રાવલ, પરેશ (જ. 30 મે 1955, મુંબઈ) : વિલન અને હાસ્ય એમ બેવડી અદાકારી માટે જાણીતા અભિનેતા.
હિન્દી ફિલ્મોક્ષેત્રે ગુજરાતી અદાકારોનો હંમેશાં પ્રભાવ રહ્યો છે. પરેશ રાવલ પણ એમાંના એક એવા અભિનેતા છે જેનો પ્રભાવ અનેરો છે. પરેશ રાવલનો જન્મ મુંબઈમાં થયેલો અને એમણે પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં લીધું તથા મુંબઈની નરસી મોનજી કૉલેજ ઑવ્ કૉમર્સ અને ઇકૉનૉમિક્સમાંથી સ્નાતક થયા. કૉલેજના સમયથી તેઓ નાટકોમાં અભિનય કરતા હતા. એમની સૌથી પહેલી ફિલ્મ 1982માં ગુજરાતી ‘નસીબની બલિહારી’. આ પછી એમણે હિન્દી ફિલ્મમાં 1984માં ‘હોલી’ ફિલ્મથી પદાર્પણ કર્યું. આ પછી એમની અભિનયની યાત્રા વણથંભી ચાલી રહી છે. અત્યાર સુધીમાં એમણે લગભગ 240થી વધુ ફિલ્મોમાં અભિનય કરેલો છે. જેમાં હિન્દી ઉપરાંત કેટલીક તેલુગુ, તમિલ અને ગુજરાતી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.
કેતન મહેતાદિગ્દર્શિત ફિલ્મ ‘સરદાર’માં પરેશ રાવલે સરદાર વલ્લભભાઈ પટેલનો રોલ કરેલો જેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. એમને 1984માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર (નૅશનલ ઍવૉર્ડ) મળેલો તથા એ જ વર્ષે ફિલ્મફેર ઍવૉર્ડ પણ મળેલો છે. એમને કૉમેડિયન, વિલન અને ચરિત્ર અભિનેતાનાં પાત્રો માટેનાં પારિતોષિકોનાં અનેક નૉમિનેશન મળેલાં છે. 2014માં એમને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવેલા છે. સપ્ટેમ્બર, 2020માં એમને નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના નિયામક (ચૅરપર્સન) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પરેશ રાવલે રાજકારણમાં ઝંપલાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમદાવાદથી ચૂંટણી જીતીને લોકસભાના સભ્ય તરીકે 26 મે, 2014થી 23 મે, 2019ના વર્ષમાં કામ કર્યું છે.
1987માં પરેશ રાવલે તે સમયની પ્રસિદ્ધ અભિનેત્રી અને ફેમીના મિસ ઇન્ડિયા સ્વરૂપ સંપટ જોડે લગ્ન કરેલાં છે. તેમને બે પુત્રો છે.
અભિજિત વ્યાસ