રાષ્ટ્રીય ભૂભૌતિક અનુસંધાન સંસ્થાન (National Geophysical Research Institute)

January, 2003

રાષ્ટ્રીય ભૂભૌતિક અનુસંધાન સંસ્થાન (National Geophysical Research Institute) : હૈદરાબાદ ખાતે આવેલી રાષ્ટ્રીય કક્ષાની વૈજ્ઞાનિક સંશોધન-સંસ્થા. આ પ્રયોગશાળા વૈજ્ઞાનિક-ઔદ્યોગિક સંશોધન કાર્યજૂથ – નવી દિલ્હીના વડપણ નીચે કાર્ય કરે છે. તે તેની ભૂભૌતિક અને ભૂરાસાયણિક પાંખો દ્વારા તજ્જ્ઞ ટુકડીઓને ક્ષેત્રકાર્ય માટે મોકલી રાષ્ટ્રીય કક્ષાનું ભૂભૌતિક સર્વેક્ષણ કરાવી તેના અભ્યાસ-અહેવાલો રસ ધરાવતી પેઢીઓને નિયત મૂલ્ય લઈ ઉપલબ્ધ કરી આપે છે.

તેના કાર્યક્ષેત્રમાં પોપડાના ખડકજથ્થાઓનું ગુરુત્વમાપન, વીજપ્રતિકારક્ષમતા તથા ચુંબકીય અસાધારણતાની જાણકારી મેળવવાનો સમાવેશ થાય છે. ભૂભૌતિક સર્વેક્ષણમાં મહદ્અંશે લોહ, સીસું, જસત, ક્રોમિયમ, તાંબું જેવી ધાતુઓના અયસ્કની જાણકારી મેળવવામાં આવે છે. ધાત્વિક જથ્થાઓની આકારણી માટે શારછિદ્રોમાં ગુરુત્વમાપનપદ્ધતિ દ્વારા સર્વેક્ષણ કરી સ્તરનોંધણી કરવામાં આવે છે. એ જ રીતે શારછિદ્રોમાં વીજતારો ઉતારીને સ્તરોની પ્રતિકાર-ક્ષમતાની નોંધ લેવાય છે.

આ પ્રયોગશાળા ઍટમિક ઍબ્સૉર્પ્શનમિટર, ડીટીએ, ઍક્સઆરએફ, ધાતુશોધન સૂક્ષ્મદર્શક, માલવન પાર્ટિકલ સાઇઝ ઍનલાઇઝર, ગૅલ્વેનૉમિટર, ભૂકંપમાપક વગેરે જેવાં સાધનોથી સજ્જ હોય છે.

આ પ્રયોગશાળા ભૂસ્તરશાસ્ત્રીઓ, સર્વેક્ષકો, ભૂકંપશાસ્ત્રીઓને તેમના કાર્યક્ષેત્રમાં આવતા કાર્ય માટે તાલીમી કાર્યક્રમોનું આયોજન કરીને તૈયાર કરે છે. ભૂકંપ જેવી કુદરતી હોનારત વખતે સ્તરભંગ, શિરાઓ, ફાટ, ભૂગર્ભજળસ્રોત વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કરી, ભૂકંપ થવાનાં કારણો, તેની તીવ્રતાનો આંક નક્કી કરી, વર્ગીકૃત ભૂકંપીય વિભાગોમાં રહેલી ચુંબકીય વિસંગતતા, તીવ્રતા, તરંગ-પ્રકાર, આંદોલનો વગેરેની માહિતી ઉપલબ્ધ કરે છે. ભૂકંપને પાત્ર વિસ્તારોમાં ભૂકંપમાપકની મદદથી મળતી આલેખનોંધ પરથી પોપડામાં ઉદભવતા ફેરફારો તથા કંપનના પ્રકારો અને તીવ્રતાના અહેવાલો તજ્જ્ઞો દ્વારા તૈયાર કરાવી બહાર પાડવામાં આવે છે.

આ પ્રયોગશાળાની ભૂતક્નીકી પાંખ, ભૂસ્તરીય સ્તરરચનાના ગેડવાળા, સ્તરભંગવાળા તથા ફાટોવાળા વિસ્તારોમાં થતા અસંતુલિત દાબના વિક્ષેપો માટે આધુનિક સાધનો દ્વારા ક્ષેત્રઅભ્યાસ કરે છે. ભૂકંપમાપકમાં ઉપલબ્ધ થતી આધારસામગ્રીને આધારે પોપડામાં થતા રહેતા ભૂકંપ-તરંગોની માહિતી મેળવાય છે. તેલ-વાયુ પંચ કે ખાનગી પેઢીઓ ગુરુત્વમાપન કે અન્ય સર્વેક્ષણો માટે આ પ્રયોગશાળાના નિષ્ણાતોની સેવા જરૂરી શુલ્ક ચૂકવીને મેળવી શકે છે.

જયંતી વિ. ભટ્ટ