રાળ (resin) : ખાસ કરીને કેટલીક ઈજાગ્રસ્ત વનસ્પતિઓ દ્વારા થતો ગુંદર જેવો ચીકણો પ્રવાહીમય સ્રાવ. તે મુખ્યત્વે વધારે ઊંચો અણુભાર ધરાવતાં બહુલકિત (polymerized) ઍસિડો, ઍસ્ટરો અને ટર્પેનૉઇડ સંયોજનોનું મિશ્રણ છે. તે પાણીમાં અદ્રાવ્ય અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. હવાના સંપર્કમાં આવતાં બાષ્પશીલ ઘટકો ઊડી જાય છે, અને ઈજાગ્રસ્ત વિસ્તારને રક્ષણ આપતો અર્ઘઘટ્ટ કે ઘટ્ટ અવશેષ ગાંગડા સ્વરૂપે રહી જાય છે. અશુદ્ધિઓના પ્રમાણને અનુરૂપ તેના રંગમાં ફેરફાર જોવા મળે છે. શુદ્ધ રાળ લગભગ પારદર્શક હોય છે; જ્યારે અશુદ્ધ રાળ અપારદર્શક. શંકુદ્રુમ (conifer) અને શિંબી (legume) વનસ્પતિઓના જ્વલનશીલ (flammable) અને અસ્ફટિકી (amorphous) સ્રાવના વર્ગને ‘વાસ્તવિક’ રાળ ગણવામાં આવે છે; જેમાં કાઉરી (Agathis australis, શંકુદ્રુમ જાતિ), કોપાલ, ડામર, મૅસ્ટિક (Pistacia lentiscus), ગ્વાએકમ (Guaiacum officinale), જેલેપ, કોલોફોની, શલ્ક લાખ (shellac) અને અન્ય ઓછા જાણીતા પદાર્થોનો સમાવેશ થાય છે. બર્સેરેસી કુળની કેટલીક વનસ્પતિઓ દ્વારા થતા સ્રાવોને ગુંદર-રાળ (gumresin) કહે છે. તેઓ પાણીથી ફૂલે છે. ગુંદર-રાળમાં ગૂગળ (Commiphora mukul) અને ઓલીબેનમનો સમાવેશ થાય છે. અમેરિકી ઔષધકોશ (pharmacopeia) અનુસાર બેન્ઝૉઇન, ગ્વાએક, મૅસ્ટિક વગેરે અધિકૃત (official) રાળ છે. કોપાલ, ડામર, ડ્રૅગન બ્લડ (Daemonorops draco નામના તાડના ફળમાંથી પ્રાપ્ત થતો રાતો સ્રાવ), ઇલેટેરિયમ (Ecballium elateriumનો રસ), લાખ અને સૅન્ડેરેક [Callitris quadrivalvis (શંકુદ્રુમ જાતિ), સુગંધિત રાળ] અન્ય નૈસર્ગિક રાળ છે. નૈસર્ગિક વાનસ્પતિક રાળ મોટેભાગે પૉલિટર્પીનો અને તેમના ઍસિડવ્યુત્પન્નો છે; જેમનો ઉપયોગ મદ્યાર્ક, આસંજકો (adhesives), રોગાન (varnish) અને શાહી બનાવવામાં થાય છે.
