રાય, કલ્યાણી : જાણીતાં સિતારવાદક. રૂઢિવાદી પરિવારમાં જન્મ. પિતાનું નામ શૈલેશ્વર રાય. માતાના પ્રોત્સાહનથી સંગીત તરફ વળ્યાં. આઠ વર્ષની વયે ઇનાયતખાંના ઘરાનાના સંગીતકાર એન. સી. ગાંગુલી પાસેથી સંગીતના શિક્ષણનો પ્રારંભ કર્યો, જે ચારથી પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યું. 1948ના અરસામાં જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાં પાસેથી ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી, જે ઔપચારિક રીતે છ વર્ષ સુધી ચાલુ રહી, પરંતુ વિલાયતખાં સાથે તેમના ગુરુ-શિષ્ય સંબંધો આજ દિન સુધી ચાલુ રહ્યા છે. 1944માં આકાશવાણી કોલકાતા પરથી તેમનો પ્રથમ કાર્યક્રમ રજૂ થયો અને ત્યારથી અત્યાર સુધી તેમના અનેક જાહેર કાર્યક્રમો આકાશવાણી પરથી તથા દેશનાં અલગ અલગ નગરોમાં પ્રસ્તુત થયા છે. છેલ્લા લગભગ છ દાયકા દરમિયાન (1955-2003) દેશનાં વિભિન્ન શહેરોમાં યોજવામાં આવેલાં સંગીત-સંમેલનોમાં પણ તેમણે હાજરી આપી છે અને પોતાના કુશળ વાદનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીની સંગીત-વિદ્યાશાખામાંથી બી. મ્યૂઝ.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેમણે ‘સંગીત-પ્રભાકર’ની પદવી પણ મેળવી છે. તેમના સિતારવાદનનો પ્રથમ એકલ જાહેર કાર્યક્રમ 1947માં ગ્વાલિયર ખાતે આયોજિત તાનસેન-સંગીત-સંમેલનમાં પ્રસ્તુત થયો હતો.
તેમના કેટલાક જુગલબંદી કાર્યક્રમો અવિસ્મરણીય બન્યા છે, જેમાં સરોદવાદક રાધિકામોહન મિત્ર અને બહાદુરખાં, વિખ્યાત વાયોલિનવાદક વી. જી. જોગ, હાર્મોનિયમવાદક જે. પી. ઘોષ, વાંસળીવાદક ગૌર ગોસ્વામી અને વાયોલિનવાદક વી. સી. રાનડે સાથેની જુગલબંદીઓનો સમાવેશ થાય છે. તેમના સિતારવાદનની એલ. પી. રેકૉર્ડ અને કેસેટો પણ બહાર પડી છે.
તેમણે કેટલાંક ચલચિત્રોના સંગીતમાં પણ સિતારવાદન રજૂ કર્યું છે, જેમાં ‘સુભાષચંદ્ર’ ચલચિત્ર અને સત્યજિત રાયના ચલચિત્ર ‘ચિડિયાઘર’નો સમાવેશ થાય છે.
તેમની સિતારવાદનની શૈલી ઇનાયતખાંના ઘરાનાની શૈલી સાથે સરખાવાય છે. આ શૈલીમાં ગાયકી-અંગનું વિશેષ મહત્ત્વ હોય છે. સિતારવાદન દરમિયાન રાગનું માધુર્ય તથા તેનું શુદ્ધ સ્વરૂપ પ્રસ્તુત કરવામાં તેમનું પ્રભુત્વ હોય છે. ઉપરાંત, આલાપની ગહનતા તથા સ્વરોની સ્પષ્ટતા એ તેમના સિતારવાદનની લાક્ષણિકતા ગણવામાં આવે છે. સિતાર જેવા વાદ્ય પર ધ્રુપદ-શૈલીનું વાદન રજૂ કરવા માટે તેમણે વિશિષ્ટ તાલીમ લીધી છે. જલધારિણી, ગોકરણી, મલ્લિકા, મનોરંજિકા તથા કુમારી જેવા અપ્રચલિત રાગો પણ તેઓ સિતાર પર કુશળતા સાથે રજૂ કરી શકતાં હોય છે.
તેમણે દેશવિદેશમાં રજૂ કરેલા કાર્યક્રમોમાં 1958માં પાકિસ્તાન, 1960માં મ્યાનમાર, 1963માં સોવિયત સંઘ તથા 1964માં ભારતીય સાંસ્કૃતિક શિષ્ટમંડળનાં સદસ્યા તરીકે અફઘાનિસ્તાન અને નેપાળના વિદેશપ્રવાસનો સમાવેશ થાય છે. યુરોપના કેટલાક દેશો તથા અમેરિકાનો પ્રવાસ પણ તેમણે ખેડ્યો છે અને ત્યાં મોટાં નગરોમાં સિતારવાદનના કાર્યક્રમો રજૂ કર્યા છે.
માત્ર તેર વર્ષની નાની ઉંમરે ભવાનીપુર સંગીત-સંમેલનમાં તેમને ‘સ્વરશ્રી’ની ઉપાધિથી નવાજવામાં આવ્યાં હતાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે