રાશિવૃત્ત પ્રકાશ : સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડાક સમયે ક્ષિતિજ આગળ દેખાતી ઝાંખા પ્રકાશની દીપ્તિ. જો આકાશ પ્રમાણમાં સ્વચ્છ અને શહેરી પ્રકાશથી મુક્ત હોય, તો, અંધારિયા આકાશમાં સૂર્યાસ્ત પછી આશરે એક કલાક બાદ થોડા સમય માટે પશ્ચિમ ક્ષિતિજથી ઉપરની તરફ વિસ્તરેલ એક ઝાંખા પ્રકાશિત ‘સ્તંભ’ જેવી રચના સર્જાતી જણાય છે. વહેલા પરોઢિયે, આકાશ હજી અંધારું હોય અને તારા ટમટમતા જણાતા હોય તેવા સમયે આવી જ રચના પૂર્વાકાશ તરફ સર્જાતી જણાય છે. ક્ષિતિજ પર જે બિંદુ નજીક સૂર્યાસ્ત કે સૂર્યોદય થતો જણાય તે બિંદુથી જ આ ‘સ્તંભ’ જેવી રચનાનો આરંભ થતો જણાય છે. આ ‘પ્રકાશસ્તંભ’ને ‘રાશિવૃત્ત પ્રકાશ’ (zodiacal light) કહે છે.
આ પ્રકારની રચના સર્જાવા પાછળનું કારણ ક્રાંતિતલ એટલે કે લંબવર્તુળાકાર સમતલ(ecliptic plane)માં રહેલા અસંખ્ય ધૂલીય રજકણો દ્વારા થતું સૂર્યપ્રકાશનું વિખેરણ છે. ક્રાંતિતલ એટલે સૂર્ય ફરતી પ્રદક્ષિણા કરતી પૃથ્વીની કક્ષાનું સમતલ. પૃથ્વી ઉપરથી જોતાં સૂર્ય હંમેશાં આ ક્રાંતિતલમાં જ આવેલો જણાય છે. પૃથ્વી ઉપરાંત પ્લૂટો સિવાયના અન્ય ગ્રહોની કક્ષાનાં સમતલ પણ લગભગ ક્રાંતિતલને સમાંતર જેવાં જ છે. (પ્લૂટોની કક્ષાનું સમતલ 17°નો ખૂણો બનાવે છે.) વળી ઘણી મોટી સંખ્યામાં લઘુગ્રહો (asteroids) જેવા પદાર્થો પણ લગભગ આ જ સમતલમાં સૂર્ય ફરતે ઘૂમી રહ્યા હોય છે, જે અવારનવાર પરસ્પર અથડાતા રહે છે. રકાબી આકારનાં પ્રારંભિક સૌરવાદળમાંથી સૌરમંડળની રચના થાય છે. તે વાદળનો વિસ્તાર આ જ સમતલમાંથી થાય છે. આવા કારણસર આ સમતલમાં મિલિમીટરના આશરે હજારમા ભાગ જેવા કદના સૂક્ષ્મ ધૂલીય રજકણો (silicate particals) ઘણી મોટી સંખ્યામાં હોય છે અને આવા રજકણો દ્વારા સૂર્યપ્રકાશનું થતું વિખેરણ આ ‘પ્રકાશી સ્તંભ’ જેવી રચના સર્જાવા પાછળનું કારણ છે. (અંધારા ઓરડામાંથી પસાર થતાં સૂર્યકિરણોના માર્ગમાં પ્રકાશના વિખેરણ દ્વારા ચમકી ઊઠતા ધૂળના રજકણો તો તમે નોંધ્યા હશે.)
એક વર્ષના સમયગાળે સૂર્ય ક્રાંતિતલના વિવિધ વિસ્તારમાંથી પસાર થાય છે અને આ કારણે આ ક્રાંતિતલ માર્ગ પર આવેલાં તારામંડળોને ‘રાશિ’ તરીકે ઓળખાવાયેલ છે. દર મહિને સૂર્યનું સ્થાન ક્રાંતિતલ ઉપર 30° જેટલું પૂર્વ તરફ સરકે છે. આમ ક્રાંતિતલના 30°ના જે બાર વિસ્તાર પડે તે થયું રાશિચક્ર એટલે કે zodiac. આમ રાશિચક્ર ક્રાંતિતલ પર જ આવેલ હોવાથી આ પ્રકાશી સ્તંભને ‘રાશિવૃત્ત પ્રકાશ’ (zodiacal light) એવું નામ અપાયું છે. આ ઘટના સર્જાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જોતાં તેને ‘ક્રાંતિતલ પ્રકાશ’ કહેવો વધારે યોગ્ય ગણાય.
સામાન્ય રીતે આ પ્રકાશનો સ્તંભ ક્ષિતિજ પરથી સીધો શિરોબિંદુ પર આવતો જણાતો નથી, પરંતુ ક્ષિતિજ સાથે સારો એવો નમેલો જણાય છે અને વર્ષના જુદા જુદા સમયે તેમજ પશ્ચિમ તથા પૂર્વાકાશમાં આ નમનખૂણો જુદા જુદો જણાય છે. આની પાછળનું કારણ એ છે કે, ક્રાંતિતલ ક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે છે તે જ ખૂણો આ રાશિવૃત્ત પ્રકાશનો સ્તંભ પણ બનાવે છે. ગુજરાતના અક્ષાંશ (~22° ઉ.) માટે વર્ષ દરમિયાન આ નમન વધુમાં વધુ ~45° જેટલું જણાય અને ઓછામાં ઓછું ~0° જેટલું થાય. સપ્ટેમ્બર માસમાં પરોઢિયે પૂર્વ ક્ષિતિજથી આ પ્રકાશસ્તંભ સીધો શિરોબિંદુ પર આવતો જણાય, જ્યારે માર્ચ માસમાં પશ્ચિમ આકાશમાં આ પ્રમાણે જણાય. આમ પ્રકાશસ્તંભને ઉત્તમ રીતે જોઈ શકાય છે. માર્ચ માસમાં પશ્ચિમ તરફ સંધ્યાસમયે અને સપ્ટેમ્બર માસમાં પૂર્વ તરફ પરોઢિયે. આથી વિરુદ્ધ સપ્ટેમ્બર માસમાં સંધ્યાસમયે અને માર્ચ માસમાં પરોઢિયે આ સ્તંભ 45° નમેલો જણાય છે.
ક્રાંતિતલના આ પ્રકાશનો ભૌતિકી અભ્યાસ, ક્રાંતિતલમાં રહેલા બારીક રજકણોના સ્વરૂપને સમજવા માટે ઘણો મહત્વનો છે. વળી, સૂર્યના પ્રભામંડળ(કિરીટમંડળ (Corona)નો બાહ્ય વિસ્તાર, જે F Corona તરીકે ઓળખાવાય છે, તે પણ આ રાશિવૃત્ત પ્રકાશનો સૂર્યની ઘણો નજીકનો વિસ્તાર જ ગણાય છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