રાવલપિંડી : રાજકીય વિભાગ : પાકિસ્તાનના ઈશાન ભાગમાં આવેલો રાજકીય એકમ. આ વિભાગમાં રાવલપિંડી, જેલમ, ગુજરાત અને અટક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીંથી પસાર થતી સૉલ્ટ રેન્જ (ગિરિમાળા) આ એકમને બે વિભાગોમાં વહેંચી નાખે છે : ગિરિમાળાની અગ્નિદિશા તરફ ગુજરાત(પાકિસ્તાન)નો વિસ્તાર તથા ઉત્તર તરફના થોડા ભાગને બાદ કરતાં બાકીના ત્રણ જિલ્લાનો સમાવેશ કરતો પોટવારનો ઉચ્ચપ્રદેશ. અહીંથી રેતીખડકો, ચૂનાખડકો, ચિરોડી, સિંધવ તેમજ કાચરેતીના જથ્થા મળે છે.

રાવલપિંડી

પ્રાચીન કાળમાં આ વિભાગ ગાંધાર તરીકે ઓળખાતો હતો. તેનો ઍકિમેનિડ ઈરાની સામ્રાજ્યમાં સમાવેશ થતો હતો. રાવલપિંડી શહેરથી વાયવ્યમાં આશરે 32 કિમી.ને અંતરે શાહડેરી નજીક પ્રાચીન વિદ્યાધામ તક્ષશિલા નગરના અવશેષો રહેલા હોવાનું ઓળખી શકાયું છે. રાવલપિંડીથી દક્ષિણે માનકિયાલ નામનો બૌદ્ધસ્તૂપ (ઈ. પૂ. ત્રીજી સદી) આવેલો છે. નવપાષાણ યુગ દરમિયાનનાં દફનસ્થળો તથા 1543માં મૃત્યુ પામેલા સુલતાન સારંગનો મકબરો રિવાત નજીક આવેલાં છે.

જિલ્લો : પંજાબ પ્રાંતનો જિલ્લો. વહીવટી વિભાગ. વિસ્તાર : આશરે 5,240 ચોકિમી. તે પાકિસ્તાનના રાવલપિંડી રાજકીય વિભાગમાં ઉત્તર તરફનો સમચોરસ વિસ્તાર આવરી લે છે.

જિલ્લાના ઈશાન ભાગમાં મરી ટેકરીઓ આવેલી છે, તે દક્ષિણ તરફ વિસ્તરેલી છે; પૂર્વભાગમાં કાહુટા ટેકરીઓ આવેલી છે. પહાડી પ્રદેશના ઊંચાણવાળા ભાગો ગાઢાં જંગલોથી તથા નીચાણવાળા ભાગો ઑલિવ તેમજ અન્ય છૂટાંછવાયાં વૃક્ષોથી છવાયેલા છે. જિલ્લાની નૈર્ઋત્ય તરફ પોટવારનો ઉચ્ચપ્રદેશ છે. તે વેગીલી ઘણી નદીઓથી છેદાયેલો છે. જિલ્લાના ઉત્તરભાગમાં સોઆન નદી, દક્ષિણમાં કાંશી નદી તથા પૂર્વ તરફ ભેખડો વચ્ચેથી જેલમ નદી પસાર થાય છે. પહાડી પ્રદેશની આ નદીઓ સિંચાઈ માટે ઉપયોગી નથી. મોટાભાગની ખેતીનો આધાર વરસાદ પર રહે છે. અહીં શિયાળા–ઉનાળાની બંને ઋતુઓ દરમિયાન વરસાદ પડે છે.

જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, મકાઈ અને બાજરીનો સમાવેશ થાય છે. ઇસ્લામાબાદની સીમા નજીક કુરંગ નદી પર 1961–62માં રાવલ બંધનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના જળાશયમાંથી રાવલપિંડી અને ઇસ્લામાબાદ શહેરોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત તેમાંથી જળપુરવઠા મુજબ 4,000થી 5,000 હેક્ટર જમીનને તથા નજીકના અન્ય બંધોમાંથી 60,000 હેક્ટર જમીનને સિંચાઈ અપાય છે.

શહેર : પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું શહેર તથા જૂનું (1959થી 1969ના સમયગાળા માટેનું) પાટનગર. ભૌગોલિક સ્થાન : 33° 40´ ઉ. અ. અને 73° 08´ પૂ. રે.. તે મહત્વનું શહેર હોવા ઉપરાંત જિલ્લામથક તેમજ વિભાગીય મથક પણ છે. આ શહેર આજના પાટનગર ઇસ્લામાબાદથી અગ્નિ તરફ 14 કિમી.ને અંતરે, લાહોરથી વાયવ્યમાં 290 કિમી.ને અંતરે, પોટવારના ઉચ્ચપ્રદેશ પર 530 મીટરની ઊંચાઈએ, લેહ નદીને ઉત્તર કાંઠે આવેલું છે.

આબોહવા : અહીંની આબોહવા વિષમ રહે છે. ઋતુભેદે તાપમાનનો ગાળો વિશેષ જોવા મળે છે. ઉનાળાનું તાપમાન 48° સે., જ્યારે શિયાળાનું તાપમાન 0° સે. કરતાં પણ ઓછું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 910 મિમી. જેટલો પડે છે.

