રાષ્ટ્રકૂટ વંશ (ઈ. સ. 733-973) : આઠમીથી દસમી સદી દરમિયાન દખ્ખણમાં થયેલો પ્રભાવશાળી વંશ. રાષ્ટ્રકૂટ વંશના ઉત્તરકાલીન અભિલેખો પ્રમાણે તેમની ઉત્પત્તિ યદુમાંથી થઈ હતી અને તેમના પૂર્વજનું નામ રટ્ટ હતું. તેના પુત્ર રાષ્ટ્રકૂટે પોતાના નામ ઉપરથી આ કુળનું નામ રાખ્યું હતું. ડૉ. એ. એસ. આલ્તેકરના મતાનુસાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકના પ્રદેશો ઉપર રઠિક તથા મહારઠી કુળના લોકો સામંતો તરીકે વહીવટ કરતા હતા. તેઓ કન્નડ ભાષા તથા લિપિનો ઉપયોગ કરતા હતા. અશોકના દક્ષિણ ભારતમાં આવેલા શિલાલેખોમાં ‘રાદૃષ્ટિક’, ‘રાષ્ટ્રિક’, ‘રિદૃષ્ટિક’, ‘રટ્રિક’ કે ‘રઠિક’ આદિ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે રાષ્ટ્રકૂટ જાતિનો નિર્દેશ કરે છે. તેથી કહી શકાય કે આ જાતિનું રાજ્ય ઈ. પૂ. 272 અગાઉ પણ એ પ્રદેશમાં હતું અને એ લોકો મહત્વનું સ્થાન ધરાવતા હતા. ઈસવી સનની પાંચમી સદીમાં દખ્ખણમાં વિવિધ પ્રદેશોમાં અનેક રાષ્ટ્રકૂટ પરિવારો શાસન કરતા હતા. તેમાંના એક કુટુંબે એક પ્રભાવક રાજ્યની સ્થાપના કરી હતી. આ વંશનો પ્રથમ રાજા ઇંદ્ર પહેલો હતો એમ જાણવા મળે છે.
ઇંદ્ર પછી તેનો પુત્ર દંતિદુર્ગ (અથવા દંતિવર્મન) (ઈ. સ. 733 – આશરે 758) ગાદીએ બેઠો. તે મહત્વાકાંક્ષી, શૂરવીર તથા શાણો શાસક હતો. રાષ્ટ્રકૂટ વંશનો સાચો સ્થાપક તેને માનવામાં આવે છે. તેણે પૂર્વજોની જેમ ચાલુક્ય વંશના વિક્રમાદિત્ય બીજાના માંડલિક રાજા તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. આશરે 738માં તેણે નવસારી પાસે એક નિર્ણાયક લડાઈમાં અરબોને સખત પરાજય આપ્યો હતો. દંતિદુર્ગે ભરૂચ નજીક નાંદિપુરી(નાંદોદ)નું ગુર્જર રાજ્ય જીતીને તેના ભત્રીજા કર્કને ત્યાં રાજપાલ નીમ્યો. તેણે માળવા ઉપર હુમલો કરી, તેના પાટનગર ઉજ્જૈનમાં હિરણ્ય-ગર્ભદાન વિધિ કરીને પોતાની જીતની ઘોષણા કરી. તેણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગ પર પોતાની સત્તા સ્થાપી. વિક્રમાદિત્ય બીજાના અવસાન પછી ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાએ તેમના આ ખંડિયા રાજાની વધતી જતી સત્તાને પડકારી. ખાનદેશમાં બંનેનાં સૈન્યો વચ્ચેની લડાઈમાં દંતિદુર્ગનો વિજય થયો. ઈ. સ. 753 સુધીમાં તે દખ્ખણના મોટાભાગનો માલિક બની ગયો. તેણે ‘મહારાજાધિરાજ’, ‘પરમેશ્વર’, ‘પરમભટ્ટારક’ જેવા ખિતાબો ધારણ કર્યા હતા. દંતિદુર્ગને પુત્ર ન હોવાથી, તેના અવસાન બાદ તેના કાકા કૃષ્ણ પ્રથમે (758-733) ગાદી પચાવી પાડી. તેણે ઈ. સ. 760માં ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને હરાવી તેની સત્તા નષ્ટ કરી. ત્યારબાદ તેણે મૈસૂરના ગંગોને તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવી રાજ્યવિસ્તાર કર્યો. છેવટે રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યના સ્વામી બની ગયા. કૃષ્ણ પ્રથમે વિજયો મેળવીને રાષ્ટ્રકૂટ સત્તા સંગઠિત કરી. તેણે ઇલોરામાં એક ઘણી વિશાળ શિલા કોતરાવીને તેમાંથી કૈલાસ(શિવ)મંદિર બનાવડાવ્યું. આ અદભુત ગુફામંદિર ભારતનાં સ્થાપત્યોમાં સૌથી વધારે નોંધપાત્ર ગણાય છે. તેની આ મહાન સિદ્ધિથી તે અમર બની ગયો છે. તેણે ‘રાજાધિરાજ’, ‘પરમેશ્વર’, ‘શુભતુંગ’ અને ‘અકાલવર્ષ’ બિરુદો અપનાવ્યાં હતાં.
