રાવલ, હર્ષદા જનાર્દન

January, 2003

રાવલ, હર્ષદા જનાર્દન (જ. 15 ઑક્ટોબર 1941, અમદાવાદ) : ગુજરાતનાં પાર્શ્ર્વગાયિકા અને સુગમ સંગીતનાં અગ્રગણ્ય ગાયિકા. તેમણે દીવાન બલ્લુભાઈ શાળામાં તથા ગુજરાત કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ લીધેલું. તેઓ તત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. થયાં છે.

હર્ષદા જનાર્દન રાવલ

અભ્યાસકાળ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલમાં સુગમ સંગીત ગાયનમાં તેમણે સતત 4 વર્ષ સુધી પ્રથમ સ્થાન મેળવેલું. તેમણે તેમના સુમધુર કંઠ વડે ગુજરાતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલું છે. મંચ તથા મહેફિલમાં ગરબા મહોત્સવ, ફિલ્મી ગીતો, ગઝલ, ભજન અને લોકસંગીત વગેરે ક્ષેત્રે તેમની વિવિધ પ્રકારની સહજ અને મધુર ગાયકી વિશિષ્ટ રીતે પ્રભાવક નીવડી છે.

તેમણે ગુજરાતી ફિલ્મોમાં 100 ઉપરાંત ગીતો ગાઈને સુગમ સંગીતને સમૃદ્ધ કર્યું છે. ‘સંતુ રંગીલી’ (1977), ‘માબાપ’ (1978), ‘કાશીનો દીકરો’ (1980), ‘પ્રીતિ ખાંડાની ધાર’ (1983) જેવી ફિલ્મો માટેનાં શ્રેષ્ઠ પાર્શ્ર્વગાયિકા બદલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી 1992-93ના વર્ષનો ગૌરવ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે.

વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર, ઉદેપુરની કાર્યવાહક સમિતિનાં સભ્ય તરીકે ગુજરાત સરકાર દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી. વળી આકાશવાણી, અમદાવાદ-વડોદરાની સુગમ સંગીત માટેની સ્વરપરીક્ષા સમિતિ(audition committee)નાં સભ્ય તરીકે તેમણે સેવા આપી છે. સુગમ સંગીત સંસ્થા ‘શ્રુતિ’માં તેઓ અગ્રણી સભ્ય રહી ચૂક્યાં છે.

ગુજરાતના અગ્રગણ્ય ગાયક અને તેમના પતિ જનાર્દન રાવલ સાથે ભારતનાં મુખ્ય શહેરો તેમજ વિશ્વનાં લંડન આદિ મોટાં શહેરોમાં ભાવવાહી કંઠે લોકગીતો ગાઈને તેમણે ગુજરાતની સંગીત-પરંપરાને ગૌરવ અપાવ્યું છે.

ભક્તિસંગીત માટે તેમને વિશેષ અભિરુચિ છે. આ દંપતી થોડાં વર્ષોથી અધ્યાત્મરસ તરફ ઢળેલાં છે. ભજનો તેમનો જીવનરસ બની ગયો છે. ચિત્તની એકાગ્રતાથી તેઓ મધુર કંઠે ભજન ગાય છે.

સુગમ સંગીત ક્ષેત્રે તેમના મહત્વના પ્રદાન બદલ તેમનું ગુજરાતની જાણીતી સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે. 199899માં માહિતીખાતા તરફથી ‘સાસરિયું સ્વર્ગથી સોહામણું’ ફિલ્મનાં ઉત્તમ પાર્શ્ર્વગાયિકા તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

બળદેવભાઈ કનીજિયા