રાય, નરેન્દ્ર (જ. 1943, હૈદરાબાદ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1965માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1965, 1966, 1968 અને 1980માં હૈદરાબાદમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને ન્યૂયૉર્કમાં સમૂહપ્રદર્શનોમાં ભાગ લીધો.
નરેન્દ્રનાં ચિત્રોમાં વિગતપૂર્ણ પ્રકૃતિની પશ્ર્ચાદ્ભૂમાં કૃષક-પરિવારનું સામંજસ્યપૂર્ણ આલેખન જોવા મળે છે. નરેન્દ્રને આંધ્રપ્રદેશ લલિત કલા અકાદમી, કેન્દ્રીય લલિત કલા અકાદમી, ઑલ ઇન્ડિયા મિનિયેચર બાયેનેલ, કોલકાતાની અકાદમી ઑવ્ ફાઇન આટર્સ અને મછલીપટ્ટમની ચિત્રકલા પરિષદ તરફથી સન્માનવામાં આવ્યા છે.
હાલમાં તે હૈદરાબાદમાં રહીને કલાસર્જનમાં વ્યસ્ત છે.
અમિતાભ મડિયા