રાવ, રજનીકાંત બલંતરપુ (જ. 1920) : તેલુગુ ભાષાના લેખક. કવિ પિતાના આ પુત્રે એક સફળ કવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ નામાંકિત સંગીતશાસ્ત્રી (musicologist) તથા સંગીતનિયોજક હતા. ‘શતપત્ર સુંદરી’ નામનો તેમનો ગીત-સંગ્રહ તથા ‘વિશ્વ-વીણા’ નામનો ઑપેરા-સંગ્રહ તેલુગુ સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવે છે. ‘આંધ્ર વાગ્ગેયકાર ચિત્રમુ’ (‘હિસ્ટરી ઑવ્ આંધ્ર મ્યૂઝિકૉલૉજિસ્ટ્સ’) (1958) એ આંધ્રના 200 જેટલા ગીતકારો તથા સ્વરકારો વિશેનો માહિતીપૂર્ણ બૃહદ્ ગ્રંથ છે. તેલુગુ ભાષામાં આ વિષયનો આ અત્યંત ચોકસાઈપૂર્વક તૈયાર થયેલો અધિકૃત ચરિત્રાત્મક ગ્રંથ લેખાય છે. આ કૃતિને 1961ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો.
તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો માટે સંખ્યાબંધ સંગીત-નાટકો લખ્યાં. મદ્રાસ ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા પછી ઉત્તરોત્તર બઢતી પામીને તેઓ તેના નિયામક બન્યા. તેમણે લખેલ સંગીતમય રેડિયો-રૂપક ‘ફ્રૉમ ધ માઉન્ટન ટુ ધ સી’માં ગોદાવરી જેવી મહાનદીના વહેણની દ્વીપકલ્પમાંની લાંબી વિકાસયાત્રાની કથા છે. આ કૃતિ બદલ તેમને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો હતો.
તેઓ તેલુગુ તથા સંસ્કૃતના વિદ્વાન હતા. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ તેમજ રાજ્ય સરકારના ઘણા ઍવૉર્ડ ઉપરાંત પ્રતિષ્ઠિત જાપાન રેડિયો પ્રાઇઝ પણ તેમને મળ્યું હતું. 1977માં ‘મેઘસંદેશમ્’ નામની સંસ્કૃત ઑપેરા બદલ તેમને આકાશવાણી ઍવૉર્ડ મળ્યો હતો. 1980માં આંધ્ર યુનિવર્સિટીએ તેમને ‘કલા પ્રપૂર્ણ’ નામની ડી.લિટ. કક્ષાની માનાર્હ ડિગ્રી આપી હતી.
મહેશ ચોકસી