રાશિચક્ર (astronomical, ખગોલીય) :

January, 2003

રાશિચક્ર (astronomical, ખગોલીય) : પૃથ્વીની આસપાસ વર્તુળસ્વરૂપે દેખાતો તારાઓનો સમૂહ. બાર તારાસમૂહોનો પટ્ટો, જેમાં થઈને સૂર્યનો માર્ગ પસાર થાય છે. સૂર્ય ફરતે પૃથ્વીની કક્ષાના સમતલને ક્રાંતિતલ એટલે કે ecliptic plane કહેવાય છે અને આ ક્રાંતિતલ આકાશી ગોલકને જે વર્તુળાકારમાં છેદે તે ક્રાંતિવૃત્ત કહેવાય. જો પૃથ્વી પરથી તારાઓના સંદર્ભે સૂર્યનું સ્થાન ચકાસવામાં આવે તો વર્ષ દરમિયાન સૂર્યનું સ્થાન ક્રાંતિવૃત્ત ઉપર હરરોજ આશરે 1° જેટલું (360 o/365 ≈ 1o) પૂર્વ તરફ બદલાયેલું જણાય છે. (આ જ કારણસર તારાઓ સરેરાશ રોજ 4 મિનિટ વહેલા ઊગતા જણાય છે.) વર્ષ દરમિયાન સૂર્યનો તારાગણ સંદર્ભેનો વર્તુળાકાર માર્ગ તે ક્રાંતિવૃત્ત.

સૂર્ય અને ચંદ્રનાં રોજબરોજનાં સ્થાનનાં અવલોકનોના આધારે ભૂતકાળમાં પંચાંગ પ્રકારની કાલગણતરીનો આરંભ થયો. ચંદ્રના આશરે 30 દિવસના કાળચક્રને મહિનો ગણવામાં આવે છે. હવે સૂર્યનું સ્થાન ક્રાંતિવૃત્ત ઉપર 30 દિવસના ગાળે, ~ 30° જેટલું પૂર્વ તરફ બદલાયેલ જણાય છે. આ કારણે ક્રાંતિવૃત્તના 30° વ્યાપના 12 સરખા ભાગ કરાયા છે અને આ વિભાગો રાશિ અર્થાત્ zodiacal sign તરીકે ઓળખાય છે. વર્ષ દરમિયાન સૂર્ય દર મહિને એક રાશિ જેટલું સ્થાન વટાવે છે અને વર્ષને અંતે ક્રાંતિવૃત્ત પર તેનું ગતિચક્ર પૂરું કરે છે.

આ રાશિ અર્થાત્ zodiacal signનાં નામો મુખ્યત્વે તે સમયની દંતકથાઓને અનુરૂપ પ્રાણીઓનાં નામ પરથી અપાયેલાં છે, અને આ જ કારણસર તેમને zodiacal sign એવું નામ મળ્યું જણાય છે. (zodiacal શબ્દ zoo સાથે સંબંધ ધરાવે છે.) ભારતીય પદ્ધતિમાં તેમને માટે ‘રાશિ’ શબ્દ કેવી રીતે અપનાવાયો તે સ્પષ્ટ નથી; પરંતુ ભારતીય જ્યોતિષમાં રાશિ-પદ્ધતિ આશરે 1,500 વર્ષ પહેલાં, સિદ્ધાંત-જ્યોતિષના આરંભ-સમયે જ અપનાવાયેલ જણાય છે. આ પહેલાંના ભારતીય જ્યોતિષમાં નક્ષત્રોનો જ ઉલ્લેખ છે, રાશિનો નહિ. આમ ભારતીય મૂળની જ્યોતિષ-પદ્ધતિમાં ચંદ્રની તારાગણ સંદર્ભે જે સરેરાશ ~ 13° જેવી દૈનિક ગતિ છે, તેને આધારે ક્રાંતિવૃત્તના 27 વિભાગો સર્જાયા, જે 27 નક્ષત્રો તરીકે ઓળખાય છે.

રાશિચક્રની પદ્ધતિ, આશરે ઈ. સ. 450માં ગ્રીક અસર નીચે વરાહમિહિર દ્વારા અપનાવાયેલ જણાય છે, કારણ કે વરાહમિહિરે આપેલ રાશિનાં નામ હાલ મુજબનાં નથી, પરંતુ ગ્રીક મૂળનાં નામનાં અપભ્રંશ જણાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ‘Sagitarius’ માટે ગ્રીક શબ્દ ‘Tozeutes’ છે, જેનો અર્થ ‘ધનુર્ધર’ થાય. વરાહમિહિરે આને માટે ‘તૌક્ષિક’ શબ્દ વાપર્યો છે. ભારતીય રાશિચક્રમાં હવે આ રાશિ ‘ધનુ’ (કે ગુજરાતીમાં ધન) તરીકે ઓળખાય છે.

રાશિચક્રની શરૂઆત મેષ એટલે કે Ariesથી થાય. આ શરૂઆત વસંતસંપાત આધારિત છે. વસંતસંપાત (spring equinox) એટલે ક્રાંતિવૃત્ત ઉપરનું એ બિંદુ, જ્યાં ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત (celestial equator – પૃથ્વીના વિષુવવૃત્તના સમતલને આકાશમાં લંબાવતાં જે વર્તુળ સર્જાય તે વૃત્ત) પરસ્પર છેદે છે. આવાં બે બિંદુ સર્જાય છે : એક વસંતસંપાત અને બીજું શરદસંપાત બિંદુ. વસંતસંપાતના દિવસે ક્રાંતિવૃત્ત ઉપર સરકતો સૂર્ય વિષુવવૃત્તની ઉત્તર તરફ આવે છે. આ બિંદુને આરંભસ્થાન ગણીને તેની પૂર્વ તરફ ક્રમશ: 30°ના જે વિભાગો સર્જાય છે, તે અનુક્રમે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન – એમ 12 રાશિઓ ગણાય છે.

પૃથ્વીની ભ્રમણધરીની દિશા, તેની કક્ષાના સમતલ(ક્રાંતિતલ)ના લંબ સાથે 23.5° જેવા ખૂણે નમેલી છે. અને તે આ લંબની દિશા ફરતી 25,800 વર્ષના ગાળે ફરતી રહે છે. આ ગતિને ‘પુરસ્સરણ’ (precession) કહેવાય છે. આ પુરસ્સરણને કારણે વસંતસંપાત બિંદુ (તેમજ શરદસંપાત બિંદુ) ક્રાંતિવૃત્ત ઉપર દર 70 વર્ષે આશરે 1° જેટલું પશ્ચિમ તરફ સરકે છે. આ કારણથી આકાશમાં આ સંપાતબિંદુઓનાં સ્થાન તારાગણ સંદર્ભે ધીરે ધીરે બદલાતાં જાય છે. આ ઘટનાને કારણે સાયન અને નિરયન એમ બે પ્રકારની રાશિચક્ર પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. જો રાશિચક્રની શરૂઆત હંમેશાં વસંતસંપાતના સ્થાનેથી ગણવામાં આવે તો મેષ રાશિની શરૂઆત હંમેશાં આ બિંદુએથી જ ગણાય; પરંતુ સંપાતબિંદુ તારાગણના સંદર્ભે ખસતું રહે છે અને રાશિઓ સાથે સંબંધ ધરાવતાં તારામંડળો 200-300 વર્ષ જેવા ગાળે બદલાઈ જાય છે. આ પ્રકારના રાશિચક્રને સાયન રાશિચક્ર કહેવાય છે અને પાશ્ર્ચાત્ય પદ્ધતિના ફલજ્યોતિષમાં આ પદ્ધતિ વપરાય છે. પરંતુ જો વસંતસંપાત બિંદુને ચલિત થતું માનવામાં આવે અને ભૂતકાળમાં જે તારામંડળોના સંદર્ભમાં રાશિચક્ર ગોઠવાયું તેને અચળ લેખવામાં આવે તો એ રાશિચક્ર નિરયન રાશિચક્ર કહેવાય છે. ભારતીય ફલજ્યોતિષ પદ્ધતિમાં બહુધા આ પ્રકારનું રાશિચક્ર સ્વીકારાય છે.

પુરસ્સરણ (precession) ચક્ર 25,800 વર્ષનું છે. આમ આશરે 70 વર્ષે 1° જેવું ચલન થાય. ભૂતકાળમાં જે સમયે રાશિચક્ર નક્કી કરાયું ત્યારબાદ ક્રમશ: વસંતસંપાત બિંદુ અને નિરયન રાશિના મેષારંભ વચ્ચેનો તફાવત આ અનુસાર વધતો જાય છે. આ જ કારણથી મકરસંક્રાંતિ અને વાસ્તવિક ઉત્તરાયન તાલ ચૂકી ગયાં છે ! વાસ્તવિક ઉત્તરાયન એટલે કે જે બિંદુથી સૂર્ય ઉત્તર તરફ ખસવાનું શરૂ કરે, તે બિંદુ પર તો સૂર્ય 22 ડિસેંબરના રોજ આવે છે, જ્યારે હાલના તબક્કે સૂર્ય નિરયન મકરરાશિમાં 14 જાન્યુઆરીના દિવસે પ્રવેશે છે. ક્રાંતિવૃત્ત ઉપર સંપાતબિંદુ, તારાગણ સંદર્ભે પશ્ચિમ તરફ ખસે છે અને કોઈ પણ સમયે નિરયન મેષના આરંભબિંદુ અને વસંતસંપાત-બિંદુ વચ્ચેનો તફાવત તે તે સમયનો અયનાંશ કહેવાય છે. 2002ના વર્ષે એનું મૂલ્ય 24° જેટલું છે. ભૂતકાળમાં જ્યારે રાશિચક્ર નક્કી કરાયું ત્યારે તો નિરયન મેષ અને વસંતસંપાત એક જ સ્થાને હોવાં જોઈએ. આમ હાલના 24° અયનાંશને આધારે કહી શકાય કે આ રાશિચક્ર 1700 વર્ષ પૂર્વે નક્કી થયું હોવું જોઈએ.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