અહીંથી પસાર થતું લેહનાળું આ શહેરને તેના લશ્કરી છાવણીના વિભાગથી અલગ પાડે છે. મરી-માર્ગ પર જોડિયું શહેર પણ બાંધવામાં આવ્યું છે. કાશ્મીર તરફ જવાનો માર્ગ અહીંથી શરૂ થતો હોવાથી તથા લાહોર અને પેશાવર સાથે તે ગ્રાન્ડ ટ્રન્ક રોડથી, રેલમાર્ગથી તેમજ હવાઈ માર્ગથી સંકળાયેલું હોવાથી, તથા કરાંચી સાથે પણ તે રેલમાર્ગ અને હવાઈ માર્ગથી જોડાયેલું હોવાથી તેનું વાણિજ્ય, ઔદ્યોગિક અને વ્યૂહાત્મક મથક તરીકે વિશિષ્ટ મહત્વ છે. વર્તમાન સમયમાં તેને અદ્યતન બનાવવામાં આવ્યું છે.

આ શહેરમાં આવેલા ઉદ્યોગોમાં રેલએન્જિનો, ખનિજતેલ-રિફાઇનરી, લાટીઓ, લોહભઠ્ઠીઓ, પીણાંના એકમો, પરિવહન-સાધનસામગ્રીના એકમો, સુતરાઉ અને હોઝિયરીની મિલો, ગરમ કાપડના એકમો; પગરખાં અને ચામડાની ચીજવસ્તુઓ, માટીનાં પાત્રો, છાપાંના કાગળો અને તંબુઓ બનાવવાના એકમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં ખાદ્યતેલ, વનસ્પતિ ઘી, ઔષધિઓ તથા ગૃહવપરાશ માટેનાં વીજળીનાં સાધનોના એકમો પણ છે. ગૃહઉદ્યોગોમાં કાલીન, રાચરચીલું તેમજ રબરનાં સાધનોનો પણ સમાવેશ થાય છે. અહીંથી કાપડ, ઊન, હાડકાં અને બટાટાની નિકાસ થાય છે.

આ શહેરમાં દર વર્ષે એપ્રિલ માસમાં અશ્વમેળો ભરાય છે. ઘોડા અને ઘેટાંનો અહીં વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવે છે. શહેરમાં અયૂબ નૅશનલ પાર્ક, લિયાકત બાગ, પૉલિટૅકનિક, પોલીસ તાલીમીશાળા, તબીબી કૉલેજ તથા પંજાબ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો આવેલી છે. તે લશ્કરનું વડું મથક પણ છે, જે લશ્કરી છાવણીનો ઘણો મોટો વિસ્તાર આવરી લે છે. અહીંની સૂકી આબોહવાને કારણે સ્વાસ્થ્યકેન્દ્ર તરીકે તેને વિકસાવાયું છે. જિલ્લાનું મરી સ્થળ હવા ખાવાનું ઉત્તમ મથક ગણાય છે. વસ્તી : 14,06,214 (2000).

ઇતિહાસ : રાવલપિંડી એ મૂળ રાવલો(યોગી અથવા તપસ્વી)નાં જૂથોથી વસેલું ગામ હતું. પૂર્વ ખ્રિસ્તીયુગની ભટ્ટી જાતિના સમુદાયના પાટનગર ગાજીપુર (અથવા ગઝનીપુર) સાથે સંકળાયેલા, લશ્કરી છાવણીના કેટલાક અવશેષો આ સ્થળ પરથી મળી આવ્યા છે; એટલું જ નહિ, તે ઓળખી પણ શકાયા છે.

1008માં મહંમદ ગઝનવીએ હિન્દુઓ પાસેથી તે જીતી લીધેલું. ચૌદમી સદીમાં આ પાટનગરનો મૉંગોલ આક્રમણમાં નાશ થયેલો, પરંતુ પછીથી ગખ્ખરના સરદાર ઝંડાખાને (ગખ્ખર શાહે) તે ફરીથી વસાવેલું. તેણે તેને રાવલપિંડી નામ આપ્યું હોવાનું કહેવાય છે. તેના વારસોએ અહીં આશરે 600–700 વર્ષ સુધી શાસન કરેલું. 1765માં શીખ સાહસિક મિલ્કાસિંઘે તેનો કબજો મેળવેલો. ત્યારબાદ તે ઝડપથી વિકસ્યું છે. તેણે તે વખતે જેલમ અને શાહપુર જિલ્લાઓના લોકોને આ શહેરમાં બોલાવીને વસાવેલા. 1849 સુધી અહીં શીખોનું વર્ચસ્ રહેલું. 1849માં આ શહેરને ત્યાંના પ્રાંતમાં ભેળવી દેવામાં આવેલું. તે પછી અંગ્રેજોના પ્રભુત્વ હેઠળ તે ઉત્તર ભારતનું સૌથી મોટું લશ્કરી મથક બની રહેલું. 1947થી 1960 સુધી તે પાકિસ્તાનનું લશ્કરી મથક રહેલું. 1959થી 1969 સુધી તેને પાકિસ્તાનનું હંગામી પાટનગર બનાવાયેલું.

ગિરીશભાઈ પંડ્યા, નીતિન કોઠારી