રાવ, વિજયરાઘવ (જ. 3 નવમ્બર 1925, ચેન્નાઈ) : વિખ્યાત વાંસળી-વાદક, નૃત્યકાર તથા નૃત્યનિર્દેશક. પિતાનું નામ રામારાવ તથા માતાનું નામ સુબ્બૈયમ્મા. આંધ્રપ્રદેશના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ આકર્ષાયા. સદભાગ્યે પરિવારમાં સંગીતનો માહોલ હતો, જેનો લાભ તેમને બાલ્યાવસ્થાથી જ મળતો રહ્યો હતો. 1946માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કરી. કૉલેજકાળ દરમિયાન પોતાની શિક્ષણ-સંસ્થામાં વાદ્યવૃંદના સંચાલક તથા કલાસંઘના મંત્રીપદે કામ કર્યું. 1943માં ચેન્નાઈની મુલાકાત દરમિયાન વિખ્યાત નૃત્યકાર ઉદયશંકર (1900-1977) તથા રુક્મિણીદેવી ઍરુન્ડેલના કાર્યક્રમો જોવાની તક મળી અને તેનાથી એટલા બધા પ્રભાવિત થયા કે વિજય રાઘવરાવે નૃત્યની તાલીમ લેવાનો નિર્ધાર કર્યો. પરિણામે પન્દનલ્લૂર ખાતે ‘કલાક્ષેત્ર’ નામક નૃત્ય-સંસ્થામાં ભરતનાટ્યમ્ નૃત્યની તાલીમ આપનાર દંપતી ચોક્કલિંગમ્ પિલ્લે તથા મીનાક્ષી પિલ્લેના શિષ્ય બન્યા. આ તાલીમ લગભગ અઢી વર્ષ સુધી ચાલી. ત્યારબાદ ભારતના જુદા જુદા પ્રદેશોની મુલાકાત લીધી અને તે દરમિયાન ભરતનાટ્યમનો પ્રચાર-પ્રસાર કર્યો. સમય જતાં તેઓ તારા ચૌધરી અને રામગોપાલ જેવા અગ્રણી નૃત્યકારોની મંડળીમાં દાખલ થયા. 1943માં આ જૂથ સાથે તેમણે લાહોરનો પ્રવાસ ખેડ્યો હતો જ્યાં તેમના જાહેર કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આકાશવાણી, દિલ્હીના સ્ટેશન-ડિરેક્ટરના આમંત્રણને માન આપી તેમણે નૃત્ય-મંડળી સાથે દિલ્હીની મુલાકાત લીધી અને ત્યાં પણ તેમના જાહેર કાર્યક્રમો આયોજિત થયા હતા. ગુલામ સાબિરખાં તથા રોશનબીબી જેવાં સંગીતજ્ઞો તેમના કાર્યક્રમોથી એટલાં બધાં પ્રભાવિત થયાં હતાં કે તેમની ભલામણથી 1946માં વિજય રાઘવરાવને આકાશવાણીના સંગીત-વિભાગના નિયમિત કલાકાર તરીકે નીમવામાં આવ્યા.

દિલ્હી ખાતેના તેમના રોકાણ દરમિયાન વિજય રાઘવરાવે સંગીતની સાધના પર વિશેષ ધ્યાન આપ્યું અને ટૂંક સમયમાં જ તેમણે એક પ્રથમ પંક્તિના વાંસળીવાદક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. આમ તેમના જીવનમાં ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેય કલાઓનો (ત્રિવેણી) સંગમ થયો, જે એક અનન્ય બાબત ગણાય. તેમણે ઉસ્તાદ હૈદરહુસેનખાં પાસેથી સિતારવાદનની તાલીમ તથા ઉસ્તાદ ગફ્ફાડારખાં પાસેથી શાસ્ત્રીય ગાયનની તાલીમ પ્રાપ્ત કરી હતી. થોડોક સમય તેમણે પંડિત રવિશંકર પાસેથી પણ તાલીમ લીધી હતી. દિલ્હી ખાતેના તેમના નિવાસ દરમિયાન તેઓ દિલ્હીની બે જાણીતી સંસ્થાઓ ‘સંગીત-ભારતી’ તથા ‘ત્રિવેણી કલાસંગમ’ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા હતા. તેમણે રવિશંકરની ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ જેવી પ્રખ્યાત નૃત્યનાટિકાઓમાં સંગીત-નિર્દેશન કર્યું હતું.

વિજય રાઘવરાવ તબલાં, મૃદંગ અને પિયાનોવાદનના પણ સારા કલાકાર ગણાય છે. આ બધું હોવા છતાં તેઓ વાંસળીવાદક તરીકે વધુ ખ્યાતિ ધરાવે છે.

1954માં ભારત સરકાર દ્વારા મોકલેલ ભારતીય સદભાવના મંડળના સભ્ય તરીકે સોવિયત સંઘ, ચેકોસ્લોવાકિયા તથા પોલૅન્ડ જેવા દેશોની મુલાકાત લીધી હતી. 1958માં તેઓ કાયમી વસવાટ માટે દિલ્હીથી મુંબઈ આવ્યા, જ્યાં ‘ફિલ્મ્સ ડિવિઝન’ના સંગીત-નિર્દેશક તરીકે તેમણે સેવાઓ આપવાની શરૂઆત કરી અને ત્યાંથી જ તેઓ નિવૃત્ત થયા છે. 1966માં તેમણે બીજી વાર સોવિયત સંઘ અને ચેકોસ્લોવાકિયાની મુલાકાત લીધી. આ પ્રવાસમાં તેમણે ઉપર્યુક્ત બે દેશો ઉપરાંત બલ્ગેરિયામાં પણ પોતાના કાર્યક્રમો આપ્યા અને અપાર લોકચાહના મેળવી.

1970માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે