રાવેલ, મૉરિસ (જ. 7 માર્ચ 1875, ચિબુરે, ફ્રાંસ; અ. 28 ડિસેમ્બર 1937, પૅરિસ, ફ્રાંસ) : આધુનિક ફ્રેંચ સંગીતકાર. સ્વિસ પિતા અને સ્પૅનિશ માતાના પુત્ર મૉરિસની સંગીતપ્રતિભા બાળવયે જ ઝળકેલી. 14 વરસની ઉંમરે 1889માં પૅરિસ કૉન્સર્વેટરીમાં સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે તે આ વિદ્યાર્થી તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળમાં જ પોતાની કેટલીક ઉત્તમ કૃતિનું સ્વરનિયોજન કર્યું. ‘પૅવેન ફૉર અ ડેડ પ્રિન્સેસ’ (1899) અને ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ’ -આ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીકાળમાં જ તેમની સંગીતલક્ષી પુખ્તતા રાવેલે સિદ્ધ કરી. વક્રતા એ બની રહી કે કૉન્સર્વેટરીના પરીક્ષકોએ આ બે ચિરકાલીન ઉત્તમ કૃતિઓને વધુ પડતી વિકસિત (‘too advanced’) ગણીને રદ્બાતલ કરી રાવેલને 3 વરસ સુધી નાપાસ કર્યા ! આ બદનક્ષી જેવી ઘટના છાપાંમાં ચગડોળે ચઢી અને પ્રસિદ્ધ વિચારક, સાહિત્યકાર અને સંગીતકાર રોમાં રોલાંએ જાહેરમાં રાવેલનો પક્ષ લેવો પડ્યો. પરિણામે કૉન્સર્વેટરીના ડિરેક્ટર થિયૉડોર દુબોઈએ રાજીનામું આપવું પડ્યું અને પ્રસિદ્ધ સંગીત-નિયોજક ગ્રેબિયલ ફૉરે નવા ડિરેક્ટર નિમાયા અને તેમણે મૉરિસ રાવેલને પાસ કર્યા.
રાવેલ સંગીતક્ષેત્રે ક્રાંતિકારી નહોતા. સંગીતનાં પ્રણાલીગત માળખાંઓ સાથે ચેડાં કર્યાં વિના તેમણે ખૂબ જ મૌલિક કૃતિઓ રચી. તેમાં સૌથી વધુ બળૂકી તેમની પોતાની સ્વકીય પ્રતિભાની છાપ છે. યુરોપીય શાસ્ત્રીય સંગીતના દ્વિસ્તરીય સપ્તક (diatonic scale) પર નહિ, પરંતુ પ્રાચીન ગ્રીક ફ્રિજિયન અને ડૉરિક સ્વર-સપ્તકો પર રાવેલની સૂરાવલિઓ (melodies) આધારિત છે. રાવેલનો લયસંવાદ (harmony) ઘણો પ્રભાવક છે; કેટલાક સ્વરોનું નિર્વહણ થયા વિના જ (unresolved) રહી જાય છે. તેમની એકલ રચનાઓમાં પિયાનો માટેની ‘હ્યુ દુ’ (1901), ‘ગેસ્પા દ લા નુઈ’ (1908), ‘લ તોમ્બુ દ કુપેરિ’ (1917) અને બે પિયાનો-કૉન્સર્ટો (1931) સૌથી વધુ પ્રખ્યાત છે. આ ઉપરાંત વાદ્યવૃંદ માટેની કૃતિઓમાં ‘રહૅપસૉડી એસ્પાન્યોલા’ (1907) તથા સ્પૅનિશ રહૅપસૉડી (1928) ખૂબ જ લોકભોગ્ય બની.
વાદ્યવૃંદ માટેની શ્રેષ્ઠ કૃતિઓ રાવેલે રશિયન બૅલેના નિર્માતા સર્ગેઈ ડાયધીલેવ માટે લખી. બૅલે ‘ડફની એ શ્લા’ (1912) અને ઑપેરા ‘લ એન્ફા’ એલ સૉર્તિલેગા’ (1925) તથા ‘લ’ હાવુર એસ્પાન્યોલા’ (1911), આ ઉપરાંત રાવેલે પુષ્કળ ચેમ્બર સંગીત પણ સર્જેલું છે.
રાવેલ આજીવન અપરિણીત રહ્યા. તેઓ પસંદગીના થોડા મિત્રોની જ સોબત પસંદ કરતા. પૅરિસ નજીક રામ્બૂલીના જંગલમાં તે રહેતા. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં રણમોરચે ટ્રક-ડ્રાઇવરની સેવા આપવા જતાં તેમની નાજુક તબિયત લથડી અને 1917માં લશ્કરે તેમને મુક્તિ આપી.
1928માં અમેરિકા અને કૅનેડાનો 4 માસનો પ્રવાસ કર્યો; એ જ વર્ષે ઑક્સફર્ડે તેમને સંગીતના માનાર્હ ડૉક્ટરેટની ઉપાધિથી નવાજ્યા. આથી બ્રિટનનો પણ પ્રવાસ કર્યો.
રાવેલની જિંદગીનાં છેલ્લાં 5 વરસ કરુણ બની રહ્યાં. પક્ષાઘાતના હુમલાને કારણે તે કશું પણ સહી શકતા નહિ. પરંતુ દિમાગની સર્જનાત્મકતામાં સહેજેય ઓટ આવી નહોતી. તેથી દિમાગમાં સ્ફુરતાં નિતનવાં સર્જનો દુર્ભાગ્યે તે કાગળ પર ઉતારી દુનિયાને ભેટ આપી શક્યા નહિ.
અમિતાભ મડિયા