રાયચૌધરી, અંબિકાગિરિ

January, 2003

રાયચૌધરી, અંબિકાગિરિ (જ. 1885, બારપેટ, આસામ; અ. 1967) : આસામી સાહિત્યકાર. તેમણે માધ્યમિક શાળાનાં 8 ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી પરંપરાગત શિક્ષણ છોડી દીધું. ભવિષ્યની કારકિર્દી બનાવવા તેઓ ગુઆહાટી ગયાં અને ત્યાં કેટલાક ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યાં; એ લોકો બ્રિટિશ અમલ સામે સશસ્ત્ર ક્રાંતિમાં માનતા હતા. આથી તેમની પણ તુરત ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી તેઓ કૉંગ્રેસનાં સભ્ય બન્યાં; કૉંગ્રેસ એ વખતે 1920-21ની અસહકારની ચળવળમાં સક્રિય બનેલી હતી. રાયચૌધરીની પણ ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યાં હતાં. આસામના વિશેષ પ્રશ્ર્નો પરત્વેની કૉંગ્રેસના નેતાઓની ઉપેક્ષાને કારણે તેમણે 1926માં આસામ સંરક્ષિણી સમિતિ નામે નવું સંગઠન રચ્યું; જોકે ભારતની આઝાદીની લડતના મુદ્દા પરત્વે તેમને કૉંગ્રેસ સામે કોઈ વિરોધ ન હતો. 1935માં આ સંગઠનનું નામ બદલીને આસામ જાતીય મહાસભા રાખવામાં આવ્યું હતું. તેને લગતા અઠવાડિક સમાચારપત્ર ‘ડેકા આસામ’નું સંપાદન તેમણે ઘણાં વર્ષો સુધી સંભાળ્યું હતું.

તેઓ પ્રતિભાશાળી કવયિત્રી હતાં. તેમના 6 કાવ્યસંગ્રહોમાં ‘વીણા’ (1912), ‘તુમી’ (1925), ‘અનુભૂતિ’ (1954), ‘સ્થાપન કર, સ્થાપન કર’ (1958), ‘વંદોકી ચંદેરે’ (1958) તથા ‘વેડાનાર ઉલ્કા’(1964)નો સમાવેશ થાય છે. આ છેલ્લી કૃતિને 1966માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ‘દેશી ભગવાન’ (મારો દેશ મારો ભગવાન) (1965) એ તેમનો ગીતસંગ્રહ છે.

તેમનાં કાવ્યોમાં રાષ્ટ્રીય ભાવનાનાં ઊર્મિગીતો, કલ્પિત પ્રેમિકા માટેનાં પ્રણયકાવ્યો, રહસ્યરંગી ભક્તિકાવ્યો તથા પ્રામાણિક-નિખાલસ જીવનની પ્રશંસાનાં કાવ્યોનો સમાવેશ થાય છે.

તેમણે લખેલાં 3 નાટકોમાં ‘કલ્યાણમયી’ (1912), ‘જયદ્રથ-વધ’ (1962) તથા ‘ભક્ત-ગૌરવ’નો સમાવેશ થાય છે. નાટકો બહુ ઊંચી કક્ષાનાં નથી, પરંતુ એ નાટકો તરજુમિયાં બંગાળી નાટકોના મોહમાંથી પ્રેક્ષકોને આસામી નાટકો તરફ વાળવામાં સફળ થયાં. તેમનું ગદ્ય પણ જોશીલું હતું. તેમની શૈલીમાં તેમનું વ્યક્તિત્વ, તેમની દેશદાઝ તથા તેમનો ક્રાંતિકારી જુસ્સો વ્યક્ત થયેલો જોવા મળે છે. ‘દેકા દેકેરીર વેદ’ (‘ધ વેદ ઑવ્ ધ યૂથ્સ ઍન્ડ મેડન્સ’, 1942) તથા ‘આહુતિ’ (1953) એ તેમના નિબંધસંગ્રહો છે.

મહેશ ચોકસી