રાવળ, શંકરપ્રસાદ છગનલાલ (જ. 26 જાન્યુઆરી 1887, વડોદરા; અ. 24 એપ્રિલ 1957) : ગુજરાતી સાહિત્યના સંશોધક, સંપાદક, ચરિત્રકાર. વડોદરાના વતની. કુટુંબનો ધંધો ખેતીનો. એમની 9 વર્ષની વયે પિતાનું અવસાન થયું અને કુટુંબના નિર્વાહનો ભાર માતા જડાવબાઈને માથે રહ્યો. 5 વર્ષની ઉંમરે વડોદરામાં ગુજરાતી નિશાળમાં 3 ધોરણો પૂરાં કરી આગળ અભ્યાસ કરવા બહેનને ત્યાં ભરૂચ ગયા. ત્યાં 1906માં મૅટ્રિક્યુલેશન અને સ્કૂલ-ફાઇનલની પરીક્ષાઓ પસાર કરી. નિર્વાહની વિકટ પરિસ્થિતિને કારણે 1908માં મુંબઈ જઈ રજિસ્ટ્રેશન ખાતામાં નોકરી તો લીધી, પણ અભ્યાસની ઉત્કંઠાએ નોકરી છોડી. એ જ વર્ષે વિલ્સન કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો. આમ છતાં કૌટુંબિક ચિંતાઓ અને સ્વાસ્થ્યની તકલીફને કારણે 1909માં ભરૂચ આવી ત્યાંની અંગ્રેજી શાળામાં શિક્ષક થયા. પછીથી તેઓ મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી નિવૃત્તિ પામી ફાર્બસ સાહિત્ય સભામાં સહમંત્રી અને ગ્રંથપાલ તરીકે સેવા આપતા રહ્યા. કનૈયાલાલ મુનશી (1887-1971) સ્થાપિત સાહિત્ય સંસદના તેઓ આરંભથી સભાસદ હતા.
શંકરપ્રસાદને બાળપણથી કવિતા તરફ અભિરુચિ અને ભરૂચમાં એમની રસવૃત્તિને પોષણ મળ્યું હતું. પાઠ્યપુસ્તક ઉપરાંત ઇતર વાચનનો અને મહાભારત, રામાયણ, ભાગવતની કથાઓ સાંભળવાનો શોખ હતો. તેઓ દલપતશાઈ કવિતાનાં જોડકણાં નાનપણથી જ કરતા. હાઈસ્કૂલમાં જતાં પિંગળ અને અન્ય વાચનથી પ્રેરાઈ કાવ્યો અને ટૂંકી વાર્તાઓ લખવાનો આરંભ કરેલો. પાછળથી એમણે ‘રસવિહાર’ અને ‘નવલિકાવિહાર’ નામે અનુક્રમે કાવ્યસંગ્રહ અને વાર્તાસંગ્રહ પ્રગટ કરવા ઇચ્છેલું. માણેકલાલ જગજીવનદાસ સુરતીની પ્રેરણાથી એમણે સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ વધારેલો. એમણે ભાષાંતર રૂપે અને સ્વતંત્રપણે ઘણાં કાવ્યો રચ્યાં હતાં. 1914માં એમણે અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથ(1728-1774)ના પ્રખ્યાત કાવ્ય ‘ડેઝર્ટેડ વિલેજ’(1770)નું ‘ભાંગેલું ગામ’ નામે ભાષાંતર પ્રગટ કર્યું હતું, જેમાં તેમણે ઓખાહરણનો ઢાળ અપનાવ્યો હતો.
કવિ દયારામ (1777-1852) વિશેનો એમનો અભ્યાસ ઊંચી કોટિનો હતો. એમની કૃતિઓમાં સૌથી મહત્વની કૃતિ ‘ભક્તકવિ શ્રી દયારામનું જીવનચરિત’ (1920) છે. એમાં એમણે ચરિત્રનાયકનું વ્યક્તિત્વ ઊંડા અભ્યાસ અને સહૃદયતાથી ઉપસાવ્યું છે. દયારામનાં જીવન અને કાર્યને વિવિધ પરિપ્રેક્ષ્યમાં જોઈને એમણે બિરદાવ્યાં છે અને દયારામની કેટલીક કૃતિઓનો વિગતે પરિચય આપ્યો છે. એમણે દયારામનાં રાસ-ગરબા-ગરબીઓનું સંપાદન ‘દયારામ રસસુધા’ (1943) નામે કર્યું છે. દયારામનાં પદો માટે એ પ્રતિનિધિરૂપ સંગ્રહ બની રહે છે. એમાં એમણે આપેલી વિસ્તૃત ભૂમિકા એમના અભ્યાસની સાક્ષીરૂપ છે. એમણે નરપતિકૃત ‘પંચદંડની વાર્તા’(1927)નું સંપાદન ફાર્બસ સાહિત્ય સભા પાસે રહેલી હસ્તપ્રતના આધારે કર્યું છે. માંડણકૃત ઉખાણાં‘પ્રબોધબત્રીસી’ અને શ્રીધરકૃત ‘રાવણ-મંદોદરી સંવાદ’ (1927) તથા મધુસૂદન વ્યાસ કૃત ‘હંસાવતી-વિક્રમ-ચરિત્રવિવાહ’ (1928) એમનાં અન્ય નોંધપાત્ર સંશોધનાત્મક સંપાદનો છે. એમની પ્રસ્તાવનાઓ વિદ્વત્તાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એમનાં આ બધાં સંપાદનોમાં સન્નિષ્ઠ અભ્યાસ અને વ્યાપક દૃષ્ટિ પ્રતીત થાય છે. ફાર્બસ ગુજરાતી સભાની હસ્તપ્રતોની નામાવલી પણ એમણે પરિશ્રમપૂર્વક તૈયાર કરી હતી. ‘ગુજરાતનો નાથ – અવલોકન અને ટીકા’ (1927) નામે સમીક્ષાત્મક અભ્યાસ પણ એમણે પ્રગટ કરેલો. સાહિત્ય પરિષદ માટે એમણે ‘આઠમી પરિષદનો અહેવાલ’, ‘નર્મદ શતાબ્દી ગ્રંથ’ અને ‘હૈમ સારસ્વતસત્ર’નાં સંપાદનોનું કાર્ય કર્યું હતું. આ ઉપરાંત એમણે કેટલાંક શાળોપયોગી ગદ્ય-પદ્ય સંગ્રહોનાં સંપાદનો કર્યાં છે, જેમાં ‘નિરૂપણિકા, ભા. 1, 2’ (1938), ‘સાહિત્યસૌરભ, ભા. 1થી 3’ (1940) ઉલ્લેખનીય છે.
મનોજ દરુ