સફેદ ડામર [Vateria indica Linn. (સં. અજકર્ણ, સર્જક; મ. રાળ; હિં. બં. સફેદ ડામર; અં. વ્હાઇટ ડામર, પાઇની વાર્નિશ ટ્રી, ઇંડિયન કોપાલ-ટ્રી)] વિશાળ, સદાહરિત, 30 મી. ઊંચું વૃક્ષ છે. તેનું થડ 15 મી. જેટલું ઊંચું અને ઘેરાવો લગભગ 4.5 મી. હોય છે. તે દક્ષિણ ભારતમાં પશ્ચિમ દરિયાકિનારે અને ઉચ્ચ પ્રદેશમાં થાય છે. ઈશાન અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં થતું રાળ(Shorea robusta Gaertn. f. (હિં. બં. સાલ; મ. ગુ. રાળ; તે. ગૂગલ)]નું વૃક્ષ મોટું અને ઉપપર્ણપાતી (sub-deciduous) હોય છે. સફેદ ડામરને બાળવાથી સ્વચ્છ પ્રકાશ પડે છે, સુગંધ આવે છે અને ધુમાડો થતો નથી, જ્યારે રાળને બાળવાથી સુગંધ અને બહુ જ ધુમાડો ઉત્પન્ન થાય છે. દક્ષિણ ભારતમાં થતી સદાહરિત વૃક્ષજાતિઓ (Hopea odorata Roxb. અને Canarium strictum Roxb.) દ્વારા સ્રવતી રાળને અનુક્રમે રૉક ડામર અને કાળો ડામર કહે છે. ઉત્તર ભારતમાં હિમાલય પર્વતમાળામાં, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશનાં વનોમાં ‘ચીડ’ કે ‘ચીલ’ (Pinus roxburghii Sarg. syn. P. longifolia Roxb.) તરીકે ઓળખાતાં શંકુદ્રુમ વૃક્ષોની છાલને છેદતાં રાળનો સ્રાવ થાય છે. તેને ગરમ કરતાં તેમાંથી ટર્પેન્ટાઇન ઊડી જાય છે અને રોઝીન કે રાજન બાકી રહે છે.
વ્યાપારિક દૃષ્ટિએ પાઇની રાળ, સફેદ ડામર કે ધૂપ ઘણી અગત્ય ધરાવે છે. આ વૃક્ષના પ્રકાંડ ઉપર ત્વક્ષૈધા(cork cambium)થી શરૂ કરી રસકાષ્ઠ (sapwood) સુધી અર્ધવર્તુળાકાર કાપ મૂકી નિષ્કાસ (tapping) કરવામાં આવે છે. વૃક્ષને નુકસાન ન પહોંચે તેટલા અંતરે આ કાપ મૂકવામાં આવે છે. 3થી 4 દિવસમાં રાળનો સ્રાવ શરૂ થાય છે અને 60થી 90 દિવસ સુધી ચાલુ રહે છે. વૃક્ષના નીચેના ભાગે ફરતે અગ્નિ પેટાવી શેકવાથી પણ રાળનો સ્રાવ થાય છે. આ પદ્ધતિ વધારે ઉત્પાદન આપતી હોવા છતાં તે કાષ્ઠને નુકસાન પહોંચાડે છે. કેટલીક વાર વૃક્ષનો નાશ થાય છે.
આ રાળ મૃદુ હોય ત્યારે તેને ‘પાઇની રોગાન’ અને સખત હોય ત્યારે ‘ભારતીય ડામર’ કહે છે. તે ટર્પેન્ટાઇનમાં દ્રાવ્ય હોય છે અને રોગાન બનાવવામાં તેની સારી એવી માગ હોય છે. ટર્પેન્ટાઇનમાં તે ડહોળું અને દૂધિયું બને છે, પરંતુ થોડોક કોલસો ઉમેરી કાળજીપૂર્વક ગાળણ કરતાં તે સ્વચ્છ અને પારદર્શક બને છે. તેને પાતળા સ્તરમાં પ્રસારવામાં આવતાં તેની સુંદર સફેદ સપાટી બને છે. કર્પૂરિત (camphorated) આલ્કોહૉલમાં દ્રાવ્ય હોવાથી રંગકામ અને અંત:સ્થરચનાકીય (anatomical) અભ્યાસમાં ઉપયોગી છે. પ્રવાહીમય રાળને ઊકળતા શુષ્ક તેલ સાથે મિશ્ર કરતાં સારું રોગાન મળે છે. તે સારો ઓપ (finish) આપે છે અને મોટેભાગે રેલવેના ડબ્બા અને રાચરચીલાના વિલેપન (coating) માટે વપરાય છે.
