રાયચૌધુરી, દેવીપ્રસાદ ઉમાપ્રસાદ (જ. 1899, તેજઘાટ, જિલ્લો રંગપુર, બાંગ્લાદેશ; અ. ?) : આધુનિક ભારતીય ચિત્રકાર, શિલ્પી અને કલાગુરુ તથા કુસ્તીબાજ, શિકારી, લેખક અને વાંસળીવાદક. ધનાઢ્ય જમીનદાર-કુટુંબમાં જન્મ. શૈશવ તેજઘાટમાં વિતાવ્યું. પછી ઉત્તર કોલકાતાની ખેલાત ચંદ્ર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં ડ્રૉઇંગ, પેઇન્ટિંગ્સ તથા માટીમાંથી કરાતા શિલ્પકામમાં અસાધારણ કૌશલ્ય દાખવતાં પિતા ઉમાપ્રસાદે દેવીપ્રસાદને શાંતિનિકેતનના જોડાસાંકો હાઉસમાં અવનીન્દ્રનાથ ટાગોર હેઠળ કલાભ્યાસ માટે મોકલ્યો. અહીં દેવીપ્રસાદે જળરંગી ‘વૉશ’ ટેક્નિક આત્મસાત્ કરી પશ્ચિમ યુરોપીય પરંપરાપ્રાપ્ત પદ્ધતિથી કરવામાં આવતા વાસ્તવ આભાસી આલેખનમાં ખાસ નૈપુણ્ય હાંસલ કર્યું. આ શૈલી પ્રત્યેનું તેમનું આકર્ષણ આજીવન રહ્યું અને તે શૈલી તેમને પ્રિય થઈ પડી. શિલ્પક્ષેત્રે તેમની પ્રિય પદ્ધતિ માઇકલૅન્જેલોની માફક પથ્થરમાંથી બિનજરૂરી ભાગ કોતરીને ‘બાદબાકી’ કરવાની નહિ, પણ રોદાં(Rodin)ની માફક માટીના પિંડ પર માટી ચઢાવતા જઈને ‘યોગ’ કરવાની રહી. આ પદ્ધતિ તે જોડાસાંકો હાઉસમાં બોઇસ નામના ઇટાલિયન શિલ્પી ચિત્રકાર પાસે શીખ્યા. અભ્યાસ પૂરો કર્યા પછી થોડો સમય કોલકાતાની ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઑરિયેન્ટલ આર્ટમાં પશ્ચિમ યુરોપીય રૂઢ પદ્ધતિથી ચિત્રકલા શીખવવાની નોકરી કરી. આ પછી નોકરી છોડી કોલકાતામાં પ્રસિદ્ધ શિલ્પી હીરામણિ રૉયચૌધુરીના સ્ટુડિયોમાં વિદ્યાર્થી-સહાયક તરીકે જોડાયા. અહીં તેમની શિલ્પ પરની હથોટી પરિપક્વ થઈ. તેમનાં ચિત્રો અને શિલ્પના ફોટોગ્રાફ રામાનંદ ચૅટર્જી-સંપાદિત ‘ધ મૉડર્ન રિવ્યૂ’ તથા ‘પ્રવાસી’ ઉપરાંત લંડનથી પ્રકાશિત થતા ‘સ્ટુડિયો’ અને અમેરિકાથી પ્રકાશિત થતા ‘ઇન્ટરનૅશનલ’માં પ્રકાશિત થવા માંડ્યાં.
1929માં તેઓ ચેન્નાઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટના આચાર્ય નિમાયા અને અહીં 1960 લગી ચાલુ રહ્યા. આ કલા-મહાશાળાનાં શિક્ષણ અને સંચાલનની ફરજો બજાવવાની સાથે તેમણે નિજી કલાસર્જન પણ ચાલુ રાખ્યું. સ્વતંત્ર ભારતમાં 1953માં કેન્દ્રીય લલિત કલા અકાદમીની સ્થાપના થતાં તેના પ્રથમ પ્રમુખ તરીકે તેમની નિયુક્તિ થઈ.
શાંતિનિકેતનની રવીન્દ્રભારતી યુનિવર્સિટીએ તેમને ‘માનાર્હ ડૉક્ટરેટ’ની પદવીથી તથા ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબથી નવાજ્યા. તેમનાં ચિત્રો અને શિલ્પો હૈદરાબાદના સાલારજંગ મ્યુઝિયમ, નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ ઉપરાંત વિદેશનાં કેટલાંક મ્યુઝિયમોમાં કાયમી સંગ્રહ પામ્યાં છે.
તેમનાં કેટલાંક સ્મારક-શિલ્પો (monumental sculptures) દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને પટણાનાં જાહેર સ્થળોએ કાયમી ધોરણે પ્રદર્શિત થયેલાં છે.
દેવીપ્રસાદની આરંભકાળની કૃતિઓમાં 1922માં જીવંત રવીન્દ્રનાથના ચહેરા પરથી બનાવેલ પૉર્ટ્રેટ-બસ્ટ તેમાં રહેલા ખડતલ (robust) ઘનવાદી જોમને કારણે ખાસ આકર્ષક છે.
