રાવી (નદી) : વાયવ્ય ભારત અને ઈશાન પાકિસ્તાનમાં આવેલી નદી. ‘પંજાબ’ નામના આધારરૂપ પાંચ નદીઓ પૈકીની એક. તે હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આવેલા હિમાલય-વિભાગમાંથી નીકળે છે અને વાયવ્ય તરફ ચમ્બામાં થઈને વહે છે. ત્યાંથી તે પશ્ચિમ તરફ જમ્મુ-કાશ્મીર સીમા પરથી પસાર થાય છે. તે પછીથી આ નદી ભારત-પાકિસ્તાનની સરહદ પર 80 કિમી. સુધી વહે છે, પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશે છે અને લાહોરના મોટાભાગને આવરી લઈને સારું એવું અંતર કાપી કમાલિયા નજીકથી તે પશ્ચિમ-તરફી વળાંક લે છે. 720 કિમી પ્રવાહપથ કાપ્યા પછી તે અહમદપુર સિયાલની દક્ષિણે ચિનાબને મળે છે.

રાવીનાં પાણી તેના સમગ્ર કાંઠાવિસ્તારમાં સિંચાઈના ઉપયોગમાં લેવાય છે. ઉપલી બારી દોઆબ નહેરનું મુખ્ય મથક ભારતના પંજાબ પ્રદેશના ઉત્તર છેડે આવેલા માધોપુર ખાતે આવેલું છે. તેનું કામ 1878-79માં પૂરું થયેલું; તે રાવીના પૂર્વ તરફના મોટા વિસ્તારને સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડે છે. આ મુખ્ય નહેરની શાખાઓ પાકિસ્તાનમાં પણ વિસ્તરેલી છે. 1960માં ભારત-પાકિસ્તાને કરાર કર્યા તે અગાઉ ઘણી તકરાર, ઘણા વિવાદ ચાલેલાં. નીચલી દોઆબ નહેર 1917માં પૂરી થયેલી છે; પરંતુ તે પૂરેપૂરી પાકિસ્તાનની હદમાં છે.

જાહ્નવી ભટ્ટ