કૃષ્ણ પ્રથમનો મોટો પુત્ર ગોવિંદ બીજો (ઈ. સ. 773-780) વિલાસી અને નબળો હોવાથી તેનો ભાઈ ધ્રુવ (780-794) તેની પાસેથી રાજ્ય છીનવી લઈને ગાદીએ બેઠો. તેણે ગંગ રાજા શ્રીપુરુષ મત્તરસને હરાવ્યો તથા તેના દીકરા શિવકુમારને કેદ કર્યો. તેણે સમગ્ર ગંગવાડી પોતાના રાજ્યમાં જોડી દીધું. કાંચીના પલ્લવ રાજાએ હાથીઓની ભેટ મોકલીને તેની સાથે સંધિ કરી. વેંગીના રાજા વિષ્ણુવર્ધન ચોથાએ પણ તેની સાથે સમજૂતી કરી હતી. દક્ષિણ ભારતમાં વિજયો મેળવ્યા બાદ તેણે ઉત્તર ભારતમાં ગુર્જર પ્રતીહાર વત્સરાજને હરાવ્યો. ધ્રુવ તે પછી કનોજ તરફ આગળ વધ્યો અને ત્યાંના રાજા ઇંદ્રાયુધે તેનું આધિપત્ય સ્વીકાર્યું. ધ્રુવના શાસનનાં છેલ્લાં વર્ષોમાં રાષ્ટ્રકૂટોની સત્તા પરાકાષ્ઠાએ પહોંચી. તે સમયના ભારતના શક્તિશાળી રાજાઓને તેણે નમાવ્યા હતા. તેણે ‘નિરુપમ’, ‘કલિવલ્લભ’ અને ‘શ્રીવલ્લભ’ બિરુદો ધારણ કર્યાં હતાં.
ધ્રુવને અનેક પુત્રો હોવાથી, તેણે પોતાની હયાતીમાં સૌથી વધુ યોગ્ય એવા પુત્ર ગોવિંદને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમ્યો હતો. ગોવિંદ ત્રીજા(ઈ. સ. 794-814)ના મોટા ભાઈ સ્તંભે બાર રાજાઓનો સાથ મેળવી બળવો કર્યો; પરંતુ તેણે સ્તંભને હરાવી, તેના પ્રત્યે ઉદારતા દાખવી ગંગવાડીનો ઉપરાજ નીમ્યો. ગોવિંદ ત્રીજો દખ્ખણમાં સર્વોપરી રાજા બન્યો. તે પછી તેણે ઉત્તર ભારત તરફ પ્રયાણ કરી બુંદેલખંડના નાગભટ બીજાને હરાવી દોઆબનો પ્રદેશ કબજે કર્યો. કનોજના રાજા ચક્ર-યુધે તેનો સામનો કરવાને બદલે બિનશરતી શરણાગતિ સ્વીકારી. ગૌડ(બંગાળ)ના શાસક પાલવંશી ધર્મપાલે પણ ગોવિંદ ત્રીજાની સર્વોપરિતા સ્વીકારી. આ ઉપરાંત ઉત્તર ભારતના અનેક રાજાઓ પાસે ગોવિંદ ત્રીજાએ પોતાનું આધિપત્ય સ્વીકારાવી તેમને તેમનાં રાજ્યો પાછાં સોંપ્યાં. આમ હિમાલય સુધીના પ્રદેશ ઉપર તેણે પોતાની સર્વોપરિતા સ્થાપી. વેંગીના પૂર્વીય ચાલુક્ય રાજા વિજયાદિત્ય બીજાએ ગોવિંદ ત્રીજાની ગેરહાજરીનો લાભ લઈ રાષ્ટ્રકૂટોની સર્વોપરિતા ફગાવી દીધી. તેથી ગોવિંદ ત્રીજાએ તેને હરાવ્યો અને વિજયાદિત્યના ભાઈને ગાદી સોંપી.
