, 1982ના દિલ્હી એશિયાઈ રમતોત્સવ બાદ, તેને નવા સ્વરૂપે યોજવાનો નિર્ણય લેવાયો અને નવા માળખાથી સુસજ્જ, નવા સ્વરૂપનો પ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવ નવી દિલ્હી ખાતે 1985માં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સળંગ 26મો રાષ્ટ્રીય રમતોત્સવ હતો. ત્યારબાદ, 1987માં ત્રિવેન્દ્રમ્ ખાતે 27મો, 1994માં પુણે ખાતે 28મો, 1997માં બૅંગલોર ખાતે 29મો, 1999માં ઇમ્ફાલ ખાતે 30મો, 2001માં લુધિયાણા ખાતે 31મો અને 2002માં હૈદરાબાદ ખાતે 32મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાયો હતો.

આ રમતોત્સવમાં ઍથ્લેટિક્સ, બાસ્કેટબૉલ, વૉલી બૉલ, ફૂટબૉલ, સાઇક્લિગં, સ્વિમિંગ, હૅન્ડબૉલ, જૂડો, વેઇટલિફ્ટિંગ, શૂટિંગ, કુસ્તી, જિમ્નૅસ્ટિક્સ, સ્કેટિંગ, ટેક્વૉન્ડો, ફેન્સિંગ, ઘોડેસવારી જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. તેમાં પુરુષો અને મહિલાઓ  બંને ભાગ લેતાં હોય છે.

6ઠ્ઠા રાષ્ટ્રીય રમતોત્સવથી 2002 સુધીના રમતોત્સવોની તવારીખ આ મુજબ છે : (6) 1934 – નવી દિલ્હી, (7) 1936 – લાહોર, (8) 1938 – કોલકાતા, (9) 1940 – મુંબઈ, (10) 1942 – પતિયાળા, (11) 1944 – લાહોર, (12) 1946 – લાહોર, (13) 1948 – લખનૌ, (14) 1952 – ચેન્નાઈ, (15) 1953 – જબલપુર, (16) 1954 – દિલ્હી, (17) 1956 – પતિયાળા, (18) 1958 – કટક, (19) 1960 – નવી દિલ્હી, (20) 1962 – જબલપુર, (21) 1964  – કોલકાતા, (22) 1966 – બગલોર, (23) 1968 – ચેન્નાઈ, (24) 1970 – કટક, (25) 1979 – હૈદરાબાદ, (26) 1985 – નવી દિલ્હી, (27) 1987 – ત્રિવેન્દ્રમ્, (28) 1994 – પુણે, (29) 1997 – બૅંગલોર, (30) 1999 – ઇમ્ફાલ, (31) 2001 – લુધિયાણા અને (32) 2002 – હૈદરાબાદ.

જગદીશ બિનીવાલે