રાય, શિવકુમાર (જ. 26 એપ્રિલ 1919, રેનૉક, સિક્કિમ) : નેપાળી કવિ અને નવલકથાકાર. 1941માં કોલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. કર્યું. થોડો સમય શિક્ષક તરીકે કાર્ય કર્યું. પછી આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો. ઑલ ઇન્ડિયા ગુરખા લીગ(1943)ના સક્રિય સ્થાપક સભ્ય. ઑલ ઇન્ડિયા રેડિયોમાં નિર્માતા. પશ્ચિમ બંગાળના બી. સી. રૉયના મંત્રીમંડળમાં શ્રમવિભાગના નાયબ મંત્રી (1952). હાલ (2001) નેપાળી દૈનિક ‘હિમલચુલી’ના તંત્રી.
તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ફ્રન્ટિયર’ 1951માં પ્રગટ થયો અને તેમને સહસા વ્યાપક પ્રસિદ્ધિ સાંપડી. પછી બીજો વાર્તાસંગ્રહ ‘યાત્રી’ (1961) પ્રગટ થયો. તેમાં તેમની કેટલીક ઉત્તમ ટૂંકી વાર્તાઓનો સમાવેશ છે. ત્રીજા વાર્તાસંગ્રહ ‘બહારે’ (1976) બદલ તેમને 1978માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. ‘બડા દિરનેર’ (1988) એ ચોથો વાર્તાસંગ્રહ છે. ‘ડાક બંગલા’ (1957) એ તેમની નવલકથા અને ‘દફે ચારી’ (1954) તેમનો કાવ્યસંગ્રહ છે.
સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત તેમને રત્નશ્રી ઍવૉર્ડ મળ્યો છે. તેમની કેટલીક વાર્તાઓ અંગ્રેજી, બંગાળી તથા હિંદીમાં અનુવાદ પામી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના નેપાળી ભાષાના સલાહકાર બૉર્ડના તેઓ સભ્ય છે.
મહેશ ચોકસી