દક્ષિણ ભારતના ગંગ, પલ્લવ, પાંડ્ય અને ચેર (કેરળ) રાજાઓએ સંઘ સ્થાપી ગોવિંદ ત્રીજાનો સામનો કર્યો. ગોવિંદે તેમને હરાવી પલ્લવોના પાટનગર કાંચી ઉપર પોતાની સત્તા સ્થાપી. સિંહલ(શ્રીલંકા)ના રાજાએ પણ ગોવિંદની અધીનતા સ્વીકારી હતી. તેણે પોતાનું શેષ જીવન રાજવહીવટ વ્યવસ્થિત કરવામાં વિતાવ્યું. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના સર્વ સમ્રાટોમાં વિશેષ શક્તિશાળી તથા સાહસ, નેતૃત્વ, શૂરવીરતા તથા મુત્સદ્દીગીરીમાં અદ્વિતીય હતો. રાષ્ટ્રકૂટ સામ્રાજ્યની પ્રતિષ્ઠા તેના સમયમાં પરાકાષ્ઠાએ પહોંચી હતી. તેણે ‘જગત્તુંગ’, ‘પ્રભૂતવર્ષ’, ‘શ્રીવલ્લભ’, ‘જનવલ્લભ’, ‘કીર્તિનારાયણ’ અને ‘ત્રિભુવનધવલ’ બિરુદો અપનાવ્યાં હતાં.
ગોવિંદ ત્રીજાનો પુત્ર શર્વ અમોઘવર્ષ નામ ધારણ કરીને (ઈ. સ. 814-878) ગાદીએ બેઠો, ત્યારે ચૌદ વર્ષનો હોવાથી તેના પિતરાઈ કર્કને રાજરક્ષક નીમવામાં આવ્યો હતો. ત્રણેક વર્ષ બાદ સામંતો અને રાજપુરુષોએ કાવતરાં કરવાથી અરાજકતા પ્રવર્તી. ઈ. સ. 818માં અમોઘવર્ષને પાટનગરમાંથી નાસી જવું પડ્યું. ઈ. સ. 821માં તેણે રાજ્યનું સુકાન સંભાળી લઈ પ્રાંતોમાં વ્યવસ્થા સ્થાપી. વેંગીના વિજયાદિત્ય બીજાએ તેનું રાજ્ય જીતી લીધું અને બળવો કર્યો. તેને અમોઘવર્ષે સખત હાર આપી (830). તે પછી તે રાજ્ય દસ વર્ષ રાષ્ટ્રકૂટોની સત્તા હેઠળ રહ્યું. અમોઘવર્ષના શાસનનાં શરૂઆતનાં વીસ વર્ષ ગંગો સાથે સતત લડાઈઓ થતી રહી. આખરે ગંગોએ પોતાના રાજ્યમાંથી રાષ્ટ્રકૂટોને હાંકી કાઢ્યા. તે પછી અમોઘવર્ષે ગંગ યુવરાજ બૂતુગ સાથે તેની પુત્રી ચંદ્રોબલબ્બેને પરણાવી અને બંને કુટુંબો વચ્ચે સુમેળ સધાયો.
તેના શાસનનાં પાછલાં વર્ષોમાં ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની શાખાએ બંડો કર્યાં. અમોઘવર્ષે માન્યખેટ (આંધ્રપ્રદેશનું વર્તમાન માલખેડ) નગર વસાવી ત્યાં પાટનગર રાખ્યું. અમોઘવર્ષમાં ધર્મ અને સાહિત્ય પ્રત્યે વધુ અનુરાગ હતો. છેલ્લા દોઢ દાયકામાં તે વધુ સમય ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિતાવતો અને શાસનની જવાબદારી યુવરાજ અને મંત્રીમંડળને સોંપી દીધી હતી. તે જૈન તથા બ્રાહ્મણ દેવોમાં આસ્થા રાખતો. તે સાહિત્ય અને કલાનો આશ્રયદાતા હતો. શાકટાયણ, મહાવીરાચાર્ય તથા જિનસેન જેવા પ્રતિષ્ઠિત હિંદુ તથા જૈન પંડિતો તેના દરબારનાં આભૂષણો હતાં. આ દરમિયાન શાકટાયણે ‘અમોઘવૃત્તિ’, મહાવીરાચાર્યે ‘ગણિતસારસંગ્રહ’ તથા જિનસેને ‘આદિપુરાણ’ જેવા ગ્રંથ લખ્યા હતા. અમોઘવર્ષે ‘કવિરાજ માર્ગ’ નામનો ગ્રંથ લખ્યો હતો. તે કન્નડ ભાષામાં કાવ્યશાસ્ત્ર વિશેની સૌથી જૂની રચના ગણાય છે. તેનાં બિરુદોમાં ‘નૃપતુંગ’, ‘મહારાજષંડ’, ‘વીરનારાયણ’, ‘અતિશયધવલ’ અને ‘લક્ષ્મીવલ્લભ’નો સમાવેશ થાય છે.
