રાવ, એસ. આર. (જ. 1922) : ભારતના જાણીતા પુરાતત્વવિદ. મૈસૂર યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું. 1947માં વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. 1948માં આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા. સિંધુ સંસ્કૃતિનાં લગભગ 50 સ્થળોની શોધનો યશ તેમને જાય છે. વિશેષ કરીને ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલની એમની શોધ નોંધપાત્ર છે. 1954માં તેમણે અહીં ખોદકામ કરાવ્યું હતું. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના અસ્તિત્વ વિશેની જાણ જગતને થઈ. કાંસ્યયુગીન સંસ્કૃતિ ધરાવતાં કેન્દ્રોમાં ગુજરાતમાં રંગપુર, લોથલ, ભગતરાવ અને મહારાષ્ટ્રમાં શસ્તેવાડી તથા થેઉરની શોધ કરી. પુરાતત્વના ક્ષેત્રમાં તેમને માત્ર કાંસ્યયુગમાં જ રસ ન હતો, નવ્ય પાષાણયુગમાં પણ એટલો જ રસ હતો. તેથી નવ્ય પાષાણયુગની સંસ્કૃતિના અવશેષો તેમણે કર્ણાટકમાં પૈયામ્પલ્લીમાંથી શોધી કાઢ્યા. અમરેલી (ગુજરાત), અઇહોળ (કર્ણાટક) અને કાવેરી પટ્ટીનામ-(તામિલનાડુ)માં ખોદકામ કરીને પ્રારંભિક ઐતિહાસિક કાળની સંસ્કૃતિની શોધ કરી. સ્થળોના ખોદકામ દ્વારા પ્રાપ્ત અવશેષોનો અભ્યાસ પુરાતત્વના વિષયમાં કરવામાં આવે છે; પરંતુ છેલ્લાં પંદરેક વર્ષથી ભારતમાં સામુદ્રિક અન્વેષણને પણ આ વિષયમાં સ્થાન આપવામાં આવ્યું છે. સામુદ્રિક પુરાતત્વ(marine archaeology)ના અન્વેષણનો પ્રથમ પ્રયોગ ભારતમાં કરવાનો યશ શ્રી રાવને જાય છે. 1984થી 1987 દરમિયાન તેમણે દ્વારકામાં સામુદ્રિક પુરાતત્ત્વીય અન્વેષણ કર્યું. સમુદ્રમાં 10 મીટર નીચેથી બે પ્રવેશદ્વારો, કિલ્લાની દીવાલ, બુરજ, જેટી વગેરે અવશેષો તેમને પ્રાપ્ત થયા. આ અવશેષો મહાભારતનો સમય નક્કી કરવામાં ઘણા ઉપયોગી થયા છે. અવશેષોને આધારે જાણવા મળ્યું કે દ્વારકાનું નિર્માણ ઈ. પૂ. પંદરમી સદીમાં એટલે કે આજથી 3,520 વર્ષ પહેલાં થયું હતું.
પુરાતત્વને કેન્દ્રમાં રાખીને તેમણે યુરોપ, યુ.એસ.એસ.આર., યુ.એ.આર. અને ઈરાનના પ્રવાસો કર્યા છે. પશ્ચિમ એશિયામાંથી સૌપ્રથમ વાર તેમણે પુરાતત્ત્વીય સામગ્રી શોધી. મૅગાલિથ અને કાંસ્યયુગીન પુરાતત્વની શોધ વિશે તેમણે લંડન, પૅરિસ, રોમ, મૉસ્કો અને લેનિનગ્રાડમાં અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં. તેમણે પુરાતત્વ વિશે અનેક શોધપત્રો અને ગ્રંથો લખ્યાં છે. ‘Excavation at Rangpur and Other Exploration in Gujarat’, ‘Amreli, A Kshatrapa Gupta Town’, ‘Lothal and the Indus Civilization’ અને ‘Marine Archaeology of Indian Ocean Countries’ (ed.) એ તેમના જાણીતા ગ્રંથો છે.
સિંધુ સંસ્કૃતિનાં કેન્દ્રોમાંથી પ્રાપ્ત 500થી વધુ મુદ્રાઓ(seals)નું લખાણ તેમણે ઉકેલ્યું છે. આ રીતે તેમણે સિંધુ લિપિ ઉકેલવાના પ્રયત્નો કર્યા છે. જાણીતા અભિલેખવિદ્ ડૉ. ડૅવિડ ડિરિન્જર (ફાઉન્ડર-ડિરેક્ટર, ધી આલ્ફાબેટ મ્યુઝિયમ, કેમ્બ્રિજ) રાવના આ પ્રયત્નો વિશે જણાવે છે કે ‘મારો ઢ નિર્ણય છે, કે એસ. આર. રાવે સિંધુ લિપિ ઉકેલી છે.’ રાવની લોથલની શોધની પ્રશંસા કરતાં સર મૉર્ટિમર વ્હીલર કહે છે કે ‘લોથલ અને સિંધુ સંસ્કૃતિ સમગ્ર વિશ્વની સંસ્કૃતિના અભ્યાસ માટે અનિવાર્ય પ્રદાન છે.’
થૉમસ પરમાર