રાય, રઘુ (જ. 18 ડિસેમ્બર, 1942, જાંઘ ગામ, બ્રિટિશ ઇન્ડિયાનો પંજાબ પ્રાંત (હાલ પાકિસ્તાનનું પંજાબ) : ભારતના અગ્રણી ફોટોગ્રાફર અને ફોટો જર્નાલિસ્ટ. ફોટો જર્નાલિઝમને ભારતમાં ગૌરવપદ વ્યવસાય તરીકે સ્થાન અપાવવામાં રાયનું પ્રદાન મોટું છે. તેઓ ખ્યાતનામ ફ્રેંચ ફોટોગ્રાફર હાંરી કાર્તે – બ્રેસોં(Henri Cartier Bresson)ના પ્રીતિપાત્ર હતા. કાર્તે બ્રેસોંએ 1977માં ‘મૅગ્નમ ફોટો’(Magnum Photo – ફોટો જર્નાલિઝમ અને સ્ટૉક ફોટોગ્રાફી માટે 1947માં સ્થપાયેલ સંગઠન)માં રાયની નિમણૂક કરી અને રાય આંતરરાષ્ટ્રીય સ્તરે ફોટો જર્નાલિસ્ટ તરીકે ઊભરી આવ્યા. સાઠ વર્ષથી પણ વધુ લાંબી ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીમાં તેમણે ઝીલેલી તસવીરોની સંખ્યા દસ લાખને આંબી ગઈ છે.
સિવિલ એન્જિનિયરિંગની પદવી મેળવ્યા બાદ રાયે ફોટોગ્રાફી શરૂ કરી. 1962માં પોતાના મોટા ભાઈ શરમપાલ ચૌધરી (ઉર્ફે એસ પૉલ) હેઠળ રઘુ રાયે ફોટોગ્રાફીની તાલીમ લીધી. 1965માં રાય ‘ધ સ્ટેટ્સમૅન’ અખબારમાં ચીફ ફોટોગ્રાફર તરીકે જોડાયા. 1968માં પૉપ મ્યુઝિકનું બૅન્ડ ‘બીટલ્સ’ ભારત પધાર્યું ત્યારે તેમના ફોટોગ્રાફ પાડ્યા. 1976માં ‘ધ સ્ટેટ્સમૅન’ છોડીને કૉલકાતાથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક સમાચાર-સામયિક ‘સન્ડે’માં પિક્ચર એડિટર તરીકે જોડાયા. 1971માં તેમના ફોટોગ્રાફના પૅરિસ ખાતે યોજાયેલા પ્રદર્શનથી પ્રભાવિત થઈને 1977માં હાંરી કાર્તે-બ્રેસોંએ તેમની નિમણૂક ‘મૅગ્નમ ફોટોઝ’માં કરી. 1980માં ‘સન્ડે’ને ત્યાગીને રાય પખવાડિક ‘ઇન્ડિયા ટુડે’માં ફોટોગ્રાફર અને પિક્ચર એડિટર તરીકે જોડાયા. તેમાં 1991 સુધી અનેક સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વિષયો પર પિક્ચર એસે તૈયાર કર્યા. અનેક વિષયો પરના તેમના અનેક શ્વેતશ્યામ તેમજ રંગીન ફોટોગ્રાફ આ બાર વર્ષ દરમિયાન પખવાડિક સામયિક ‘ઇન્ડિયા ટુડે’માં છપાયા. 1984માં ભોપાલ ખાતે ‘યુનિયન કાર્બાઇડ’ કંપનીની ફૅક્ટરીમાંથી ઝેરી વાયુનું ગળતર થવાથી સોળ હજાર લોકોએ જીવ ગુમાવ્યા અને બીજા હજારો લોકો અંધ બન્યા તે ઔદ્યોગિક દુર્ઘટનાની રઘુ રાયે ઝડપેલી તસવીરો અને તે ઘટનાનો અહેવાલ એક દીર્ઘ ફોટોસ્ટોરી તરીકે ‘ઇન્ડિયા ટુડે’માં છપાયાં. પર્યાવરણની સુરક્ષાની નેમ હેઠળ 1971માં કૅનેડા ખાતે સ્થપાયેલ ‘ગ્રીન પીસ’(Green Peace)એ આ વિષય પર રાય પાસે ઊંડાણપૂર્વક દસ્તાવેજી અહેવાલ તૈયાર કરાવ્યો, જેમાં પણ તસવીરોનો સમાવેશ હતો. ‘ગ્રીન પીસ’એ તેનું ‘એક્સ્પોઝર : એ કૉર્પોરેટ ક્રાઇમ’ શીર્ષક હેઠળ વિસ્તૃત પુસ્તક રૂપે પ્રકાશન કર્યું.
ભોપાલ ગૅસ દુર્ઘટનાને વીસ વરસ વીત્યાં પછી 2004થી 2012 સુધી ભોપાલ ગૅસ દુર્ઘટનાની તસવીરોનાં પ્રદર્શનો ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા, જાપાન તથા એશિયાના, લૅટિન અમેરિકાના અને યુરોપના અનેક દેશોમાં યોજાયાં. તેમાંથી જે કમાણી થઈ, તે કમાણી રાયે ભોપાલ દુર્ઘટનાનો ભોગ બનેલા પીડિતોમાંથી જે જીવતા હતા તેમને પહોંચાડી. કૉર્પોરેટ કંપનીઓ નિજી સ્વાર્થ ખાતર માનવસુરક્ષા પ્રત્યે કેટલી બેપરવા હોય છે તે હકીકત દર્શાવવાનો હેતુ આ પ્રદર્શનો પાછળ હતો. માનવીની લાલચ બીજા માનવીના જીવનને કેટલું બરબાદ કરી શકે છે તે વરવી વાસ્તવિકતા આ પ્રદર્શનોની તસવીરોમાંથી સ્પષ્ટ ઊભરી આવતી હતી.
2003માં મુંબઈથી પ્રસિદ્ધ થતા સામયિક ‘જિયો મૅગેઝિન’ માટે ફોટોગ્રાફી કરવી શરૂ કરી, ત્યારથી રાયે ડિજિટલ કૅમેરા વાપરવો શરૂ કર્યો. એ પછી તેઓ કદી ફિલ્મ-રોલ તરફ પાછા વળ્યા નથી. 2017માં તેમણે કાશ્મીરની મુલાકાત લીધી, તે વેળા તેમનાં પુત્રી અવની રાય સંગાથે હતાં, ત્યાં અવની રાયે તેમની ફોટો-ડૉક્યુમેન્ટરી બનાવી. ‘એન અનફ્રેમ્ડ રઘુ રાય’ નામની આ ડૉક્યુમેન્ટરીના પ્રોડ્યૂસર હતા અનુરાગ કશ્યપ.
‘ટાઇમ’, ‘લાઇફ’, ‘જિયો’, ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘સન્ડે ટાઇમ્સ’, ‘ન્યૂઝવીક’, ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’, ‘ન્યૂ યોકર’, ‘ઇન્ડિયા ટુડે’ જેવાં ખ્યાતનામ મૅગેઝિનોમાં રાયની તસવીરો અનેક વાર છપાઈ છે. ‘યુનેસ્કો ઇન્ટરનેશનલ ફોટો કૉન્ટેસ્ટ’ અને બીજી અનેક વૈશ્વિક હરીફાઈઓમાં તેમની વરણી જૂરી તરીકે થઈ.
રઘુ રાયની તસવીરોના અનેક તસવીર-ગ્રંથ (ફોટો-આલબમ) પ્રસિદ્ધ થયા છે. ‘ધ શીખ્સ’, ‘કલકત્તા’, ‘ખજૂરાહો’, ‘તાજમહેલ’, ‘તિબેટ ઇન એક્ઝાઇલ’, ‘મધર ટેરીસા’, ‘એ ડે ઇન ધ લાઇફ ઑવ ઇન્દિરા ગાંધી’, ‘દિલ્હી : એ પૉર્ટ્રેટ’, ‘ડ્રીમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘દિલ્હી’, ‘આગ્રા’, ‘માય લૅન્ડ ઍન્ડ ઇટ્સ પીપલ’, ‘મૅન, મેટલ ઍન્ડ સ્ટીલ’, ‘રઘુ રાય ઇન હીઝ ઑન વર્ડ્ઝ’, ‘લક્ષદ્વીપ’, ‘ભોપાલ ગૅસ ટ્રૅજેડી’, ‘એક્સ્પોઝર : પૉર્ટ્રેટ ઑવ્ એ કૉર્પોરેટ વર્લ્ડ’, ‘ઇન્દિરા ગાંધી : એ લિવિંગ લીગસી’, ‘રોમાન્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ઇન્ડિયા’ઝ ગ્રેટ માસ્ટર્સ’ (ભારતના શાસ્ત્રીય સંગીતકારો અને ગાયકો અંગે ફોટોગ્રાફી), ‘ધ ઇન્ડિયન્સ : પૉર્ટ્રેટ ફ્રોમ માય આલબમ’, ‘બાંગ્લાદેશ : ધ પ્રાઇસ ઑવ્ ફ્રીડમ’, ‘ટ્રીઝ’, ‘ધ ટેઇલ ઑવ્ ટુ : ઍન આઉટ ગોઇન્ગ ઍન્ડ ઍન ઇન્કમિંગ પ્રાઇમ મિનિસ્ટર’ (મનમોહન સિંઘ અને નરેન્દ્ર મોદી અંગેની ફોટોગ્રાફી) તથા ‘વિજયનગર ઍમ્પાયર’ (વિજયનગરના પ્રાચીન સામ્રાજ્યના સ્થાપત્ય અને શિલ્પની ફોટોગ્રાફી).
યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા, ભારત, લૅટિન અમેરિકા, યુરોપ અને એશિયાના વિવિધ દેશોનાં મોટાં નગરોમાં રાયની તસવીરોનાં પ્રદર્શનો યોજાયાં છે. 2007માં દિલ્હી ખાતે નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં રઘુ રાયની લાખો તસવીરોમાંથી પસંદગી કરેલી તસવીરોનું પશ્ચાદવર્તી (Retrospective) પ્રદર્શન યોજાયું હતું. તેમની સાઠ વર્ષથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન તેમણે ઝડપેલી લાખો તસવીરોમાંથી ચુનંદા ત્રણસો તસવીરોનું પશ્ચાદવર્તી – સિંહાવલોકી [રિટ્રોસ્પૅક્ટિવ–Retrospective] પ્રદર્શન 2024ની પહેલી ફેબ્રુઆરીથી ત્રીસમી એપ્રિલ સુધી દિલ્હી ખાતે સાકેતમાં કિરણ નાદાર મ્યુઝિયમમાં યોજાયું. ‘રઘુ રાય : એ થાઉઝન્ડ લાઇવ્ઝ – ફોટોગ્રાફ્સ ફ્રોમ 1965–2005’ શીર્ષક ધરાવતા આ પ્રદર્શનનું ક્યુરેશન (આયોજન અને તસવીરોની પસંદગી) રૂબીના કારોડે અને દેવિકા દૌલત સિંઘે કર્યું.
આજે એક્યાસી વરસની ઉંમરે પણ રઘુ રાય ફોટોગ્રાફી કરે છે.
અમિતાભ મડિયા