અમોઘવર્ષ પછી તેનો પુત્ર કૃષ્ણ બીજો (878-914) ગાદીએ બેઠો. તેણે ચેદિ રાજા કોકલ્લ પ્રથમની રાજકુમારી સાથે લગ્ન કર્યું હતું. તેને લડાઈઓમાં તેની પત્નીનાં સંબંધીઓ તરફથી નોંધપાત્ર મદદ મળી હતી. રાષ્ટ્રકૂટ વંશના કેટલાક શિલાલેખોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેણે ગુર્જરોને ભયભીત કર્યા, લાટના ગર્વનો નાશ કર્યો, ગૌડોને નમ્રતા શીખવી, કિનારાના લોકોને નિદ્રાહીન કર્યા, અને અંગ, કલિંગ, ગંગ તથા મગધના રાજાઓ તેના દ્વાર આગળ તેની આજ્ઞાઓનો અમલ કરવા ઊભા રહેતા હતા. આ લખાણમાં અતિશયોક્તિ લાગે છે; પરંતુ એટલું સ્પષ્ટ થાય છે કે તેનો વધુ સમય લડાઈઓમાં વીત્યો હતો. વેંગીના ચાલુક્ય રાજા વિજયાદિત્ય ત્રીજાએ તેના રાજ્ય ઉપર ચડાઈ કરી ત્યારે તેણે ખંડિયા રાજાઓની મદદ વડે તેને હરાવ્યો. તે પછી વિજયાદિત્યના વારસ ભીમને પણ કૃષ્ણ બીજાએ હરાવ્યો હતો. રાજસ્થાનના ગુર્જર પ્રતીહાર ભોજ પ્રથમે (મિહિર ભોજ) તેને હરાવ્યો તથા માળવા અને કાઠિયાવાડ જીતી લીધાં. ઈ. સ. 914માં તેનું અવસાન થયું. તેણે ‘અકાલવર્ષ’ અને ‘શુંભતુંગ’ બિરુદો ધારણ કર્યાં હતાં. કૃષ્ણ બીજા પછી તેનો પૌત્ર ઇન્દ્ર ત્રીજો (914-922) ગાદીએ બેઠો. તેણે ઉત્તર ભારત તરફ ગુર્જર પ્રતીહાર રાજા મહીપાલના રાજ્ય પર ચડાઈ કરી, તેને હરાવી નાસી જવાની ફરજ પાડી. વેંગીના ચાલુક્યો સાથેની લડાઈમાં તેણે વિજયાદિત્ય પાંચમાને હરાવ્યો અને મારી નાખ્યો. તેના પછી થયેલા અમોઘવર્ષ બીજો, ગોવિંદ ચોથો અને અમોઘવર્ષ ત્રીજો નબળા રાજાઓ હતા. અમોઘવર્ષ ત્રીજાના મહત્વાકાંક્ષી અને પ્રતાપી પુત્ર કૃષ્ણે યુવરાજપદ દરમિયાન ઉત્તર ભારત તરફ વિજયયાત્રા કરી અને કાલિંજર તથા ચિત્રકૂટના કિલ્લા જીતી લીધા. કૃષ્ણ ત્રીજા(939-967)એ ગાદીએ બેઠા પછી તેના બનેવી ગંગવાડીના રાજા બૂતુગની મદદથી ઈ. સ. 943માં દક્ષિણ ભારતમાં કાંચી અને તાંજોર જીતી લીધાં. તે પછી છ વરસે તક્કોલમ પાસેની લડાઈમાં ચોલોને હરાવી, રામેશ્વર સુધીના પ્રદેશો કબજે કરી વિજયસ્તંભ ઊભો કર્યો. તેણે વેંગીનું રાજ્ય પોતાની સર્વોપરિતા હેઠળ આણી પોતાને વફાદાર માંડલિક બાડપને 956માં ત્યાંની ગાદીએ બેસાડ્યો. તેણે ઈ. સ. 963માં ઉત્તર ભારત તરફ લશ્કર સહિત કૂચ કરી માળવાના પરમાર રાજા સીયક બીજાને હરાવી ઉજ્જૈન જીતી લીધું. તેણે પાંડ્ય તથા કેરળ રાજ્યોને પણ તેની સત્તા હેઠળ આણ્યાં. તે આ વંશનો છેલ્લો મહાન રાજા હતો. કૃષ્ણ ત્રીજો અપુત્ર હોવાથી તેનો ભાઈ ખોટ્ટિગ (967-972) ગાદીએ બેઠો. તે નબળો હોવાથી પરમાર રાજા સીયકે તેની રાજધાનીમાં લૂંટ કરી હતી. તેના પછી કર્ક્ક બીજો (972-973) ગાદીએ બેઠો. તેના સમયમાં અંધાધૂંધી પ્રવર્તી. તેના સામંત અને કલ્યાણીના ચાલુક્ય વંશના સ્થાપક તૈલપ બીજાએ બંડ કર્યું, કર્ક્ક બીજાને લડાઈમાં હરાવી નસાડી મૂક્યો. તે પછી રાષ્ટ્રકૂટ રાજ્યનો લોપ થયો.