આ ઉપરાંત પર્સી બ્રાઉન, શ્રીમતી બ્રાઉન, સર જે. સી. બોઝ, ડૉ. સી. આર. રેડ્ડી, ખાસા સુબ્બા રાવ ઇત્યાદિના જીવંત ચહેરા પરથી અને ડૉ. ઍની બેસન્ટ, સર આશુતોષ મુખર્જી, સર સુરેન્દ્રનાથ બૅનર્જી, પંડિત મોતીલાલ નહેરુ તથા મહાત્મા ગાંધીના ફોટોગ્રાફ ઉપરથી પૉર્ટ્રેટ-બસ્ટ બનાવ્યાં.
જાહેરમાં મૂકવાનાં સ્મારકશિલ્પોના (monumental) સર્જનમાં દેવીપ્રસાદની સર્જનાત્મકતા પૂર્ણ કલાએ ખીલી ઊઠી હોવાનું સર્વાનુમતે માનવામાં આવે છે, જેમાં કાંસા(બ્રૉન્ઝ)માંથી ઘડેલું બાસ રિલીફ (છીછરું કોતરેલું) ‘ત્રાવણકોર ટેમ્પલ એન્ટ્રી પ્રૉક્લેમેશન’ સૌથી પહેલું સર્જાયું. આ પછી પ્લાસ્ટર ઑવ્ પૅરિસ વડે શિવનું તાંડવનૃત્ય રજૂ કરતું ‘ગૉડ ઑવ્ ડિસ્ટ્રક્શન’ સર્જ્યું. આ પછી ‘રિધમ’, ‘આફ્ટર ધ બાથ’, ‘વ્હેન વિન્ટર કમ્સ’, ‘ધ લાસ્ટ સ્ટ્રોક’, ‘ધ વિક્ટિમ્સ ઑવ્ હંગર’, ‘ટ્રાયમ્ફ ઑવ્ લેબર’ અને ‘માર્ટર્સ મેમૉરિયલ’ કાંસામાં સર્જ્યાં. આ બધાં જ શિલ્પોમાં એકથી વધુ માનવ-આકૃતિઓનાં સંયોજનો જોવા મળે છે. આમાંથી ‘ટ્રાયમ્ફ ઑવ્ લેબર’ અને ‘માર્ટર્સ મેમૉરિયલ’ દેવીપ્રસાદની શ્રેષ્ઠ શિલ્પકૃતિઓ ગણાય છે. ‘ટ્રાયમ્ફ ઑવ્ લેબર’માં ઉચ્ચાલનના સિદ્ધાંત અનુસાર લાકડાના થડ વડે ખડક ખસેડતા ચાર નગ્ન મજૂરોના શારીરિક સ્નાયુઓના તથા મુખ પરના સ્નાયુઓના તણાવને ખૂબ જ આકર્ષક રીતે રજૂ કર્યા છે. માનવ-શરીરરચનાનો ઊંડો અભ્યાસ પણ તેમાં દેખાય છે. 1954માં સર્જેલું આ શિલ્પ હાલમાં દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ ખાતે પ્રદર્શિત છે.
‘માર્ટર્સ મેમૉરિયલ’નું સર્જન 1956માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના આમંત્રણથી થયું. અહીં ભારતની આઝાદીના અગિયાર અનામી લડવૈયાઓનાં મોં પર આશા-નિરાશાની સંતાકૂકડીનું અદભુત આલેખન છે, આ અગિયાર શહીદો ભારતનાં અલગ અલગ અગિયાર રાજ્યોનાં પ્રાદેશિક લક્ષણો ધરાવતી વ્યક્તિઓ છે. આમ અનેકતામાં એકતાનું નિરૂપણ પણ અહીં જોવા મળે છે. આ શિલ્પ 29 મીટર લાંબું અને છ મીટર ઊંચું છે. અગિયાર શહીદોમાંના પ્રત્યેકને કાંસામાં અલગ અલગ ઢાળીને ઘડ્યા છે.
ચિત્રક્ષેત્રે દેવીપ્રસાદે પશ્ચિમ યુરોપિયન રૂઢ શૈલીમાં આલેખનો કર્યાં છે; જેમાં પ્રકાશ અને છાયાના નિરૂપણથી દર્શકને ઊંડાણ અને વાસ્તવનો આભાસ થાય છે. જળરંગો અને તૈલરંગો બંનેમાં આ પ્રકારે દેવીપ્રસાદે ચિત્રસર્જન કર્યું છે. તેમની પ્રમુખ ચિત્રકૃતિઓમાં ‘આફ્ટર ધ સ્ટૉર્મ’, ‘નિર્વાણ’, ‘બ્રિજ’, ‘પલેસ ડૉલ’, ‘પૂજારિણી’, ‘દુર્ગાપૂજા’ તથા ‘ઓબ્સ્ક્યોર કૉર્નર’નો સમાવેશ થાય છે.
રાયચૌધુરી ખડતલ વ્યાયામવીર, કુસ્તીબાજ, સાયક્લિસ્ટ અને શિકારી પણ હતા. શિકાર દરમિયાન મારેલાં જનાવરોનું તે અભ્યાસપૂર્વક આલેખન કરતા.
અમિતાભ મડિયા