પાઇની રાળ બજારમાં ત્રણ સ્વરૂપે વેચવામાં આવે છે : (1) સઘન (compact) સ્વરૂપ, (2) કોષીય (cellular) સ્વરૂપ, અને (3) ઘેરા રંગનું સ્વરૂપ. પ્રથમ સ્વરૂપ ઘન ગાંગડાસ્વરૂપે હોય છે અને તે સૌથી ઊંચી ગુણવત્તાવાળી ગણાય છે. તે ખૂબ સખત અને ચળકતા નારંગી રંગથી માંડી ફિક્કાશ પડતા પીળા રંગની હોય છે. તે કાચાભ (vitreous) તિરાડ ધરાવે છે. કોષીય સ્વરૂપ વાયુના પરપોટાઓથી ભરેલું હોય છે અને કોષ જેવો દેખાવ આપે છે. તે આછા લીલા રંગથી પીળા કે સફેદ રંગની અને ચળકતી હોય છે. ત્રીજું સ્વરૂપ ઘરડાં અને મરણોન્મુખ (moribund) અથવા મૃત વૃક્ષના પ્રકાંડ ઉપર આવેલા ખાડાઓમાં થાય છે અને તે હલકી કક્ષાનું હોય છે.
તેના નિસ્યંદનથી બાષ્પશીલ તેલ (76 %) ઉત્પન્ન થાય છે અને અવાંછિત (stray) બાલ્સમીય (balsamic) વાસ આપે છે. આ તેલમાં ફીનોલીય ઘટકો અને એઝ્યુલિન હોય છે. એઝ્યુલિનોનું પ્રમાણ વધારે હોય છે. બાષ્પશીલ તેલ ગ્રામ ધનાત્મક અને ગ્રામ ઋણાત્મક બૅક્ટેરિયા સામે પુષ્કળ પ્રમાણમાં પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે. Bacillus subtilis, B. pumilis, Vibrio cholera, Micrococcus pyogenes var. aureus, Pseudomonas solanacearum, Salmonella typhi, Sarcina lutea, Shigella dysenteriae, Streptococcus faecalis અને S. pyogenesની વૃદ્ધિને સંવર્ધન માધ્યમમાં તે ખૂબ અવરોધે છે, પરંતુ Staphylococcus albus અને Coryne bacterium diphtheriaeને ઓછા પ્રમાણમાં અવરોધે છે.
તે કોપાલ કરતાં કેટલાક ગુણધર્મોની દૃષ્ટિએ ઉચ્ચ કક્ષાની છે. ટર્પેન્ટાઇનમાં સહેલાઈથી દ્રાવ્ય હોવાથી ગૃહ-બનાવટના રોગાનમાં વપરાય છે. હાથબત્તી કે મીણબત્તી માટે કોપરેલની સાથે તેનો ઉપયોગ થાય છે. અંબર(amber)ની અવેજીમાં તેનું ક્લોરોફૉર્મમાં બનાવેલું દ્રાવણ છબીકારના રોગાનમાં ઉપયોગી છે. તેનો ધૂપ બનાવવામાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. સોનાનાં ઘરેણાં અને હોડીના સાંધાઓ પૂરવામાં તે વપરાય છે. મલાયા-ડામરની અવેજીમાં હોડીના સાંધા પૂરવા માટે તેની ભલામણ કરવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર સફેદ ડામર કે રાળનું વૃક્ષ તીખું, કડવું, ઉષ્ણ, શીતળ, તૂરું, વ્રણ-રોપણ, વર્ણકારક