રાવ, એ. આર. (જ. 23 સપ્ટેમ્બર 1908, જિ. સાલેમ, આંધ્રપ્રદેશ) :  ઉચ્ચ કક્ષાના ગણિતજ્ઞ. ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી બી.એસસી. અને મુંબઈની વિલ્સન કૉલેજમાંથી એમ.એસસી.નો અભ્યાસ કર્યા બાદ તેઓ 1933માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. આકસ્મિક રીતે જ ગુજરાતમાં આવેલા રાવે તેને કર્મભૂમિ બનાવી અને સવાયા ગુજરાતી બનીને ગુજરાતમાં તેઓ વસ્યા. સત્તાવીસ વર્ષની બહાઉદ્દીન કૉલેજની નોકરી બાદ તેમની બદલી અમદાવાદ ખાતે ગુજરાત કૉલેજમાં થઈ. 1964માં તેઓ ભાવનગરની સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં આચાર્ય તરીકે નિમાયા અને ત્યાંથી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. ત્યારબાદ પણ ગુજરાતની કૉલેજોને તેમની સેવાઓનો લાભ મળતો રહ્યો. છેલ્લા અઢી દાયકાથીયે વિશેષ સમયથી તેઓ અમદાવાદના વિક્રમ સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરનો ગણિત-વિભાગ સંભાળી રહ્યા છે.

એ. આર રાવ

પ્રા. એ. આર. રાવના ગણિતના પ્રદાનને પાંચ વિભાગમાં વહેંચી શકાય : શિક્ષણ, સંશોધન, પ્રાયોગિકીકરણ, કોયડાઓના ઉકેલ અને ગણિતને લોકભોગ્ય કરવાનું કાર્ય.

ગણિતના મુખ્ય પ્રવાહના વાતાવરણથી લાંબા સમય સુધી વેગળા રહ્યા છતાં પ્રા. રાવ તેમનો ગણિતનો રસ જાળવી શક્યા, એટલું જ નહિ, વિકસાવી શક્યા એ તેમની બહુ મોટી સિદ્ધિ છે. માત્ર ગુજરાતની જ નહિ, ભારતભરની યુનિવર્સિટીઓમાં જ્યારે હજુ જૂનું ગણિત જ શીખવાતું હતું ત્યારે પ્રા. રાવ આધુનિક ગણિતના ખ્યાલોથી પરિચિત હતા. પ્રા. રાવની પદ્ધતિ નિરાળી હતી. ગણિતની વિવિધ શાખાઓ વચ્ચે સંબંધ દર્શાવવો, ગણિતના (વિશેષ કરીને ભૂમિતિના) એક જ પરિણામની વિવિધ સાબિતીઓ આપવી. ગણિતનાં પરિણામોના વિજ્ઞાન અને વ્યવહારમાં ઉપયોગોનાં દૃષ્ટાંતો આપવાં અને ગણિતનું આંતરિક સૌંદર્ય પ્રગટ કરવું એ રાવના વર્ગશિક્ષણની વિશેષતાઓ હતી. પરિણામે પ્રા. રાવનાં વ્યાખ્યાનો શુષ્ક માહિતીનો ખડકલો બની ન રહેતાં વિદ્યાર્થીમાં જિજ્ઞાસાવૃત્તિ જગવતાં, તેની વિચારશક્તિને પડકારતાં જીવંત, પ્રેરણાદાયી અને મનનીય પ્રવચનો બની રહેતાં.

સંશોધન-ક્ષેત્રે પ્રક્ષેપ-ભૂમિતિ (projective geometry), સંખ્યા-શાસ્ત્ર (number theory) અને સંયોજન-શાસ્ત્ર (combinatrics) પ્રા. રાવના રસના વિષયો છે. પ્રા. રાવનું આ વિષયો પરનું પ્રભુત્વ અને તેમના ચિંતનની મૌલિકતા દાદ માંગી લે તેવાં છે. તેઓ જોકે એવી પેઢીના ગણિતજ્ઞ છે, જેને મન સર્જનની પ્રસિદ્ધિ કરતાં સર્જનના આનંદનું મૂલ્ય ઘણું વિશેષ છે; આમ છતાં ઉપર્યુક્ત શાખાઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સામયિકોમાં તેમનું સંશોધનકાર્ય સારા પ્રમાણમાં પ્રસિદ્ધ થયું છે.

ગાણિતિક પ્રયોગશાળા(mathematical laboratory)ની સંકલ્પના એ તેમનું ગણિત-શિક્ષણને આગવું પ્રદાન છે. તેમનું માનવું છે કે વર્ગમાંના ઔપચારિક અને સૈદ્ધાંતિક ગણિત-શિક્ષણને જો ગાણિતિક મૉડલો અને પ્રયોગો દ્વારા મૂર્ત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ગણિતના અમૂર્ત ખ્યાલો સમજવામાં સરળતા રહે. વિક્રમ સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં તેમણે ઘણાં મૉડલ અને ગાણિતિક સાધનો વિકસાવી ગાણિતિક પ્રયોગશાળાની પોતાની સંકલ્પનાને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.

અટપટા ગાણિતિક કોયડાઓ ઉકેલવાની તેમની સૂઝ અને શક્તિની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધ લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ગાણિતિક સ્પર્ધા(International Mathematical Olympiad)માં ભાગ લેનારા ભારતીય વિદ્યાર્થીઓ માટેના રાષ્ટ્રીય કક્ષાના તાલીમ-કાર્યક્રમમાં તેમની સેવાઓનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે. તેમના ઉકેલ ઘણી વાર હેરત પમાડે તેવા સુંદર હોય છે. તેઓ જટિલ કોયડાઓ ઉકેલવાની સાથે આહવાનરૂપ બને તેવા કોયડાઓ રચી પણ શકે છે.

પ્રા. રાવનાં લોકભોગ્ય વ્યાખ્યાનો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે છે. વ્યાખ્યાનો અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા ગણિતને સામાન્ય જન સુધી લઈ જવામાં તેમણે આપેલી સેવાઓની કદર રૂપે ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી તરફથી તેમને રાષ્ટ્રીય ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત ગણિત મંડળ, ઇન્ડિયન મૅથેમૅટિકલ ઍસોસિયેશનની દિલ્હી શાખા અને નૅશનલ બૉર્ડ ફૉર હાયર મૅથેમૅટિકસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પ્રા. રાવનું બહુમાન કરી તેમની સિદ્ધિઓ અને સેવાઓને બિરદાવેલ છે. ગુજરાત ગણિત મંડળે તેમનાં જીવન અને કાર્ય વિશે એક ફિલ્મ પણ તૈયાર કરેલ છે.

પ્રો. રાવ ચેસના કુશળ ખેલાડી છે, ખગોળવિદ્યાના અભ્યાસી છે અને સંગીતમાં રસ ધરાવે છે. અમદાવાદમાં પુત્રના પરિવાર સાથે રહેતા પ્રા. રાવ 95 વર્ષની વયે પણ ગણિતની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે.

મહાવીર વસાવડા