રાય, રાજકિશોર (જ. 1914, છાટબર, જિ. પુરી) : ઊડિયા વાર્તાકાર, વિવેચક અને નાટ્યકાર. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ. ઊડિયા અને અંગ્રેજીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ ઓરિસાની વિવિધ કૉલેજોમાં અધ્યાપન-કાર્ય કર્યું.

‘સંખ’, ‘ચતુરંગ’, ‘સહકાર’ અને ‘નવભારત’ જેવાં અગ્રણી સાહિત્યિક સામયિકોમાં સતત વાર્તાઓ પ્રગટ કરીને 1940 અને 1950ના દસકાના જાણીતા વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ થયા. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘નીલ લહરી’ (1940), ‘અશોકચક્ર’ (1944), ‘જયશ્રી’ (1947), ‘મનરા મૃણાલ’ (1952), ‘શોણિત કાવ્ય’ (1954), ‘આદિ પુરુષ’ (1960), ‘પંક ચંદન’ (1963), ‘એહિ કિ દેવાયતન’ (1973), ‘બિકસા સતદલ’ અને ‘જીવનસંગીત’નો સમાવેશ થાય છે. ‘કલિંગ શિલ્પી’ નામના તેમના વાર્તાસંગ્રહનો વિષય અત્યંત ભાવનાપ્રધાન છે અને તે અતિ અલંકૃત શૈલીમાં છે. પાછળથી તેમના આચાર્ય ‘દ થિલે બોલી’ અને ‘બૌલી’ જેવા વાર્તાસંગ્રહોમાં તત્કાલીન સામાજિક દૂષણો, ગરીબી, વર્ગવિગ્રહ, રુશ્વતખોરી, વેશ્યાવૃત્તિ વગેરે જેવા વિષયો વણી લેવામાં આવ્યા છે. તેમાં તેમનો વ્યંગ્ય અને વક્રોક્તિનો પ્રયોગ ખૂબ નોંધપાત્ર રહ્યો છે.

તેઓ ઘણી સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા. તેઓ ઓરિસા સાહિત્ય અકાદમીના મંત્રી તરીકે જોડાઈને પાછળથી ઉપપ્રમુખ બન્યા. ત્યારબાદ રાજ્ય સંગીત નાટક અકાદમીના ઉપપ્રમુખ તરીકે તેમણે સેવા અદા કરી.

બળદેવભાઈ કનીજિયા