અને રુક્ષ છે; અને અતિસાર, પિત્ત, રક્તદોષ, કોઢ, કફ, કંડૂ(ખરજ), વિસ્ફોટક, વાયુ, પરસેવો, વ્રણ, કૃમિ, વર્ધ્મ રોગ, વિદ્રધિ, બહેરાપણું, યોનિશૂળ અને પ્રમેહનો નાશ કરે છે. તેનાં ફળ મધુર, રુક્ષ, શીતળ, સ્તંભક, ગુરુ, તૂરાં અને મલાવષ્ટંભક છે; અને શૂળ, વાયુ તથા આધ્માનને દૂર કરનાર અને પિત્ત, રક્તદોષ, દાહ, ક્ષતક્ષય અને તૃષાનો નાશ કરનાર છે. રાળ શીતળ, સ્નિગ્ધ, તૂરી, કડવી, ગુરુ, ગ્રાહક, સ્વાદુ, સ્તંભન, વ્રણરોપણ, ભગ્નસંધાનકારક તથા મધુર હોય છે અને વાત, પિત્ત, ત્રિદોષ, રક્તદોષ, વિસ્ફોટક, કંડૂ, વ્રણ, શૂળ, સ્વેદ, જ્વર, વિસર્પ, ગ્રહબાધા, અગ્નિદગ્ધ વ્રણ, વિપાદિકા, વિષ અને અતિસારનો નાશ કરે છે.
તે ગળાની તકલીફો, ચિરકારી શ્વસનીશોથ (chronic bronchitis), હરસ, અને ક્ષયની ગાંઠો ઉપર ઉપયોગી છે. તલના તેલ સાથે મિશ્ર કરી પરમિયા(gonorrhoea)માં વાપરવામાં આવે છે. ઘી અને મરી સાથે તેનો ઉપયોગ ઉપદંશ(syphilis)માં થાય છે. કોકમના ઘી અને મીણ સાથે બનાવેલો મલમ ગૂમડા(carbuncle)-માં અસરકારક છે. હાડકાના દુખાવામાં અથવા સોજો આવેલો હોય તો તેના ઉપર ગૂગળ સાથે કે એકલી રાળ લઈ તે ઝીણી વાટી પાણીમાં સીઝવી લેપના કામમાં લેવાય છે.
ઉદ્યોગ અને વેપારમાં કોપાલ, ડામર અને સુગંધિત નૈસર્ગિક રાળનું સ્થાન સાંશ્લેષિક રાળે લીધું છે. ફીનોલ-ફૉર્માલ્ડિહાઇડ, ફીનોલ-યુરિયા અને ફીનોલ મૅલેમાઇન રાળ લાંબા સમયથી વ્યાપારિક રીતે મહત્વની ગણાય છે. કોઈ પણ વિઘટ્યિત (unplasticized) કાર્બનિક બહુલકને રાળ ગણવામાં આવે છે. આમ, કોઈ પણ સામાન્ય સુઘટ્ય (plastic) પદાર્થને સાંશ્લેષિક રાળ તરીકે ઓળખાવી શકાય. મુખ્યત્વે વાનસ્પતિક ગુંદરની અવેજીમાં જલદ્રાવ્ય રાળ બજારમાં વેચાય છે. કાબૉર્ક્સિમિથાઇલસેલ્યુલોઝ, હાઇડ્રૉક્સિઆલ્કાઇલેટેડ સેલ્યુલોઝ વ્યુત્પન્નો, રૂપાંતરિત સ્ટાર્ચ, પૉલિવિનિલ આલ્કોહૉલ, પૉલિવિનિલ પાયરોલિન્ડોન અને પૉલિએક્રિલેમાઇડોનો ઉપયોગ ખોરાક અને ચિત્રોના પ્રગાઢક (thickening agent) તરીકે અને રેસા-છિદ્ર-પૂરણ(fibersizing)માં, વિવિધ પ્રકારનાં રક્ષણાત્મક વિલેપનો (coatings) અને સંપુટક (encapsulating) પદાર્થો તરીકે થાય છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ
બળદેવભાઈ પટેલ
ભાલચન્દ્ર હાથી