રાષ્ટ્રકૂટોના સમયમાં દખ્ખણમાં હિંદુ ધર્મનો પ્રચાર હતો. દંતિદુર્ગના સમયમાં અનેક મંદિરો બંધાયાં હતાં. કૃષ્ણ પ્રથમે ઇલોરામાં કૈલાસ(શિવ)નું ગુફામંદિર એક જ શિલામાંથી કોરીને બનાવડાવેલું તે વિશ્વની અજાયબી સમાન છે. આ વંશના રાજાઓ જૈન ધર્મ પ્રત્યે પણ સહાનુભૂતિ રાખતા હતા. રાજાઓ તથા શ્રીમંતો શિક્ષણ માટે ઘણું દાન આપતા હતા. કાન્હેરીના બૌદ્ધ વિહારમાં એક પુસ્તકાલય હતું. ત્યાંના વિદ્યાલયમાં ભણવા માટે ઘણે દૂરથી વિદ્યાર્થીઓ આવતા. તેમના રહેઠાણ માટે 27 છાત્રાલયો હતાં. રાષ્ટ્રકૂટ રાજાઓ પંડિતો તથા કવિઓને આશ્રય આપતા. તેમણે અનેક ગ્રંથો લખ્યા હતા. જેમ જિનસેને ‘હરિવંશપુરાણ’ અને ‘પાર્શ્ર્વાભ્યુદયકાત્ય’, શાકટાયણે ‘અમોઘવૃત્તિ’ તેમ શ્રીધરે ‘ગણિતસાર’, કવિ પોન્ને ‘શાંતિપુરાણ’ તથા કવિ પમ્પે ‘પમ્પભારત’ની રચના કરી હતી. પોની, પમ્પ અને રન્ના કન્નડ ભાષાનાં ત્રણ કવિરત્નો હતાં.
રાષ્ટ્રકૂટોના શાસનમાં રાજા સર્વોપરી હતો. રાજાઓ બિરુદો ધારણ કરતા અને દરબારમાં ઠાઠ રાખતા. રાજ્યાધિકાર વંશપરંપરાગત અને ઘણુંખરું જ્યેષ્ઠ પુત્રને પ્રાપ્ત થતો. યુવરાજ સેનાપતિપદ સ્વીકારતો અને વહીવટમાં રાજાને સહાય કરતો. અન્ય કુંવરોને પ્રાંતોમાં રાજપાલ તરીકે નીમવામાં આવતા હતા. રાજકુમારીઓ પણ અગત્યના હોદ્દા ઉપર ફરજો બજાવતી; દા. ત., રાજા અમોઘવર્ષ પહેલાની કુંવરી ચંદ્રોબલબ્બેએ ઈ.સ. 837માં રાયપુર-દોઆબ ઉપર શાસન કર્યું હતું. રાજા ધ્રુવની રાણી શીલભટ્ટારિકા રાજ્યના કર્મચારીઓને જાતે આજ્ઞાઓ મોકલતી, રાજાની મંજૂરી વિના પોતે ભૂમિદાન કર્યું હતું તથા ‘પરમેશ્વરી’ અને ‘પરમભટ્ટારિકા’ બિરુદો ધારણ કર્યાં હતાં. રાષ્ટ્રકૂટોના ઉચ્ચ અધિકારીઓમાં મહાસાંધિવિગ્રહિક (વિદેશખાતાનો પ્રધાન) તથા ભાંડાગારિક(ખજાનચી)નો સમાવેશ થતો હતો. ગ્રામો તથા નગરોનો વહીવટ અલગ પ્રદેશોમાં અલગ પ્રકારનો હતો. રાજવહીવટમાં માંડલિકો(સામંતો)નો ફાળો મહત્વનો હતો.
જયકુમાર ર. શુક્લ